મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

સતત બે સપ્તાહ ઘટયા બાદ ભારતનું ફોરેક્સ રિઝર્વ 16.9 કરોડ ડોલર વધ્યુ

ફોરેક્સ રિઝર્વ 16.9 કરોડ ડોલર વધીને 583.86 અબજ ડોલર થયુ

નવી દિલ્હીઃ ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં બે સપ્તાહ બાદ ફરી વૃદ્ધિ થઇ છે જો કે ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગત 19 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશનું ફોરેક્સ રિઝર્વ 16.9 કરોડ ડોલર વધીને 583.86 અબજ ડોલર થયુ છે. જ્યારે તે પૂર્વેના સતત બે સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ ઘટ્યુ હતી. ગત 12 ફેબ્રુઆરીના રોજ ફોરેક્સ રિઝર્વ 24.9 કરોડ ડોલર ઘટીને 583.69 ડોલર અને તેની અગાઉના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ રિઝર્વ 6.24 અબજ ડોલર ઘટીને 583.94 અબજ ડોલર થયુ હતુ. ઉલ્લેખનિય છે કે, 29 જાન્યુઆરી, 2021ના અંતે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યુ હતુ.

ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો છે જે સમગ્ર વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમીક્ષાધીન સમયગાળા દરમિયાન ફોરેન કરન્સી એસેટેસ (FCA) 1.15 અબજ ડોલર વધીને 542.10 અબજ ડોલર થયુ છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે.

જો કે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન ભારતના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે જેનું કારણ છે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો. રિઝર્વ બેન્કના આંકડા મુજબ ભારતના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 97.7 કરોડ ડોલર ઘટીને 35.25 અબજ ડોલર થયુ છે. તેવી જ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ 40 લાખ ડોલર ઘટીને 1.50 અબજ ડોલર થયુ છે. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 40 લાખ ડોલર ઘટીને 5.00 અબજ ડોલર થઇ હતી

(8:46 pm IST)