મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ઈદ-એ-મિલાદની આપી શુભેચ્છા

આપણે સૌને સમાજની ભલાઈ અને દેશમાં શાંતિ માટે કામ કરવું જોઈએ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદની શુભેચ્છાઓ પાઠવી અને તમામ લોકોને સમાજની ભલાઈ અને દેશમા શાંતિ અને સૌહાર્દ માટે કામ કરવાની અપીલ કરી છે

 રાષ્ટ્રપતિએ ઈદ-એ-મિલાદની પૂર્વ સંધ્યા પર પોતાના સંદેશમાં કહ્યું કે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસલમાન ભાઈઓ અને બહેનોને મુબારકબાદ આપું છું. આ તહેવારને મિલાદ-ઉન નબી પણ કહેવામાં આવે છે. તેઓએ કહ્યું કે, પેગંબર મોહમ્મદે પ્રેમ તથા ભાઈચારાનો સંદેશ આપ્યો તથા વિશ્વને માનવતાના પથ પર લઈ ગયા. તેઓ સમાનતા અને સૌદાર્દ પર આધારિત સમાજનું નિર્માણ કરવા માંગતા હતા

  રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર એક નિવેદન અનુસાર, રામનાથ કોવિંદે કહ્યું કે, પવિત્ર કુરાનમાં સંકલિત પેગંબર મોહમ્મદની શિક્ષાઓ મુજબ આપણે સૌને સમાજની ભલાઈ અને દેશમાં શાંતિ માટે કામ કરવું જોઈએ

   વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. આશા છે કે આ દિવસ ચારે તરફ કરૂણા અને ભાઈચારાને કાયમ રાખે. તમામ લોકો સ્વસ્થ અને પ્રસન્ન રહે. ઈદ મુબારક.

  કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તમામને શુભેચ્છા આપી. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું કે, ઈદ મિલાદ ઉન નબીના અવસર પર દયાળુતા અને ભાઈચારાની ભાવના તમામનું માર્ગદર્શન કરી શકે છે. હાર્દિક શુભકામનાઓ. ઈદ એ મિલાદ ઉન નબીની હૃદયથી મુબારકબાદ.

(11:52 am IST)