વિવિધ વિભાગ
News of Monday, 27th July 2020

સરકારી મહેમાન

પ્રામાણિક ઓફિસરોને શોધી તેમને સન્માન આપો, ભ્રષ્ટાચારી પાસેથી સત્તા છિનવી લો

કીર્તિમાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થવા માટે શાસકે તેમના કર્તવ્યમાં અધીરા ક્યારેય બનવું નહીં : કામ કર્યા પછી ડગલે ને પગલે લોકોના ધન્યવાદ મેળવવા દોડી જતાં રાજકર્તા દુખી થાય છે : દીવાન ટી માધવરાવે વડોદરાના રાજવીને આપેલી ટીપ્સ આજની રાજનીતિમાં પણ યથાર્થ

ગુજરાતમાં શાસન કરતી સરકારના મંત્રીઓ અને અધિકારીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ મળતી નહીં હોવાથી તેમનું પરફોર્મન્સ નબળું રહે છે અને રાજ્યની જનતાનું અહિત થાય છે. કોઇપણ કર્મચારી સરકારમાં દાખલ થાય છે ત્યારે ઓછામાં ઓછી છ મહિનાની નિષ્ણાંત તાલીમ આપવાની આવશ્યકતા છે. એવી જ રીતે કોઇ નેતા સંસદસભ્ય બને છે, ધારાસભ્ય બને છે અથવા તો મંત્રી બને છે ત્યારે તેમને પણ તાલીમની જરૂરિયાત હોય છે. આ તાલીમ ક્યાંથી મળે તેવો સવાલ થાય ત્યારે આપણાં પૂર્વજો કે જેઓ રાજા હતા તેમને યાદ કરવા જોઇએ. રાજાશાહીમાં કોઇપણ રાજાને તેમને સલાહકારો તાલીમ આપતાં હતા. તે સલાહકારોની તાલીમ આજના રાજનીતિના યુગમાં કોઇ તજજ્ઞ આપી શકે તો તે વ્યક્તિ કે ઓફિસર ઉત્તમ શાસનકર્તા બની શકે છે અને પ્રજાહિતના નિર્ણય લઇ શકે છે.

ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્યએ ટિપ્સ આપી હતી...

ચંદ્રગુપ્ત મૌર્ય એ ઇસ પૂર્વે 321-297માં મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. નંદ વંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ લાવી ભારતીય ઉપખંડના વિશાળતમ સામ્રાજ્યની રચના કરી હતી. ચંદ્રગુપ્તે તેના મંત્રી અને સલાહકાર ચાણક્યની મદદથી લોકભોગ્ય શાસન વ્યવસ્થા સ્થાપિત કરી હતી. ચાણક્ય એટલે કે કૌટિલ્ય એ ચંદ્રગુપ્ત મોર્યના ગુરૂ અને મુખ્યપ્રધાન હતા. તેણે ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદ કરી હતી. તેમનું સાચું નામ વિશ્વગુપ્ત હતું, તેઓ ચણકના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાત્રની રચના કરી હતી.

માધવરાવે વડોદરાના મહારાજાને તૈયાર કર્યા હતા...

એવી જ રીતે વડોદરાના દીવાનપદે બિરાજમાન ટી માધવરાવના 1875માં ઉચ્ચારેલા શબ્દો આજે પણ એટલા સૂચક છે. તેમણે કહ્યું હતું કે “રાજા કે શાસક પરદુખભંજન હોવો જોઇએ. પોતાના સ્વાર્થ ખાતર બહુજન સમાજને હાનિ થાય તેવું કૃત્ય તેણે કરવું જોઇએ નહીં.” તેમણે કહ્યું હતું કે, કિર્તીમાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થવા શાસકે અધીરા બનવું જોઇએ નહીં, કારણ કે તેમ કરવા જતાં પોતે અને રૈયત દુખી થાય છે.” ગુજરાતના નવજાગરણમાં જેમની અસરો પ્રભાવક હતી તેવા વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાને 1875માં મહારાણી જમનાબાઇએ દત્તક લીધા હતા ત્યારે તેઓ સગીર વયના હતા. તેઓ ભરવાડમાંથી ભૂપતિ બન્યાં હતા. જ્યારે તેમને દત્તક લેનારી માતાએ પૂછ્યું કે – વડોદરા શા માટે આવ્યા છો?.. તો તેમણે બેધડક જવાબ આપ્યો – રાજા થવા... શાસનના સૂત્રો ત્રણ સભ્યોની રિજન્સી કાઉન્સિલના હાથમાં હતા. તેમાંના એક રાજા સર ટી માધવરાવ રાજ્યના દીવાન હતા. નવા બાળ રાજાને બાહોશ રાજવી તરીકે તૈયાર કરવા ઉચિત તાલીમ આપવાની જવાબદારી તેમના માથે હતી.

માઇનોર હિન્ટ્સ” પુસ્તક રાજનેતાઓ વાંચી જાય...

