મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

શહેર-જીલ્લામાં કોરોનાના મૃત્યુ આંકમાં સતત ૨ દિ'થી ઘટાડો

આજે શહેરમાં નવા ૪૩ કેસ : ૧૭ના જીવ ગયા

ગઇકાલે ૧૧૮ દર્દીઓ સાજા થતા કુલ ૪૧૭૨ લોકો ડિસ્ચાર્જ થતાં રિકવરી રેટ ૭૮.૨૦ ટકા : ૪૯ હજાર ઘરોનો સર્વે : ૨૫ લોકોને તાવ, શરદી, ઉધરસના લક્ષણો દેખાયા : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર - જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૦૯૯ બેડ ખાલી : શહેરમાં ચિત્રકૂટ સોસાયટી- કાલાવડ રોડ, શ્રી રેસીડેન્સી- ચંદન પાર્ક, પોલીસ હેડ કવાર્ટર, હિંગળાજનગર- અમીનમાર્ગ, કુબલીયા પરા, ટોપલેન્ડ રેસીડેનસી- સાધુવાસવાણી રોડ, વૃંદાવન સોસાયટી- મવડી રોડ, લાખાજી રાજ, શ્રમજીવી સોસાયટી- દૂધસાગર રોડ, નંદનવન- રૈયા ચોક, શકિત સોસાયટી, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં ૯૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

રાજકોટ, તા. ૨૩:  શહેર અને જીલ્લમાં છેલ્લા બે દિવસથી કોરોનાના મૃત્યુ આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલે ૧૯ અને આજે ૧૭ દર્દીઓનાં મૃત્યુ થયા હતા. જ્યારે શહેરમાં બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નવા ૪૩ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ થઇ છે.  આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૨નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૨૩ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૭ દર્દીઓનાં મૃત્યુ થયા છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૦૯૯ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંકનો ઘટાડો થઇ રહ્યો છે.

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે.  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૩ પોઝીટીવ કેસ આવ્યા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ  ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૩૭૮  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૧૭૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૮.૨૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૦૨૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૫કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૦૮ ટકા થયો  હતો. જયારે ૭૬ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૮૪,૫૬૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૩૭૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૯  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  ચિત્રકૂટ સોસાયટી- કાલાવડ રોડ, શ્રી રેસીડેન્સી- ચંદન પાર્ક, પોલીસ હેડ કવાર્ટર, હિંગળાજનગર- અમીનમાર્ગ, કુબલીયા પરા, ટોપલેન્ડ રેસીડેનસી- સાધુવાસવાણી રોડ, વૃંદાવન સોસાયટી- મવડી રોડ, લાખાજી રાજ, શ્રમજીવી સોસાયટી- દૂધસાગર રોડ,  નંદનવન- રૈયા ચોક, શકિત સોસાયટી, સંતબકીર રોડ સહિતના વિસ્તારોમાં ૯૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

(3:04 pm IST)