વિવિધ વિભાગ
News of Monday, 8th June 2020

સરકારી મહેમાન

ભાજપને ચૂંટણીમાં રૂપિયા ખર્ચવાની જરૂર નથી; 90 બેઠકોથી પણ ગુજરાત પર રાજ કરી શકે છે

213 દેશોમાં કોરોના સંક્રમણના 70,00,000 કેસ જુલાઇ સુધીમાં 1,00,00,000 થવાની દહેશત: શંકરસિંહ વાઘેલાના તેવર જોતાં લાગે છે કે ગુજરાતમાં ત્રીજી શક્તિનો સૂર્યોદય થઇ રહ્યો છે : યાત્રાધામ અંબાજી મંદિરના મુખ્ય દ્વાર 12મી જૂનથી ખૂલશે, વૃદ્ધ અને બાળકોને પ્રવેશ નહીં મળે

ગુજરાતનું પોલિટીક્સ ખતરનાક મોડ લઇ રહ્યું છે. ખુદ કોંગ્રેસના નેતાઓ જ ભાજપને મજબૂત બનાવી રહ્યાં છે. રાજ્યની જનતાએ ત્રીજી પાર્ટીને મહત્વ આપ્યું નથી પરંતુ હવે એવું લાગે છે કે આજે નહીં તો કાલે દિલ્હી જેવો ટર્નિંગ પોઇન્ટ આવશે. મતદારો કોંગ્રેસ અને ભાજપને બાય-બાય કરી નવી પાર્ટીને અપનાવી લેશે. ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ—કોઇ પાર્ટીમાં નીતિ-મત્તા, સિદ્ધાંતો અને પાર્ટી પ્રત્યેની વફાદારી રહી નથી. કોંગ્રેસમાં પણ તકસાધુઓ પેદા થઇ રહ્યાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતાએ કોંગ્રેસને 77 ધારાસભ્યો આપ્યાં હતા પરંતુ સત્તા અને ભય સામે 12 ધારાસભ્યો ઝૂકી ગયા છે. કોંગ્રેસની સંખ્યા આજે 65 રહી ગઇ છે. હવે એવું કહેવાય કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 90 બેઠકો મળે તો પણ પાર્ટી સહેલાઇથી સત્તામાં આવી શકે છે, કારણ કે કોંગ્રેસમાં વેચાઉ ધારાસભ્યોની ખોટ નથી. ચૂંટણી પછી કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામાં અપાવીને વિધાનસભાની સભ્યસંખ્યા ઓછી કરી દેવાથી શાસન પર બેસી શકાશે. હકીકતમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી. ગુજરાતમાં વિપક્ષના નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની નેતાગીરી તદ્દન નિષ્ફળ ગઇ છે તેથી પાર્ટીના હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરીને નવી કોંગ્રેસનું સર્જન કરવાની આવશ્યકતા છે, અન્યથા ગુજરાતમાં અન્ય કોઇ વિપક્ષ ઘૂસી જશે. ભાજપનું અસ્તિત્વ ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી છે છતાં ગામડે-ગામડે તેનો કાર્યકર્તા જોવા મળતો નથી, પરંતુ કોંગ્રેસનો આજેપણ પ્લસ પોઇન્ટ એવો છે કે આખા ગુજરાતમાં—પ્રત્યેક ગામડામાં પાર્ટીનો કાર્યકર મોજૂદ છે છતાં ચૂંટણી સમયે કાર્યકરોનો લાભ લેતાં પાર્ટીના સિનિયર નેતાઓને આવડતું નથી.

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા શું કરી રહ્યાં છે...

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયાં છે. તેમના કહેવા પ્રમાણે તેઓ ભાજપમાં કદી જવાના નથી, કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમને ક્યારેય સ્વિકારી શકવાના નથી તો પછી કોરોના સંક્રમણના સમયે શંકરસિંહ વાઘેલા એક્ટિવ કેમ થયાં છે તેનાથી બન્ને પાર્ટીને આશ્ચર્ય થાય છે. શંકરસિંહે અત્યાર સુધીમાં ભાજપ, રાજપા, કોંગ્રેસ અને એનસીપી એમ કુલ ચાર પાર્ટીઓ બદલી છે. રાજપા તો તેમનું બેબી હતું પરંતુ તેઓ તેમની પાર્ટીને એસ્ટાબ્લિશ કરી શક્યા નહીં. ભાજપ અને કોંગ્રેસના હાઇકમાન્ડે તેમની મહત્વકાંક્ષા પૂરી કરી નહીં એટલે બન્ને પાર્ટી છોડી દીધી. છેલ્લે તેઓ એનસીપીમાં જોડાયા હતા પરંતુ હવે એ પાર્ટી પણ તેમણે છોડી દીધી છે. શંકરસિંહ વાઘેલા સોશ્યલ મિડીયામાં એટલા એક્ટિવ બન્યાં છે તે લોકોને પણ આશ્ચર્ય થયું છે. ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાની તરફેણ કરતાં શંકરસિંહ કોરોના સંક્રમણ પછી જ્યારે પરિસ્થિતિ નોર્મલ બની જશે ત્યારે નવી પાર્ટીનું સર્જન કરવાના છે કે કોઇ નવી પાર્ટીમાં જોડાવાના છે તે હજી અનિશ્ચિત છે. તેમની નજીકના નેતાઓ કહે છે કે શંકરસિંહની નજરમાં હવે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં સક્રિય થશે. જો કે બાપુની જૂની આદત છે કે—તેઓ જે કંઇ કહે છે, તે કરતા નથી. એટલે કે તેમના વિશે જે અટકળો ચાલે તે બઘી સાચી પડતી નથી. અત્યારે તો તેઓ કોરોના દર્દીઓની વહારે આવ્યા છે...

