મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કોરોના કાળમાં વિશ્વનું 'દવાખાનુ' બની ઉપસ્યું ભારત

દવાઓ-સુરક્ષા ઉપકરણોમાં આત્મનિર્ભરતા મેળવી એટલુ જ નહિ ૧ર૦ દેશોમાં નિકાસ પણ કરી

નવી દિલ્હીઃ ભારતને કોરોના કાળમાં શરૂઆતના તબક્કે ભલે મેડીકલ સુવિધાઓ માટે ઝુઝવુ પડયું હોય પણ થોડાક જ મહિનામાં તે દુનિયાનું દવાખાનુ બનીને બહાર આવ્યું છે. તેણે દવાઓના ઉત્પાદન અને સુરક્ષા ઉપકરણો બાબતે આત્મનિર્ભરતા મેળવી એટલું જ નહી પણ આવી મોટાભાગની વસ્તુઓની નિકાસ પણ શરૂ કરી દીધી.

આજે તે દવા જ નહી,માસ્ક, પીપીઇ કીટ, વેન્ટીલેટર વગેરેની નિકાસ કરી રહયું છે. બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતે છેલ્લા ચાર મહિનામાં ૧ર૦ દેશોને પેરાસીટામોલ, હાઇડ્રોકસી કલોરોકવીન સહીતની એક ડઝનથી વધારે જાતની દવાઓ  નિકાસ કરી અને આ કટોકટીના સમયમાં તેમાંથી ૪૦ દેશોને મફતમાં દવાઓ મોકલી.

ભારત માર્ચમાં પીપીઇ કીટની આયાત કરી રહયું હતું. એપ્રિલથી ઓગષ્ટ વચ્ચે તેણે દોઢ કરોડ પીપીઇ કીટનું ઉત્પાદન કર્યુ હવે તે દર મહિને રપ લાખ કીટ નિકાસ કરે છે. આજે વિશ્વમાં અપાતી રસીઓમાંથી ૬૦ ટકા રસીઓ ભારતમાં બને છે. દર દસમાંથી છ બાળકોને ભારતીય રસી મુકાય છે. લગભગ ર૦૦ દેશોમાં ભારત રસીની નિકાસ કરે છે અને તેની કિંમતો પણ સૌથી ઓછી છે.

(11:21 am IST)