મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્‍જામિન નેતન્‍યાહુના અમેરિકા પ્રવાસ અંગે વિચિત્ર વિવાદઃ વ્‍હાઇટ હાઉસમાં પોતાના ગંદા કપડા ધોવડાવ્‍યાનો આરોપ

વોશિંગ્ટન: ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો અમેરિકા પ્રવાસ વિવાદમાં સપડાયો છે. તેમના પર પોતાની સાથે ગંદા કપડાંની બેગો લઈ જવાનો આરોપ લાગ્યો છે. તેમના પર એવો પણ આરોપ લાગ્યો છે કે તેમણે બધા ગંદા કપડાં વ્હાઈટ હાઉસમાં ધોવડાવ્યાં.

'બની ગઈ છે આદત'

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં કહેવાયું છે કે ઐતિહાસિક સમજૂતિ માટે અમેરિકા આવ્યા ત્યારે નેતન્યાહૂ અનેક બેગ લઈને આવ્યા હતાં. જેમાં તેમના ગંદા કપડાં હતાં. ઈઝરાયેલી પ્રધાનમંત્રીના કપડાંને વ્હાઈટ હાઉસમાં મફત ધોવામાં આવ્યાં. અખબારે એક અધિકારીના હવાલે કહ્યું છે કે નેતન્યાહૂ પહેલા પણ આવું કરી ચૂક્યા છે. તેઓ અમેરિકા પ્રવાસ વખતે પોતાની સાથે ગંદા કપડાં લઈને આવે છે અને આ ગંદા કપડાં વ્હાઈટ હાઉસના સ્ટાફ પાસે ધોવડાવે છે.

માત્ર બે શર્ટ ધોવડાવ્યા

જો કે ઈઝરાયેલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અમેરિકામાં ઈઝરાયેલના દૂતાવાસ તરફથી કહેવાયું છે કે આરબ દેશોના ઈઝરાયેલ સાથે થયેલા શાંતિ કરાર તરફથી ધ્યાન ભટકાડવા માટે આમ થઈ રહ્યું છે. દૂતાવાસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે 'પ્રધાનમંત્રીના આ પ્રવાસ પર કોઈ ડ્રાય ક્લિનિંગ કરાવાયું નથી. માત્ર સાર્વજનિક બેઠક માટે પ્રધાનમંત્રીની બે શર્ટ ધોવડાવવામાં આવી હતી. આ ઉપરાંત પીએમ નેતન્યાહૂનો સૂટ અને તેમના પત્નીનો ડ્રેસ પ્રેસ કરાવવામાં આવ્યો.'

ધ્યાન ભટકાડવા માટેની કોશિશ

દૂતાવાસ તરફથી કહેવાયું છે કે પ્રધાનમંત્રી નેતન્યાહૂએ વોશિંગ્ટન આવતી વખતે 12 કલાકની ફ્લાઈટમાં જે બે પાઈજામા પહેર્યા હતાં તે ધોવડાવવામાં આવ્યાં હતાં. હાલનો વિવાદ ફક્ત ઈઝરાયેલ, બહેરીન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા શાંતિ કરાર તરફથી ધ્યાન ભટકાડવાની કોશિશ છે. નોંધનીય છે કે આ કરાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બેન્જામિન નેતન્યાહૂની સાથે યુએઈ અને બહેરીનના નેતાઓ પણ અમેરિકા પહોંચ્યા હતાં.

એક અધિકારીએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે નેતન્યાહૂ એકમાત્ર એવા નેતા છે જે ગંદા કપડાંની બેગો અમેરિકનો માટે લાવ્યા હતાં. તેમણે પહેલા પણ આમ કર્યુ હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ આવું જાણી જોઈને કરે છે.

ત્યારે કેસ કરી નાખ્યો હતો

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પોતના કપડાને લઈને ખુબ સજાગ રહે છે. તેમને જરાય ગમતું નથી કે તેમના લોન્ડ્રી ખર્ચા અંગે લોકોને જાણ થાય. 2016માં નેતન્યાહૂએ પોતાના કપડાં ધોવાના બિલને સાર્વજનિક કરવા મુદ્દે પોતાના કાર્યાલય અને ઈઝરાયેલના અટોર્ની જનરલ પર કેસ ઠોકી દીધો હતો. ન્યાયાધીશે નેતન્યાહૂના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેમના લોન્ડ્રી ખર્ચની જાણકારી જાહેર થઈ શકી નહીં.

(5:19 pm IST)