મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

મુખ્યમંત્રી ઉદ્ધાવ ઠાકરેની નમકહરામ ટિપ્પણ પર અભિનેત્રી કંગના રનૌતનો પલટવાર

અભિનેત્રી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો વિવાદ વકર્યો : તમારા ગંદા ભાષણ તમારી નિષ્ફળતાનું અશ્લિલ પ્રદર્શન છે :અભિનેત્રી કંગનાના મુખ્યમંત્રી ઉદ્ધાવ ઠાકરે પર પ્રહાર

મુંબઈ, તા. ૨૬ : એક્ટ્રેસ કંગના રનૌત અને શિવસેના વચ્ચે વાક્યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ નામ લીધા વિના કંગના પર પ્રહાર કર્યો છે તો આખા બોલી એક્ટ્રેસે તો નામ દઈને પલટવાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવેદનમાં કંગનાને 'નમક હરામ' કહી હતી ત્યારે એક્ટ્રેસે ટ્વિટ કરીને જવાબ આપ્યો છે.હકીકતે એક દિવસ પહેલા રવિવારે દશેરા રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ પોલીસ અને ઠાકરે પરિવાર ખાસ કરીને આદિત્ય ઠાકરે પર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. તેમણે પોતાના સંબંધોનમાં કંગનાના ટ્વિટનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેણે મુંબઈની તુલના પોક સાથે કરી હતી. ત્યારે ઉદ્ધવે કહ્યું, લોકો મુંબઈમાં કામ કરવા આવે છે અને પછી શહેરનું નામ બદનામ કરે છે. એક પ્રકારની નમક હરામી છે.

ઉદ્ધવે આગળ કહ્યું, 'એક એવી કહાણી બનાવાઈ જાણે મુંબઈ અને આખું મહારાષ્ટ્ર ડ્રગ્સનું સ્વર્ગ હોય અને અહીં બધા નશાખોર હોય. મુંબઈ અને મહારાષ્ટ્રનું અપમાન કરનારાઓ સામે સખત પગલાં ભરાશે.' ઉલ્લેખનીય છે કે, પહેલા શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે પણ એક નિવેદનમાં કંગના માટે 'હરામખોર લડકી' શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેના રવિવારના નિવેદન બાદ સોમવારે એક પછી એક ટ્વિટ કરીને કંગનાએ પલટવાર કર્યો છે. કંગનાએ ટ્વિટમાં લખ્યું, જે પ્રકારે હિમાલયની સુંદરતા દરેક ભારતીયની છે તે રીતે મુંબઈ જે તક આપે છે તે આપણા સૌ સાથે જોડાયેલી છે. બંને મારા ઘર છે. ઉદ્ધવ ઠાકરે તમે અમારી પાસેથી અમારા લોકશાહીના અધિકારો છીનવાની અને ભાગલા પાડવાની કોશિશ ના કરો. તમારા ગંદા ભાષણ તમારી નિષ્ફળતાનું અશ્લીલ પ્રદર્શન છે.કંગનાએ આગળ લખ્યું, *રાઉતે મને હરામખોર કહી હતી અને ઉદ્ધવ મને નમક હરામ કહી રહ્યા છે. તેમનો દાવો છે કે જો મને મુંબઈમાં જગ્યા ના મળી તો મને પોતાના રાજ્યમાં ભોજન નહીં મળે. શરમ આવવી જોઈએ. હું તમારા દીકરાની ઉંમરની છું અને તમે એક સેલ્ફમેડ સિંગલ મહિલા સાથે કેવી રીતે વાત કરી રહ્યા છો. મુખ્યમંત્રી તમે નેપોટિઝમની સૌથી ખરાબ પેદાશ છો.*

ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ ભાષણમાં કંગનાના વતન હિમાચલ પ્રદેશ અંગે કહ્યું હતું, *તેમને ખબર નથી કે અમારા ઘરમાં તુલસી ઉગે છે નહીં કે ગાંજો. ગાંજાના ખેતરો તમારા રાજ્યમાં છે, તમને ખબર છે ક્યાં, અમાર મહારાષ્ટ્રમાં નથી.* કંગનાએ ઉદ્ધવના નિવેદનનો પણ જવાબ આપ્યો છે.

કંગનાએ ટ્વિટ કરીને લખ્યું, *મુખ્યમંત્રી તમે નગણ્ય વ્યક્તિ છો. હિમાચલને દેવભૂમિ કહેવામાં આવે છે. અહીં મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે અને ક્રાઈમ રેટ ઝીરો છે. અહીંની જમીન ખૂબ ફળદ્રુપ છે. અહીં સફરજન, કિવી, દાડમ, સ્ટ્રોબેરી થાય છે અને અહીં ગમે તે ઉગાડી શકાય છે.*

કંગનાએ બીજા ટ્વિટમાં કહ્યું, 'હું ખુશ છું કે હાલના મુખ્યમંત્રી રીતે જાહેરમાં મને બુલી કરી રહ્યા છે. પહેલા ટ્વિટમાં થોડી ભૂલ હતી હિમાચલમાં ક્રાઈમ નથી એમ લખવાની જરૂર હતી. સુધારી લઉં છું. ફરી કહું છું કે અમારા હિમાચલમાં ખૂબ ગરીબ કે ખૂબ અમીર નથી કે કોઈ ગુના પણ નથી થતા. હિમાચલ આધ્યાત્મિક સ્થળ છે અને અહીં નિર્દોષ તેમજ દયાળુ લોકો રહે છે.'

કંગનાએ આગળ લખ્યું, *તમને શરમ આવવી જોઈએ મુખ્યમંત્રી, લોકસેવક થઈને તમે નાની-નાની વાતે ઝઘડી પડો છો અને તમારી સત્તાનો ઉપયોગ કરીને જે લોકો તમારી સાથે સંમત ના થાય તેનું અપમાન કરો છો અને તેમને નુકસાન પહોંચાડો છો. તમે ખુરશીના હકદાર નથી, તમે ગંદી રાજનીતિ કરીને મેળવી છે.*મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં કંગના રનૌત સતત મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર ગંભીર આરોપો લગાવી રહી છે. કંગનાએ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરતાં માત્ર શિવસેના નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ તેની ટીકા કરી હતી. દરમિયાન મુંબઈમાં ઘણી અરજીઓ બાદ કોર્ટના આદેશ બાદ પોલીસે કંગના સામે રાજદ્રોહ અને સાંપ્રદાયિકતા ફેલાવાનો કેસ દાખલ કર્યો છે.

(8:24 pm IST)