મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થતા બજાર, થિયેટરો અને મેરેજ હોલને લઇને કડક પ્રતિબંધો લદાશે !?

લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે ટ્રેનોનું રીશેડ્યુલિંગ થઈ શકે છ : રાજ્ય સરકારે આપ્યા લોકડાઉન નહીં પણ નવા પ્રતિબંધના સંકેત

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને જોતા રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે. મહારાષ્ટ્રના રાહત અને પુનર્વાસ મંત્રી વીજય વડેટ્ટીવારનું કહેવું છે કે, મુંબઇમાં  લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે ટ્રેનોનું રીશેડ્યુલિંગ થઈ શકે છે. સાથે જ બજાર, થિયેટરો અને મેરેજ હોલને લઇને કડક પ્રતિબંધો લગાવી શકાય છે. જો કે, તેમણે મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન  લગાવવાની સંભાવના પર ઇનકાર કર્યો છે.

મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી છે. ગુરુવારના મુંબઇમાં 1145 નવા કેસ અને મહારાષ્ટ્રમાં 8702 કેસ નોંધાયા છે.

છેલ્લા બે અઠવાડિયામાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે, તેણે કોરોના ટાસ્ક ફોર્સની ઉંઘ પણ હરામ કરી છે. કોરોનાને  લડત આપવા માટે બનાવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર નીતિન કર્ણિકનું કહેવું છે કે, આ વખતે 15 વર્ષથી 25 વર્ષના યુવા પણ કોરોના સંક્રમિત  થઈ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને તે મોટી ચિંતાની વાત છે.

મહારાષ્ટ્ર સરકાર  પણ માની રહી છે કે, સ્થિતિ ગંભીર છે કેમ કે, દેશમાં કોરોનાના (Coronavirus) બે સૌથી મોટા હોટસ્પોર્ટ બની ચૂકેલા રાજ્યોમાં કેરળની સાથે મહારાષ્ટ્રનું નામ છે. એવામાં કોરોના પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર કડક પ્રતિબંધો લગાવવા પર રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રના રાહત અને પુર્નવાસ મંત્રી વીજય વડેટ્ટીવારનું કહેવું છે કે, ફરી લોકડાઉન તો નહીં લગાવવામાં આવે પરંતુ ભીડ ઓછી કરવા માટે કેટલાક પ્રતિબંધો લગાવી શકાય છે.

(11:38 pm IST)