કોરોના વાયરસ જુલાઇ સુધીમાં કરોડપતિ બનશે...

કોરોના વાયરસે 2020ના વર્ષને ખતમ કર્યું છે. આ વાયરસે અડધા વર્ષમાં લોકોને એટલી બધી યાતનાઓ આપી છે કે વિશ્વના તમામ દેશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આધુનિક વિજ્ઞાનના યુગમાં હજી સુધી આ મહામારીની દવા કે રસી શોધાઇ નથી. વિશ્વના 213 જેટલા દેશો કોરોના સંક્રમણથી પિડીત બનેલાં છે. વિશ્વમાં હાલની સ્થિતિએ 70 લાખ પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ મહામારીએ 4 લાખથી વધુ લોકોને શિકાર બનાવ્યા છે, જ્યારે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 34.50 લાખ પર પહોંચી છે. સમગ્ર વિશ્વમાં અત્યારે 32 લાખ એક્ટિવ કેસ છે. એક બાબત એવી સામે આવી છે કે વિશ્વનો રિકવરી રેટ 89 ટકાએ પહોંચ્યો છે જે રાહતરૂપ છે. કોરોના સંક્રમથી પિડીતા દેશોમાં ટોચક્રમે અમેરિકા છે, જ્યાં 20 લાખ પોઝિટીવ કેસો છે અને 1.13 લાખ દર્દીઓના મોત થયાં છે. બીજાક્રમે 6.80 લાખ કેસ અને 36 હજાર મોત સાથે બ્રાઝિલ આવે છે. રશિયામાં 4.59 લાખ, સ્પેનમાં 2.90 લાખ, યુકેમાં 2.85 લાખ અને ભારતમાં 2.48 લાખ પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. વિશ્વમાં એક લાખ કરતાં વધુ દર્દીઓ સામે આવ્યા છે તેવા દેશોની સંખ્યા 15 થવા જાય છે. જે દેશમાંથી કોરોના વાયરસ વિશ્વમાં ફેલાયો હતો તે ચીનનો ક્રમ 18મો છે અને ત્યાં હવે કોરોના સમાપ્ત થયો છે. માત્ર 70 એક્ટિવ કેસ જોવા મળે છે. વિશ્વના 70 લાખ કેસો જુલાઇ સુધીમાં એક કરોડ થઇ જાય તો નવાઇ પામવા જેવું નહીં હોય...

આગ લાગે ત્યારે કૂવો ખોદવાની બૂરી આદત...

ગુજરાતીમાં બે મહત્વની કહેવત છે. એક કહેવતમાં કહેવાયું છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય.. અને બીજી કહેવત છે કે ઘોડો છૂટી ગયા પછી તબેલાના તાળાં ના મરાય.. આ બન્ને કહેવતો કોંગ્રેસને લાગુ પડે છે. ગુજરાતમાં જ્યારથી કોંગ્રેસની સત્તા ગઇ છે ત્યારથી કોંગ્રેસના ધારાસભ્યો હંમેશા નેતૃત્વ વિહોણાં જોવા મળ્યાં છે. વિધાનસભામાં બજેટની ચર્ચા હોય અથવા તો રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે પાર્ટીના પ્રદેશ નેતાઓને ધારાસભ્યોની યાદ આવે છે પરંતુ તે સિવાય પાર્ટી તેમના ધારાસભ્યોને યાદ સુદ્ધાં કરતી નથી. કહેવાય છે કે પોતાની શક્તિ અને બળના આધારે કોંગ્રેસનો પ્રત્યેક ધારાસભ્ય સરકાર સામે લડીને તેમના મતવિસ્તારના લોકોના કામ કરતો હોય છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસના 77 ધારાસભ્યો એકત્ર થયાં હોય તેવા બનાવો માત્ર વિધાનસભાના સત્રમાં બન્યાં છે. જ્યારે વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ધારાસભ્યો માટે ડિનર ડિપ્લોમસી કરી હોય તેવો એકપણ કિસ્સો જોવા મળ્યો નથી. સરકાર સામે કોઇ ઇસ્યુ પર મોરચો ખોલવાનો હોય ત્યારે ધારાસભ્યોને બોલાવીને સ્ટેટજી બનાવવાની હોય છે પરંતુ આ નેતાઓ એવી ફરજ પણ ચૂક્યાં છે. ધારાસભ્યની વેદના, તેમના પ્રશ્નો, તેમની રજૂઆત, તેમની ફરિયાદો, તેમની લાગણીઓને નજરઅંદાજ કરવામાં આવે છે. કોંગ્રેસ એ ભાજપ નથી કે સંકટ સમયે બઘાં એક થઇ જાય, કોંગ્રેસમાં તો હંમેશા સંકટ સમયે બઘાં વિખૂટાં થઇ એકબીજા સામે લડતા જોવા મળ્યાં છે, પરિણામે પ્રત્યેક ચૂંટણીમાં પાર્ટીને પછડાટ મળી છે.

