મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના પપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના વાયરસથી નિપજયું મોત

૬૬ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી, તા.૨૩: સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ વાયરસની ઝપેટમાં ઘણા લોકો આવ્યા છે. ત્યારે બીજી તરફ આફ્રિકાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના વતની પપૌત્ર સતીષ ધૂપલિયાનું રવિવારે કોરોના વાયરસના કારણે નિધન થયું, તેઓ ૬૬ વર્ષના હતો અને તેમનો ત્રણ દિવસ પહેલા જન્મદિવસ હતો. તેમના પરિવારના સભ્યોએ આ માહિતી આપી હતી.

ધુપેલીયાની બહેન ઉમા ધૂપેલિયા- મેસ્થીરીએ આ વાતની જાણકારી આપી હતી. અને તેમણે નિવેદનમાં જણાવ્યું તેમના ભાઈનું મોત કોવિડ -૧૯ સંબંધિત જટીલ બિમારીઓના કારણે થયું છે. તેમણે જણાવ્યું કે તેમના ભાઈને ન્યુમોનિયાની બિમારી થઈ હતી. અને તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.નોંધનીય છે કે તેમને સંક્રમણ હોસ્પિટલમાંજ થયું હતું. અને સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું.

ઉલ્લેખનીય છે કે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, મારા પ્રિય ભાઈ ન્યુમોનિયાથી એક મહિના પીડાયા બાદ નિધન પામ્યા. તેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોવિડ -૧૯ની ઝપેટમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, આજે સાંજે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

તેમના પરિવારમાં બે બહેનો ઉમા અને કીર્તિ મેનન છે, જે અહીંયા જ વસવાટ કરે છે. આ ત્રણ ભાઈ-બહેન મનીલાલ ગાંધીના વારસદારો છે, જેમને મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં પોતાના કાર્યો પૂરા કરવા માટે દક્ષિણ આફ્રિકામાં જ છોડીને ભારત પરત ફર્યા હતા.

(10:03 am IST)