મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

પોતાને આર્મી મેજર કહીને ૧૭ પરિવારને આપ્યો લગ્નનો વાયદોઃ ૬.૫ કરોડ રૂપિયા ખંખેરી દીધા

ઈન્ડિયન આર્મીનું નકલી આઇડી કાર્ડ, નકલી માર્કશીટ, નકલી આધાર કાર્ડના આધારે આ 'નટવરલાલે' પાથરી હતી છેતરપિંડીની માયાજાળઃ પોતે ૯ ધોરણ પાસ છે

નવી દિલ્હી,તા. ૨૪: હૈદરાબાદમાં ઠગીનો એક એવો મામલો સામે આવ્યો છે જેને સૌને બધાને આશ્યર્યમાં મૂકી દીધા છે. મૂળે અહીં એક વ્યકિતએ પોતાને આર્મીના અધિકારી હોવાનું જણાવીને લગભગ ૧૭ લોકો સાથે ઠગી કરી. આ ઠગી તેણે લગ્ન કરવાનો વાયદો આપીને કરી છે. તેણે આ છેતરપિંડીમાં ૧૭ લોકો પાસેથી ૬.૬૧ કરોડ રૂપિયાની ઠગી કરી લીધી. જોકે બાદમાં પોતાની જાતને આર્મી અધિકારી ગણાવતાં આ નકલી વ્યકિતની પોલીસે ધરપકડ કરી લીધી છે.

મળતી જાણકારી મુજબ, આરોપીનું નામ મધુવથ શ્રીનુ નાયક ઉર્ફે શ્રીનિવાસ ચૌહાણ છે. તે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કેલ્લમપલ્લી ગામનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ જાણવા મળ્યું કે તેણે છેતરપિંડીના નાણાથી સૈનિકપુરીમાં એક મકાન, ત્રણ કાર અને એશો આરામનો બીજો સામાન ખરીદ્યો હતો. પોલીસને તેની પાસેથી ત્રણ નકલી પિસ્તોલ, આર્મીના ત્રણ યૂનિફોર્મ, એક નકલી આર્મી આઇડી કાર્ડ અને કેટલાક નકલી દસ્તાવેજ જપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, મધુવુથ ધોરણ-૯ સુધી જ ભણેલો છે. તેની પાસે પોસ્ટ ગ્રેજયૂએશનની નકલી ડિગ્રી પણ છે. તેની પત્નીનું નામ અમૃતા દેવી છે. તેને એક દીકરો પણ છે જે ઇન્ટરમાં અભ્યાસ કરે છે. તેની પત્ની દીકરા સાથે આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહે છે. પરંતુ તે પોતે હૈદરાબાદમાં સૈનિકપુરી, જવાહર નગરમાં રહે છે. તેણે પોતાના પરિવારને જણાવ્યું કે તેને ઈન્ડિયન આર્મીમાં નોકરી મળી ગઈ છે અને તે મેજર બની ગયો છે.

પોલીસે તેની પાસેથી એક નકલી આધાર કાર્ડ પણ જપ્ત કર્યું છે. તેમાં તેણે પોતાની જન્મતારીખ ૧૨-૦૭-૧૯૭૯ના બદલે ૨૭-૦૭-૧૯૮૬ દર્શાવી છે. પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે તે મેરેજ બ્યૂરો કે પોતાના પરિચિતોના માધ્યમથી એવા પરિવારોને શોધતો હતો જે પોતાની દીકરીનું લગ્ન કરાવવા માંગતા હોય. ત્યારબાદ તે પોતાના નકલી આર્મી આઈડી કાર્ડ અને ફોટો યુવતીના ઘરવાળાઓને દર્શાવતો હતો અને તેમને પોતાની ઠગીની જાળમાં ફસાવી દેતો હતો.

(10:12 am IST)