મુખ્ય સમાચાર
News of Wednesday, 30th September 2020

બાબરી વિધ્વંશ કેસ : ૨૮ વર્ષ બાદ અદાલતનો ફેંસલો ઘટના પૂર્વોનિયોજીત ન્હોતી : અચાનક બનેલી ઘટના

અડવાણી-જોષી સહિત ૩૨ આરોપી નિર્દોષ જાહેર

૨૩૦૦ પાનાનો ચુકાદો : ૨૬ આરોપી કોર્ટમાં હાજર રહ્યા : છ વિડીયો કોન્ફરન્સીંગ થકી કાર્યવાહીમાં જોડાયા : તસ્વીરોથી કોઇને આરોપી ગણી ન શકાય : ઘટનાના પ્રબળ સાક્ષીઓ નથી

લખનૌ તા. ૩૦ : ૨૮ વર્ષ બાદ આજે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે તમામ આરોપીઓને સાક્ષીના અભાવથી નિર્દોષ છોડી દીધા છે. કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ સીબીઆઇની વિશેષ કોર્ટમાં 'જયશ્રી રામ'ના નારા લાગ્યા. ૨૩૦૦ પાનાના ચુકાદામાં ૨૬ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા.

લખનૌની સીબીઆઇ કોર્ટે બાબરી વિધ્વંશ કેસમાં બીજેપીના વયોવૃધ્ધ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી સહિત દરેક ૩૨ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. અતિરિકત જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ એસ.કે.યાદવે આ કેસનો નિર્ણય સંભળાવીને કહ્યું કે ઘટના પૂર્વનિયોજીત નહોતી. કોર્ટે કહ્યું કે ૬ ડિસેમ્બર ૧૯૯૨ની ઘટના અચાનક બની હતી. તેમના ષડયંત્રના કોઇ પુરાવા મળ્યા નથી. સીબીઆઇએ જે વિડીયો રજૂ કર્યો હતો. તેને કોર્ટે ટેમ્પર્ડ માન્યો છે. કોર્ટે કહ્યું કે વિડીયોને સીલબંધ કવરમાં જમા કરવામાં આવ્યો હતો. જજે વધુમાં કહ્યું કે તસ્વીરોથી કોઇને આરોપી ગણી ન શકાય આ ઘટનાના કોઇ પ્રબળ સાક્ષીઓ નથી.

કોર્ટે સીબીઆઈ તરફથી જમા કરાયેલ તમામ વીડિયો રેકોર્ડિંગ્સને ફેબ્રિકેટેડ માન્યા અને તેના પુરાવા તરીકે માનવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે, સીબીઆઈએ પુરાવા અધિનિયમનું પાલન કર્યું નથી. વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ સીધો હાથ ન હતો. ૧૨ વાગ્યા સુધી સ્થિતિ સામાન્ય હતી, પણ અમુક અસામાજિક તત્વોએ હંગામો કર્યો અને પથ્થરબાજી કરી હતી.

બાબરી ધ્વંસ કેસમાં કુલ ૪૯ આરોપીઓ હતા પણ ૧૭ આરોપીઓના નિધન થઈ ગયા છે. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડ્યા બાદ ફૈઝાબાદમાં બે FIR દાખલ કરવામાં આવી હતી. FIR નંબર ૧૯૮ લાખો કારસેવકોની સામે હતી જયારે FIR નંબર ૧૯૮ સંઘ પરિવારના કાર્યકર્તાઓ સહિત આડવાણી, જોશી, તત્કાલીન શિવસેના નેતા બાલ ઠાકરે, ઉમા ભારતી વગેરેની સામેલ હતા.

આજે લખનૌમાં આવેલા સીબીઆઇની વિશેષ કોર્ટે જે ૩૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋુતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડો. રામ વિલાસ વેંદાતી, ચમ્પત રાય, મહંત ધર્મદાસ, સતીશ, પ્રધાન, પવન કુમાર પાંડે, લલ્લૂ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુર સિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમરનાથ ગોયલ, જયભાન સિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનય કુમાર રાય, નવીન ભાઈ શુકલા, આરએન શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીર કુમાર કક્કડ અને ધર્મેન્દ્ર સિંહ ગુર્જર સામેલ છે.

(3:00 pm IST)