મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

ટવીટર પર ચાલી રહયો છે ટ્રેન્ડ

શું ૧લી માર્ચથી ૧૦૦ રૂપિયે લીટર મળશે દુધ?

નવી દિલ્હી, તા.૨૭: શું પહેલી માર્ચથી ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર થઈ જશે દૂધનો ભાવ? માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર શનિવાર સવારથી જ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં આ હેશટેગનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં સમાચાર પત્રની એક કાપલી શેર કરીને એવો દાવો કરાઈ રહ્યો છે કે, ખેડૂતોએ દૂધનો ભાવ વધારવાની વાત કરી છે. પેટ્રોલ-ડીઝલની માફક એક રેટ લિસ્ટ પણ શેર કરવામાં આવ્યું છે જેમાં ટેકસ બ્રેકઅપ આપવામાં આવ્યા છે અને ૧૦૦ રૂપિયા ભાવ કઈ રીતે નિર્ધારિત કરાયો તેનું વિવરણ રજૂ કરાયું છે.

હજુ સુધી ખેડૂત સંગઠનોએ આ મામલે કોઈ પૃષ્ટિ નથી આપી પરંતુ સોશિયલ મીડિયામાં આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શેર કરવામાં આવી રહેલી કાપલીમાં સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા સંયુકત કિસાન મોરચાના એક પદાધિકારીનું નામ લખેલું છે. તેમનો હવાલો આપીને લખવામાં આવ્યું છે કે, ૫૦ રૂપિયે લિટર વેચાતું દૂધ તેનાથી બમણી કિંમતે એટલે કે ૧૦૦ રૂપિયે લિટર વેચાશે.

પેપરના કટિંગ પ્રમાણે ખેડૂત નેતાનું કહેવું છે કે, ડીઝલનો ભાવ વધારીને કેન્દ્ર સરકાર ખેડૂતોને દ્યેરવા પ્રયત્ન કરી રહી છે તો તેનો ઉકેલ કાઢવા દૂધનો ભાવ બમણો કરવામાં આવ્યો છે. ઉપરાંત જો સરકાર નહીં માને તો શાકભાજીના ભાવ વધારવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

આ હેશટેગ સાથે ટ્વીટ કરી રહેલા કેટલાક લોકો જો ૧૦૦ રૂપિયે લિટર પેટ્રોલ ખરીદી શકો છો તો દૂધ કેમ નહીં તેવો સવાલ પણ કરી રહ્યા છે. શેર કરવામાં આવી રહેલા રેટ લિસ્ટમાં લીલા ચારાનો ટેક્ષ, લેબર ટેક્ષ, ખેડૂતોનો નફો વગેરે દર્શાવવામાં આવ્યા છે.

પહેલી નજરે આ એક કોઓર્ડિનેટેડ કેમ્પેઈન લાગી રહ્યું છે કારણ કે, અનેક ટ્વીટ એક સરખી છે અને તેમાં ટેમ્પલેટ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે.

સંયુકત કિસાન મોરચાએ સત્ત્।ાવાર રીતે આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. દેશના કેટલાક દૂધ ઉત્પાદકોએ પેટ્રોલ-ડીઝલના ભાવનો હવાલો આપીને દૂધના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરવાની વાત કરી છે પરંતુ ૧૦૦ રૂપિયા કરવાની જાહેરાત કોઈએ નથી કરી.

(3:19 pm IST)