મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ખેડૂતો રસ્તા ઉપરઃ ઠેર ઠેર ચક્કાજામ : રેલ રોકો

કૃષિ બિલનો પ્રચંડ વિરોધ : ભારત બંધને આંશિક પ્રતિસાદઃ પંજાબ, હરિયાણા, બિહાર સહિતના રાજ્યોમાં સવારથી જ ખેડૂતોના ઉગ્ર દેખાવો : બિહારમાં આગજનીની ઘટના : ઠેર ઠેર ટ્રેનો રોકવામાં આવી

નવી દિલ્હી તા. ૨૫ : સંસદમાં તાજેતરમાં પસાર થયેલા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ ખરડાઓના વિરોધમાં દેશના અનેક રાજ્યના ખેડૂતો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને ઠેરઠેર ચક્કાજામ અને રેલવે રોકો આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે જેને આંશીક પ્રતિભાવ સાપડયો છે. પંજાબ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોમાં ખેડૂતોના આંદોલનની અસર જોવા મળી રહી છે. ખેડૂતોના આંદોલનના કારણે અનેક ટ્રેનો આજે રદ્દ કરવામાં આવી છે.

સંસદમાં પસાર થયેલા ખેડૂત બિલ વિરૂધ્ધમાં સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન પંજાબ, હરિયાણા અને બિહારમાં થઇ રહ્યું છે. કોંગ્રેસ, સપા, રાજદ, અકાલીદળ, ટીએમસી, આપ સહિતના પક્ષોનું ખેડૂતોને સમર્થન છે. બિહારમાં ખેડૂતોનું પ્રદર્શન આજે સવારથી જ શરૂ થઇ ગયું હતું. બિહારના હાજીપુરમાં બંધની મોટી અસર જોવા મળી રહી છે. દેખાવકારોએ ગાંધી સેતુ નજીક નેશનલ હાઇવે-૧૯ ઉપર ચક્કાજામ કર્યો હતો અને આગજની કરી હતી. રસ્તા પર ટાયરો સળગાવી બંધ સમર્થકો નારેબાજી કરતા જોવા મળ્યા હતા. વાહનો અટકાવામાં આવ્યા હતા. ઉત્તર બિહારમાં લાઇફલાઇન ગણાતા રાજમાર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

પંજાબ અને હરિયાણામાં ગઇકાલથી જ ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું છે. ઠેર-ઠેર ખેડૂતોએ ટ્રેનો અટકાવી હતી. અનેક ખેડૂતો રેલવે લાઇન ઉપર બેસી ગયા હતા. ખેડૂતોએ એવી ધમકી પણ આપી છે કે, સરકાર જો અમારી વાત નહિ માને તો ૧લી ઓકટોબરથી અનિશ્ચીત મુદ્દત માટે રેલવે ઠપ્પ કરી દેશે. ભારતીય કિશાન યુનિયને કહ્યું છે કે, ભારત બંધમાં જોડાવા માટે દુકાનદારો, ટ્રાન્સપોર્ટરો વગેરેને અપીલ કરવામાં આવી છે.

આજે પંજાબમાં બંધની વધુ અસર જોવા મળી રહી છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હરિયાણામાં પણ આવી જ સ્થિતિ છે. સરકાર વિરૂધ્ધ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પંજાબ સરકારે કહ્યું છે કે, અમે ખરડા વિરૂધ્ધ લડાઇમાં ખેડૂતોની સાથે છીએ અને ૧૪૪મી કલમની ભંગ થશે તો કેસ નહિ કરાય.  આજે દિલ્હી - હરિયાણા બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. કુલ ૧૮ રાજકીય પક્ષોના સમર્થનથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હરિયાણા પ્રદેશની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કર્યું છે. જો કે ખેડૂતોએ ઠેરઠેર ચક્કાજામ કર્યા હતા.

(11:20 am IST)