અંબાજી મંદિરના દ્વાર 12મી જૂનથી ખૂલશે...

ગુજરાતના યાત્રાધામો તેમજ ધાર્મિક સ્થળોને કેટલીક શરતોને આધિન ખોલવાની પરમિશન કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે માતાના મંદિરમાં દર્શન 12મી જૂનથી શરૂ કરાશે. દર્શનનો સમય હાલ પુરતો સવારે 7.30 થી 10.45, બપોરે 13.00 થી 16.00 અને રાત્રે 19.30 થી 20.15 સુધી રાખવામાં આવ્યો છે. પ્રત્યેક યાત્રાળુઓએ દર્શનના સમય પ્રમાણે ટોકન પ્રવેશદ્વાર પાસેથી મેળવવાના રહેશે. યાત્રાળુઓની ભીડ ન થાય તે માટે પ્રથમવાર આરતી દર્શન, પાવડી પૂજા, ગર્ભગૃહ દર્શન, રાત્રી પૂજા, માતાજીના થાળ, માતાજીની ગાદીના દર્શન, હોમ-હવન, ભેટપ્રસાદ કેન્દ્ર, સાડી કેન્દ્ર, ગરબા, જાહેર ધાર્મિક કાર્યક્રમો અને દિવ્યદર્શન બંધ રહેશે. યાત્રાળુઓ માટે ટ્રસ્ટે એવી સૂચના આપી છે કે તેમના જૂતાં ગાડીમાં મૂકીને આવે. મુખ્યદ્વાર પર આરોગ્ય ચેકઅપ કર્યા પછી જ યાત્રીઓને અંદર મોકલવામાં આવશે, શંકાસ્પદ લક્ષણો હોય તેવા યાત્રાળુઓ દર્શન માટે અંદર જઇ શકશે નહીં. અંદર જનારા પ્રત્યેક દર્શનાર્થીએ મોઢાં પર માસ્ક પહેરેલો હોવો જરૂરી છે. મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેના લોકોને પરમિશન આપવામાં નહીં આવે.

સિનિયર IAS ઓફિસરોની બદલીની સંભાવના...

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં સિનિયર આઇએએસ અધિકારીઓની મોટાપાયે બદલીઓ થવાની છે. આ સંભવિત ફેરફારો રાજ્યસભાની ચૂંટણી પછી થાય તેવી સભાવના છે. બદલીઓના આ દોરમાં ટોચના 12થી વધુ ઉચ્ચ અધિકારીઓ છે. મહાનગરોના કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીઓ પણ તોળાઇ રહી છે. આ સાથે પોલીસ વિભાગમાં પણ મોટાપાયે બદલી થવાની સંભાવના છે. લોકડાઉનના સમયમાં સરકારે ઓફિસરોના સ્થાન યથાવત રાખ્યાં હતા પરંતુ હવે લોકડાઉન મહદઅંશે ખુલી જતાં વહીવટી તંત્રમાં બદલાવ આવી રહ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યના સિનિયર મોસ્ટ ઓફિસરોની યાદી મંગાવાઇ રહી છે, અલબત્ત કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ ફેરફારો નિશ્ચિત બન્યા છે, જેમાં પોલીસ ભવન ઉપરાંત જિલ્લા પોલીસ વડાની પણ બદલીઓ થશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નું એક્સટેન્શન જુલાઇમાં પૂરૂં થાય છે તે પહેલાં પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન તેમજ તેમની બદલીનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. જૂન મહિનામાં આઇએએસ ઓફિસરો-- સીઆર ખરસાણ, એસએમ ખત્રી, સીએમ પાડલિયા તેમજ જુલાઇ મહિનામાં એમએસ પટેલ, પુનમચંદ પરમાર અને પીએલ સોલંકી નિવૃત્ત થાય છે. સીએમ ઓફિસ હાલ ફેરફારો માટેનું લિસ્ટ બનાવી રહી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:50 am IST)