Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સરકારી મહેમાન

એશિયાખંડનો ‘નોબલ’ ગણાતો મૈગ્સેસે પુરસ્કાર દેશના 11 પ્રતિભાવંત પત્રકારોને મળી ચૂક્યો છે

ભારતના 57 જેટલા મહાનુભાવોને આ ઉચિત સન્માન મળ્યું છે જેમાં પહેલાં વિનોબા ભાવે હતા: પૂર્વ રાષ્ટ્રપતિના જન્મદિન 31મી ઓગષ્ટે અપાતા એવોર્ડ કોરોના સંક્રમણના કારણે 2020માં રદ્દ: કરપ્શન ખુલ્લું પાડનારા આઇએફએસ અધિકારી સંજીવ ચતુર્વેદી મૈગ્સેસે પુરસ્કારથી સન્માનિત

રમન મૈગ્સેસે એવોર્ડ એશિયાની વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને તેમના ક્ષેત્રનું ઉલ્લેખનીય કાર્ય માટે આપવામાં આવે છે, જેને એશિયાનો નોબલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. રમન મૈગ્સેસે પુરસ્કાર ફાઉન્ડેશન દ્વારા ફિલિપિન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈગ્સેસેની યાદમાં આપવામા આવતો હોય છે. આ એવોર્ડ ન્યૂયોર્ક સ્થિત રોકફેલર સોસાયટી અને ફિલિપિન્સ સરકાર ભેગા મળીને આપે છે. આ પુરસ્કાર રેમન મૈગ્સેસેના જન્મદિન 31મી ઓગષ્ટે પ્રદાન કરવામાં આવે છે જેની રાશિ 50,000 ડોલરની છે, જેની સ્થાપના 1957માં થઇ હતી. વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણના કારણે 2020નો એવોર્ડ સંસ્થા તરફથી રદ્દ કરી દેવામાં આવ્યો છે.

આટલા વર્ષોમાં ત્રીજીવાર એવોર્ડ રદ્દ થયો છે...

શરૂઆતથી જ આ પુરસ્કારની સંકલ્પના જનતાની સેવાની ભાવનાઓની મહાનતા પ્રદર્શિત કરવા માટે થઇ હતી જેની ક્ષેત્ર સીમામાં પૂર્વ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ એશિયા તેમજ એશિયામાં રહેનારા કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે. આટલા વર્ષોમાં અનિવાર્ય કારણોસર ત્રીજી વખત 2020માં આ એવોર્ડ રદ્દ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ રદ્દ કરવાનું કારણ વિશ્વના દેશોમાં ફેલાયેલું કોરોના સંક્રમણ છે. ફિલિપિન્સના સાતમા રાષ્ટ્પતિ રમન મૈગ્સેસે એ 1950ના દસકમાં ફિલિપિન્સમાં જમીન સુધારણા કાર્યક્રમ ચલાવ્યો હતો અને કોમ્યુનિસ્ટની ઘૂસણખોરીને નાકામિયાબ બનાવી હતી, જેના કારણે તેઓ વિશ્વમાં લોકપ્રિય બન્યાં હતા. 31મી ઓગષ્ટ 1907માં જન્મેલા મૈસસેસેનું 17મી માર્ચ 1957માં એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમના અવસાનના એક મહિના પછી ન્યૂયોર્ક સ્થિત રોફેલર બ્રધર્સ ફંડ તરફથી ફિલિપિન્સની સરકાર સાથે મળીને આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતના 57 મહાનુભાવોને આ બહુમાન મળ્યું છે...

ભારતમાં 2019ના વર્ષનો પુરસ્કાર પત્રકારત્વ શ્રેણીમાં રવિશકુમારને આપવામાં આવ્યો હતો. તેમની સાથે મ્યાંમારના કો સ્વેવિન, થાઇલેન્ડના અંગખાના નિલાપાઇજિત, ફિલિપિન્સના રેમુન્ડો પુજાંતે, દક્ષિણ કોરિયાના કિમ જોંગને એવોર્ડ મળ્યો હતો. અત્યાર સુધીમાં 57 જેટલા ભારતીયો આ સન્માન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. આ એવોર્ડ (1) ગવર્મેન્ટ સર્વિસ, (2) પબ્લિક સર્વિસ, (3) કોમ્યુનિટી લિડરશીપ, (4) જર્નાલિઝમ, લિટરેચર એન્ડ ક્રિયેટીવ કોમ્યુનિકેશન આર્ટ્સ, (5) પીસ એન્ડ ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડીંગ તેમજ (6) ઇમર્જીંગ લિડરશીપ જેવા છ ક્ષેત્રોમાં આપવામાં આવે છે.

