મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ટેક્સ વિવાદમાં વોડાફોને કેસ જીત્યો

ભારત સરકારને મોટો આંચકો વાગ્યો : વોડાફોનની અપીલ બાદ સુનાવણી માટે જજ સર ફ્રેન્કલિનની અધ્યક્ષતામાં ૨૦૧૬મા ટ્રિબ્યુનલ બનાવાઈ : કંપની પરનો ટેક્સ કરાર ભંગ હોવાનું તારણ

નવી દિલ્હી,તા.૨૫ : બ્રિટનની દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત વિરુદ્ધ કેસ જીતી લીધો છે. વોડાફોને ભારત સામે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ વિવાદનો ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કેસ જીતી લીધો છે. ટ્રિબ્યુનલે આ ટેક્સને અયોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે આવું કરવું સારા અને સમાન વ્યવહારની નીતિ વિરુદ્ધ છે. ટ્રિબ્યુનલે કહ્યું છે કે વોડાફોન પરનો આ ટેક્સ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે થયેલી રોકાણના કરારનો ભંગ છે. આ ચૂકાદાથી વોડાફોનને ઘણી રાહત થઈ છે જે હાલમાં દેવાના સંકટનો સામનો કરી રહી છે. વોડાફોનની અપીલ બાદ મામલાની સુનાવણી માટે જજ સર ફ્રેક્નલિનની અધ્યક્ષતામાં ૨૦૧૬મા એક ટ્રિબ્યુનલ બનાવવામાં આવી હતી. હકીકતમાં ૨૦૧૨મા સરકારે સંસદમાં એક કાયદાને મંજૂરી આપી હતી જે અંતર્ગત તે ૨૦૦૭મા વોડાફોન તરફથી હચ એસ્સારના અધિગ્રહણની ડીલ પર ટેક્સ વસૂલી શકતી હતી.

              જોકે, આ મામલે સુપ્રીમ કોર્ટે પણ વોડાફોનને રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ નવો કાયદો બન્યા પછી વોડાફોને ઈન્ટરનેશનલ કોર્ટમાં અપીલ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે વોડાફોનને સરકારને ચૂકવવાની થતી રકમ આપા માટે ૧૦ વર્ષનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ માટે કંપનીને આ રકમ વાર્ષિક ઈન્સ્ટોલમેન્ટમાં આપવા માટે ૩૧ માર્ચ ૨૦૩૧ની ડેડલાઈન આપી હતી. આ અંતર્ગત કંપનીએ બાકી રહેતી રકમના ૧૦ ટકાનો પ્રથમ હપ્તો ૩૧ માર્ચ ૨૦૨૧માં ભરવાનો આદેશ આપ્યો હતો. વોડાફોને ૨૦૦૭મા હોંગકોંગના હચિસન ગ્રૂપના માલિક હચિસન હામપોઆ પાસેથી મોબાઈલ બિઝનેસ હચિસન-એસ્સારમાં ૬૭ ટકાની ભાગીદારી ૧૧ અબજ ડોલરમાં ખરીદી હતી. વોડાફોને આ ભાગીદારી નેધરલેન્ડ્સ અને કેમેન આઈલેન્ડ સ્થિ પોતાની કંપનીઓ દ્વારા લીધી હતી. આ ડીલ પર ભારતના ઈક્નમ ટેક્સ વિભાગે વોડાફોન પાસે કેપિટલ ગેન ટેક્સ માંગ્યો હતો. જોકે, જ્યારે કેપિટલ ગેન ટેક્સ ચૂકવવા માટે કંપની રાજી થઈ ત્યારે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સની પણ માંગ કરવામાં આવી. એટલે કે આ ડીલ ૨૦૦૭મા થઈ હતી અને ઈક્નમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સતત વિધહોલ્ડિંગ ટેક્સની માંગ કરી રહ્યું હતું. ત્યારબાદ કંપનીએ ૨૦૧૨મા આ ડિમાન્ડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ૨૦૦૭ના પોતાના આદેશમાં કહ્યું હતું કે વોડાફોને ઈન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ને યોગ્ય સમજ્યો છે.

(7:21 pm IST)