એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th December 2020

' શિક્ષક કભી સાધારણ નહીં હોતા ' : શિક્ષક લેવામાં નહીં આપવામાં માને છે : કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા બદલ ભારતના મહારાષ્ટ્રની પ્રાથમિક સ્કૂલના શિક્ષકને 10 લાખ ડોલર ( અંદાજે 7 કરોડ રૂપિયા ) નો' ગ્લોબલ ટીચર એવોર્ડ ' એનાયત

મુંબઈ : મહા અમાત્ય ચાણક્યના વિધાન મુજબ ' શિક્ષક કભી સાધારણ નહીં હોતા '.શિક્ષક લેવામાં નહીં આપવામાં માને  છે .આ ઉક્તિને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની પ્રાથમિક સ્કૂલના શિક્ષક 32 વર્ષીય રણજિત દિસાલેએ સાર્થક કરી બતાવી છે.

આ શિક્ષકે પ્રાથમિક શાળાઓના બાળકોને ક્યુ આર પદ્ધતિથી શિક્ષણ આપી અભ્યાસમાં રસ લેતા કરી દીધા છે.જેના કારણે સ્કૂલમાં છાત્રોની સો ટકા હાજરી જોવા મળે છે.

તેમણે પુસ્તકોનું માતૃભાષામાં પણ રૂપાંતર કર્યું છે.તેમની છાત્રોને ભણાવવાની ધગશને કારણે વાલીઓ પોતાની દીકરીઓને નાની ઉંમરે પરણાવી દેવાની બદલે અભ્યાસ કરાવતા થઇ ગયા છે.

આ શિક્ષકને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા બદલ વારકે ફાઉન્ડેશનનો 10 લાખ ડોલર એટલેકે 7,38,50,150 રૂપિયાનો એવોર્ડ અપાયો છે.

અને અંતમાં શિક્ષક લેવામાં નહીં આપવામાં માને છે તે ઉક્તિ મુજબ એવોર્ડ વિજેતા આ શિક્ષકે પોતાને મળેલા ઈનામની રકમમાંથી અડધી રકમ પોતાને મદદરૂપ થનાર સાથીઓને આપવાની ઘોષણાં કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:47 pm IST)