પહેલો એવોર્ડ વિનોબા ભાવેને મળ્યો હતો...

ભારતમાં પહેલો મૈસસેસે એવોર્ડ 1958માં કોમ્યુનિટી લિડરશીપ માટે વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. બીજો એવોર્ડ 1959માં ગવર્મેન્ટ સર્વિસમાં સીડી દેશમુખને મળ્યો હતો. આ બહુમાન પામનારા ભારતીયોમાં વર્ગીસ કુરિયન, અમિતાભ ચૌધરી, ઇલા ભટ્ટ, સત્યજીત રે, જયપ્રકાશ નારાયણ, અરૂણ શૌરી, મણીભાઇ દેસાઇ, આરકે લક્ષ્મણ, ત્રિભુવનદાસ પટેલ, પાંડુરંગ આઠવલે, પંડિત રવિશંકર, કિરણ બેદી, મહેશચંદ્ર મહેતા, મહાશ્વેતાદેવી, જેમ્સમાઇકલ લિંગદોહ, અરવિંદ કેજરીવાલ, પ્રકાશ આમ્ટે, મંદાકિની આમ્ટે, ભરત વાટવાની, શાંતા સિંહા અને સોનમ વાંગચુક જેના નામી મહાનુભાવોનો સમાવેશ થાય છે.

પત્રકારિત્વ શ્રેણીમાં રવીશકુમાર 11મા પત્રકાર...

મૈગ્સેસે એવોર્ડ માટે વિભાજીત થયીલ શ્રેણીઓમાં જર્નાલિઝન, સાહિત્ય અને ક્રિયેટીવ કોમ્યુનિકેશન આર્ટને એક જ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત કરનારા ઇલેક્ટ્રોનિક મિડીયાના સિનિયર જર્નાલિસ્ટ રવીશકુમાર 11મા ભારતીય વ્યક્તિ છે. કોઇપણ ઘટનાની છણાવટની તેમની અલગ સ્ટાઇલથી તેઓ ભારતભરમાં પોપ્યુલર બનેલા છે. 12 વર્ષ પછી 2019માં કોઇ ભારતીય જર્નાલિસ્ટને આ એવોર્ડ મળ્યો હતો. તેમના પહેલાં આ શ્રેણીમાં પાલગુમ્મી સાંઇનાથ (2007), મહાશ્વેતાદેવી (1997), રવિશંકર (1992), કેવી સુબબના (1991), રાશીપુરમ લક્ષ્મણ (1984), અરૂણ શૌરી (1982), ગોર કિશોર ઘોષ (1981), બૂબલી જોર્જ વર્ગીસ (1975), સત્યજીત રે (1967) અને અમિતાભ ચૌધરી (1961)નો સમાવેશ થાય છે.

અંશુ ગુપ્તાનો ધ્યેય - ગામડાના ગરીબોની સેવા...

ગુંજ નામની એનજીઓની સ્થાપના કરનારા અંશુ ગુપ્તાને 2014માં મૈગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો. થોડો સમય કોર્પોરેટ વર્લ્ડમાં કામ કર્યા પછી 1999માં તેમણે ગુંજ નામની એનજીઓ શરૂ કરી હતી. તેમના દાન કરવાના ક્રિયેટીવ વિઝન તેમજ દુનિયાને ગીવીંગ એટલે કે સેવા કરવા માટેનું અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ આ મહામૂલો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતના એક સામાજીક કાર્યકર અને ઉત્તર પ્રદેશના મૈરૂતમાં જન્મેલા અંશુ ગુપ્તાની સંસ્થા ગુંજ ગરીબોની જરૂરિયાતો પૂરી કરે છે. આ સંસ્થાનું કામ શહેરોમાં બિનઉપયોગી સામાનને બીજા લોકોના ઉપયોગમાં લેવા માટે ગામડાઓમાં પહોંચાડવાનું છે. દેશના 21 રાજ્યોમાં ગુંજ સંગ્રહણ કેન્દ્ર કામ કરી રહ્યાં છે.

ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર ચતુર્વેદીને બહુમાન...

સંજીવ ચતુર્વેદી એ 2002ની બેચના આઇએફએસ અધિકારી છે જેમને 2015માં મૈગ્સેસે એવોર્ડ એનાયત થયો છે. તેઓ કિરણ બેદી પછી બીજા સર્વિસ બ્યુરોક્રેટ છે કે જેમને આ પુરસ્કાર મળ્યો છે. ચતુર્વેદીએ એમ્સના સીવીઓ હતા ત્યારે ભ્રષ્ટાચારના 200થી વધુ કેસો સામે લાવ્યા હતા જે પૈકી 78 કેસોમાં ભ્રષ્ટ લોકોને સજા થઇ હતી. 87 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને 20 કેસોમાં સીબીઆઇની તપાસ શરૂ થઇ છે. તેઓ કહે છે કે હું વ્યવસ્થામાં સુધારો કરવા માગું છું અને તેના માટે કાર્ય કરી રહ્યો છું.” તેઓ પ્રખ્યાત વ્હીસલ બ્લોઅર છે. એમ્સમાં તેમણે ભ્રષ્ટાચારના કેસો શોધ્યાં હતા. એમ્સમાંથી હટાવ્યા પછી એવું કહેવામાં આવ્યું હતું કે તેમને રાજકીય દબાણમાં હટાવાયા છે. 3750 કરોડ રૂપિયાની એમ્સની વિસ્તાર યોજનામાં થયેલી ખાયકી સામે તેમણે અનેક સવાલો ઉભા કર્યા હતા. એમ્સમાં જોડાયા પહેલાં તેઓ હરિયાણામાં ફરજ બજાવતા હતા ત્યારે તે રાજ્યમાં પણ તેમણે ભ્રષ્ટાચાર સામે જંગ ખેલ્યો હતો. તેમને અનુકરણીય અખંડિતતા, હિંમત અને સરકારી ઓફીસમાં થતા ભ્રષ્ટ્રાચારને દેશ સમક્ષ ખુલ્લા પાડવા માટે આ મહાન એવોર્ડ આપવા આવ્યો હતો.

જેમની સ્પીચના લોકો દિવાના છે તે રવીશકુમાર...

રવીશકુમાર એનડીટીવીના સંપાદક છે અને હમલોગ તેમજ રવીશ કી રિપોર્ટના હોસ્ટ છે. તેઓ પ્રાઇમ ટાઇમ અને દેશકી બાતના હોસ્ટ રહી ચૂક્યાં છે. 2016માં ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે સૌથી પ્રતિભાશાળી 100 ભારતીય વ્યક્તિઓની સૂચિમાં રવીશકુમારને સ્થાન આપ્યું હતું. તેઓ જન્મે બિહારી બ્રાહ્મણ છે. જર્નાલિઝમમાં તેમને ગરીબોનો અવાજ સાર્વજનિક મંચ પર ઉઠાવવાના કામ માટે 2019માં મૈગ્સેસે પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમનું પુસ્તક ધ ફ્રી વોઇસ – ઓન ડેમોક્રેસી, કલ્ચર એન્ડ ધ નેશન – ખૂબ પોપ્યુલર બન્યું છે જે ભારતની યથાર્થ ગાથા છે અને તેને તથ્યોના સહારે તૈયાર કરવામાં આવ્યું છે.

છ ક્ષેત્રોમાં કુલ કેટલા એવોર્ડ અપાયા છે...

ઇમર્જીંગ લિડરશીપમાં અત્યાર સુધીમાં કુલ 18, અનકેટેગરાઇઝ્ડમાં 54, ગવર્મેન્ટ સર્વિસમાં 47, પબ્લિક સર્વિસમાં 60, કોમ્યુનિટી લિડરશીપમાં 59, જર્નાલિઝમ અને અન્યમાં 51, પિસ એન્ડ ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડીંગમાં 46 એવોર્ડ આપવામાં આવ્યા છે. આટલા વર્ષોમાં કુલ ત્રણ વખત એવોર્ડ રદ્દ કરવામાં આવેલા છે જેમાં કોરોના સંક્રમણના કારણે 2020માં આ એવોર્ડ આપવામાં આવ્યો નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:27 am IST)