મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

વિમાન મુસાફરોને રાહત:એરલાઇન્સ કંપનીઓ મનફાવે તેટલુ ટિકિટ ભાડું વધારી શકશે નહીં

ટિકિટોના ભાડા પર ઉપલી અને નીચલી સીમાને 24 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવા નિર્દેશ

નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં વિમાન મુસાફરોને રાહત આપવા સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેના પગલે એરલાઇન્સ કંપનીઓ દ્વારા મનફાવે તેમ ભાડું વસૂલવાના અને મુસાફરોના ખિસ્સા ખંખેરવાની વૃત્તિ પર લગામ લાગશે.

કેન્દ્ર સરકાર ડોમેસ્ટિક રૂટ પર એરલાઇન્સની ફ્લાઇટ ટિકિટોના ભાડા પર ઉપલી અને નીચલી સીમાને 24 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ભાડાની ઉપલી અને નીચલી સીમા 24 નવેમ્બર બાદ ત્રણ મહિના માટે યથાવત રહેશે.

ઉડ્ડયન મંત્રાલયે સૌપ્રથમ 21 મી મેના રોજ સાત બેન્ડ દ્વારા આ સીમા 24 ઓગસ્ટ સુધી લાગુ કરી હતી. તેનું વર્ગીકરણ યાત્રા સમય પ્રમાણે કરવામાં આવ્યું હતુ. પછીથી તેને લંબાવીને 24 નવેમ્બર કરવામાં આવી હતી. પુરીએ જણાવ્યું કે અનુસૂચિત ઘરેલૂ ફ્લાઇટ્સ આ વર્ષના અંત સુધી કોવિડ-19ના પૂર્વ સ્તર પર પહોંચી જશે. તે બાદ તેમને ભાડાની સીમા હટાવવામાં કોઇ ખચકાટ નહી થાય.

પુરીએ જણાવ્યું કે, જો કે હાલ અમે તેને ત્રણ મહિના માટે વધારી રહ્યાં છીએ, પરંતુ આ વર્ષના અંત સુધી જો અમને સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર જોવા મળશે અને આપણે કોવિડ-19ના પૂર્વ સ્તર પર પહોંચીશુ તો જો નાગર ઉડ્ડયન મંત્રાલયના મારા સહયોગી ઇચ્છશે કે તેને પૂરા ત્રણ મહિના સુધી લાગુ ન કરવામાં આવે, તો નિશ્વિત રૂપે મને તેને હટાવવામાં ખચકાટ નહી થાય.

કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે લોકડાઉન બાદ ઘરેલૂ ફ્લાઇટ્સની સેવાઓ 25મેએ આશરે બે મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. નાગર ઉડ્ડયન મહાનિદેશાલયે (ડીજીસીએ) 21મેએ ટિકિટો માટે યાત્રાના સમયના આધારે ઉપલી અને નીચલી સીમા સાથે સાત બેન્ડની ઘોષણા કરી હતી

(11:55 am IST)