મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીથી નારાજ પીડીપીના ત્રણ મોટા નેતાનાં રાજીનામા

પૂર્વ મુખ્યમંત્રીએ તિરંગાનું અપમાન કરતી ટિપ્પણ કરી : જમ્મુ વિસ્તારના નેતા વેદ મહાજન, ટીએસ બાજવા અને હુસૈન અલી વફાએ પીડીપીમાંથી રાજીનામા આપી દીધા

જમ્મુ, તા. ૨૬ : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીના ત્રિરંગા પરના નિવેદનથી તેમની જ પાર્ટીના જ નેતાઓએ આ મામલે તેમનાથી નારાજગી વ્યક્ત કરી છે. તેમનાથી નારાજ જમ્મુના ત્રણ નેતાઓએ પીડીપીમાંથી રાજીનામા આપી દીધા છે. તેમજ નેશનલ કોન્ફરન્સે મહેબૂબા મુફ્તીના નિવેદનના કારણસર પોતાને તેમનાથી અલગ કરી દીધા છે.

મહેબૂબાના નિવેદનથી નારાજ જમ્મુ વિસ્તારના નેતા વેદ મહાજન, ટીએસ બાજવા અને હુસૈન અલી વફાએ પીડીપીમાંથી રાજીનામા આપી દીધા છે. આ ત્રણેય નેતાઓએ ત્રિરંગાના કારણે મહેબૂબા મુફ્તીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને પાર્ટીને ત્યાગ પત્ર આપી દીધું છે.

નેશનલ કોન્ફન્સના મહેબૂબા મુફ્તીના નિવેદનની નિંદા કરતા તેમને બાજુ પર મુકી દીધા છે. નેશનલ કોન્ફરન્સના સીનિયર નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ કહ્યું કે, પાર્ટી નેતાઓ માટે દેશની એકતા અને સંપ્રભુતા સર્વોપરી છે. અમે રાષ્ટ્રની સંપ્રભુતા અને એકતા સાથે કોઈ સમજૂતી નહીં કરીએ.

જમ્મુ વિસ્તારના નેશનલ કોન્ફન્સના નેતા દેવેન્દ્ર રાણાએ ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાની સાથે બેઠકમાં મહેબૂબા મુફ્તીના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ તેમને ખાતરી અપાવી કોઈ જૂથ નેતા એવું નિવેદન નહીં આપે જે રાષ્ટ્રના હિતને અસર કરે.

(9:21 pm IST)