વિવિધ વિભાગ
News of Thursday, 10th May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સંભવ છે તમે ગુલાબનું ફુલ ન બની શકો પણ તેથી કાંટા બનવું જરૂરી નથી. સંભવ છે કે તમે આકાશના ચળકતા તારા ન બની શકો પણ તેટલા જ માટે તારાને ઢાંકી દેનારા કાળા વાદળ બનવું તો જરૂરી નથી.

ધર્મ બીમારીના લક્ષણને નહિ પણ બીમારીને જ દૂર કરે છે. ધર્મ એજ પરમ ચિકિત્સા છે.

માણસ પોતાથી જ અપરિચિત અને પોતા માટે જ અજાણ્યો છે. આ અજ્ઞાન અનુરક્ષા અને ભય પેદા કરે છે.

જે શરીર દેખાય છે તે નહિ, પણ જે તેની અંદર છે તે તમો છો. તે હાજરી, તે સત્તા, તે ચેતના, તે જ્ઞાન, તે બોધ, તમારી અંદર છે તે  જ તમે છો.

નદીમાંથી પાણી ભરવું હોય તો થોડું નીચું નમવું પડે છે, એમ જ જીવનમાંથી પાણીભરવું હોય તો નીચા નમવાની કળા તો આવડવી જ જોઇએ.

વિનય, વ્યકિતને સમષ્ટિ સાથે જોડે છે અને અવિનય તેને વિશ્વમાત્રથી વિખૂટો પાડે છે.

અંહકારનું મૃત્યુ એ જ મોક્ષ છ.ે

દૃષ્ટિને બદલવાનો અર્થ છે, પોતાને બદલવું, બધું જ પોતા પર જ નિર્ભર છે. સ્વયંમાં જ નરક છે. સ્વયંમાં જ સ્વર્ગ છે. સ્વયંમાં જ સંસાર છે અને સ્વયંમાં જ મોક્ષ છે.

હજારો માઇલની યાત્રા પણ એક કદમથી જ શરૂ થાય છે અને એક કદમથી જ પૂરી થાય છે.

સામાન્યતઃ લોકો માને છેકે પરમાત્માને પ્રાપ્ત કરી લેશંુ તો યાત્રા સમાપ્ત થશે. વાસ્તવમાં વાત તદ્દન વિપરીત છે-જો તમે હમણાં જ યાત્રા છોડી દો તો તમને અહીં અને હમણાં જ પરમાત્મા પ્રાપ્ત થઇ જાય.

સામાન્યતઃ લોકો માને છે કે જો મંઝિલ પ્રાપ્ત થાય તો અમે વિશ્રામ કરશું. પરંતુ હકીકત તદ્દન વિપરીત છે.-તમે વિશ્રામ કરો તો મંઝિલ પ્રાપ્ત થશે.

ધ્યાન અને સમાધિનું સુત્ર છેઃ વિશ્રામ ! અહંકારનું સૂત્ર છેઃ શ્રમ ! મારી દૃષ્ટિએ પરમાત્મા વિશ્રામમાં પ્રાપ્ત થાય છ.ે અહંકારમાં નહિ, પરમાત્મા ઉપલબ્ધિ કોઇ કર્મ નથી કોઇ શોધ નથી.

પરમાત્મા તો પ્રાપ્ત થયેલો જ છે - તમે જરા વિશ્રામપૂર્ણ બનો. શાંત બનો, તમે જરા અટકો ! તમે અચાનક અનુભવશો કે પરમાત્મા સદાકાળથી તમારી પાસે હતો.

ભકતોનો અનુભવ છે કે -સંબોધિ પ્રસાદરૂપે સંભવે છે. તમારા કંઇ પણ કરવાથી સંભવતી નથી. સમાધિ તો તમારા પર વરસે છે-અનાયાસ ભેટરૂપ પ્રસાદરૂપ ! તો પછી સંબોધિ માટે શ્રમ અને પ્રયત્ન કરો છો તેનું શું પ્રયોજન ?

જો તમને એ વાત સમજાય જાય કે 'પરમાત્મા છે જ', તો પછી તમે  વ્યર્થ શ્રમ કરો છો. વ્યર્થ અનુષ્ઠાન કરો છો.

અનુષ્ઠાનની કોઇ જ જરૂર નથી. સમજણ પર્યાપ્ત છે. બસ ! અંતરતમમાં સમજાઇ જાય કે 'પરમાત્મા તો છે જ' તો પછી પરમાત્માની શોધ આપોઆપ છૂટી જશે.

જો એટલું સ્પષ્ટતાથી સમજાય જાય કે તમે જે કંઇ છો તે 'મૂળ'થી જોડાયેલાં જ છો. તો પછી તે જોડાણ ઉભું કરવાનો પ્રયત્ન, અને દોડધામ છોડતા જ પરમાત્મા સાથે મિલન સંભવશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:02 am IST)