મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને તાત્કાલિક રૂપે પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યા

પાર્ટીના દિવંગત નેતા અહેમદભાઈ પટેલના નિધનથી પદ ખાલી હતું :પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ પદ હવે બંસલને સોંપ્યું

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને તાત્કાલિક રૂપે પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલા આ પદ પર દિવંગત નેતા અહેમદ પટેલ હતા. અહેમદ પટેલનું પાર્ટીમાં ખૂબ મોટું કદ માનવામાં આવતું હતું અને તે થોડા મહિનાઓ પહેલા જ કોરોના વાયરસથી ગ્રસિત થયા હતા. ધીમે ધીમે તેમની તબિયત વધુને વધુ લથડતી રહી અને 25મી નવેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા. અહેમદ પટેલના જવાથી કોંગ્રેસને ખૂબ મોટી ખોટ પડી છે.

પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાલમાં અહેમદ પટેલનું પદ હવે બંસલને સોંપ્યું છે. આ પહેલા તેઓ પાર્ટીના પ્રભારી રૂપે કામ કરી રહ્યા હતા. બંસલ ચંડીગઢથી પાંચ વાર સાંસદ રહી ચુક્યાચ છે. અહેમદ પટેલના મોત બાદ ઘણા બધા નામ ચર્ચામાં આવી રહ્યા હતા જોકે હવે બંસલના નામ પર મહોર મારવામાં આવી છે.

અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીના સંકટમોચક માનવામાં આવતા હતા અને તે સોનિયા ગાંધીના સૌથી ભરોસેમંદ હતા. તે 71 વર્ષના હતા અને કોરોના વાયરસથી સંક્રમિત હતા.

પવન કુમારને કોંગ્રેસમાં ખૂબ શાંત નેતા તરીકે ગણવામાં આવે છે અને તે ગંભીર નેતા છે. આ સાથે જ તેઓ ખૂબ તેજ અને દ્રઢતાથી બોલવા માટે પણ જાણીતા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ રાજકારણમાં શાંત દેખાઈ રહ્યા હતા અને હવે તેઓ સીધા જ ફ્રન્ટલાઈનમાં આવી જશે.

પવન કુમાર બંસલ પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા, તેઓ મનમોહન સિંહની સરકારમાં રેલ મંત્રી બન્યા હતા અને તેમના ભત્રીજા પર લાંચનો આરોપ લાગતા વર્ષ 2013માં તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

(6:45 pm IST)