આજથી 145 વર્ષ પહેલાં આધુનિક ગણી શકાય તેવી ઉત્તમ ટીપ્સ પ્રવચનરૂપે તેમણે વડોદરાના રાજવીને આપી હતી. રાજ્યકર્તાએ અંગત વર્તણૂકમાં તેમજ જાહેર જીવનમાં પાળવાના આદર્શો, વ્યવહાર કુશળતા અને ઝીણવટપૂર્વકની સલાહ, શિખમણો સહિત સોનેરી સૂત્રો આ વાર્તાલાપમાં મોજૂદ છે. માધવરાવે આપેલી ટીપ્સ અંગેનું પુસ્તક માઇનોર હિન્ટ્સના નામે રાજ્યના દફતર ભંડારમાં ગ્રંથ તરીકે સાચવી રાખ્યું છે. આજના રાજનેતા જો તેનો ઉપયોગ કરે તો તેઓ ઉત્તમ શાસક બની શકે તેમ છે.

આ પુસ્તકના કેટલાક અંશ આ પ્રમાણે છે...

--- શાસકના મિજાજ અને ધીરજની દરરોજ કસોટી થાય છે તેથી તેણે ક્યારેય ક્રોધ કરવો નહીં.

--- બીજાઓ અંગે ઉદારવૃત્તિથી મત બાંધવાની મહત્વની ટેવ શાસકે કેળવવી જોઇએ.

--- કિર્તી સહજ નથી ધીરજ જરૂરી છે. લાંબા સમયની કામગીરી વ્યક્તિને સર્વ કીર્તી બક્ષે છે.

--- ડગલે ને પગલે લોકોના ધન્યવાદ મેળવવા દોડી જતાં રાજકર્તા પોતાની જાતને દુખી કરે છે.

--- ભાડૂતી ખુશામતખોરોથી શાસનમાં વિધ્ન આવે છે.

--- ખોટાં અને અધુરાં કાર્યો અખબારોમાં પ્રસિદ્ધ કરવાથી સરવાળે નિષ્ફળતા મળે છે.

--- મુખ્ય વ્યક્તિ તરીકે પ્રત્યેક કિસ્સામાં પોતે હુકમ આપે તે જરૂરી નથી.

--- વહીવટમાં શ્રદ્ધા અને વિશ્વાસની અતિ આવશ્યકતા હોય છે.

--- આપેલાં વચનો પાળવા જ જોઇએ નહીં તો પરચા માટે તૈયાર રહેવું પડશે.

--- બીજાની ભાવનાને આદર કરવાની હંમેશા કાળજી લેવી જોઇએ.

--- કોઇનું અપમાન થાય તેવી વાણીનો પ્રયોગ શાસકના મુખે શોભતો નથી.

--- જે અખબાર જનતાનું બહોળું પ્રતિનિધિત્વ કરે તેનો કદી અનાદર કરવો જોઇએ નહીં.

--- લાંચ લેનાર પાસેથી સત્તા છીનવી લો, જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી કરો.

--- પ્રામાણિક અને ચારિત્ર્યવાન ઓફિસરોને શોધી કાઢો અને તેમને માન-સન્માન આપો.

--- શાસકે જંગલી રીતે વર્તવું જોઇએ નહીં. પ્રજાની સુખાકારી વધારવાની તેની ફરજ છે.

--- પ્રત્યેક મંત્રીમાં વિશ્વાસ રાખી શાસકે અભિપ્રાય પર ધ્યાન આપવું જોઇએ.

--- લોકોની નજરમાં મંત્રી કે તેની સત્તા નબળી પડે તેવું કામ કરવું જોઇએ નહીં.

--- રાજામાં નિર્ણયશક્તિ હોવી જરૂરી છે અને તે નિત્ય વાંચનથી આવે છે.

--- સાથે કામ કરતાં લોકો વચ્ચેના મતભેદો ખાનગીમાં નિપટાવી લેવા ઉચિત રહેશે.

--- યોગ્ય લાયકાત ધરાવતા અધિકારીને સ્વતંત્રતા આપવાથી વહીવટ સુધરે છે.

--- વિભાગોના વડાઓને અધિકાર આપવા પરંતુ નિરીક્ષણ અને અંકુશ જરૂરી છે.

--- શાસનમાં નજરાણાં વિષ સમાન છે, મોટી મહેરબાની શાસનને હાનિ પહોંચાડે છે.

--- રાજાએ તેના મૌખિક નિર્ણયોને લખાણમાં ઉતારવા જોઇએ.

--- મહેસૂલ વિભાગના વડાને તેમની કામગીરીના સિદ્ધાંતો અને વિગતોની જાણકારી હોવી જોઇએ.

--- સતત કામ કરનારા લોકોની નાની ભૂલોને માફ કરી દેવી જોઇએ.

--- રાજમહેલની સંપત્તિને ક્યારેય અંગત ગણવી નહીં, તે ખોટા માર્ગે લઇ જઇ શકે છે.

--- ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમનો ઉપયોગ બુદ્ધિમાન લોકોને વિકાસમાં જોડવા જોઇએ.

--- પાણી અને આરોગ્ય એ બન્ને ચીજ એવી છે કે લોકોને સરળતાથી પ્રાપ્ય થવી જોઇએ.

--- કાવતરાં કરનાર વ્યક્તિ ક્યારેય સુધરતો નથી, તેનાથી શાસક હંમેશા દૂર રહે.

45 વિષયો પર માધવરાવે ટીપ્સ આપી હતી...

આ પ્રકારની શિમોર સમી શિખામણો ઉચ્ચતમ લોકશાહી વલણ માટે ઇચ્છનિય છે. 45 જેટલા વિષયો પર અપાયેલી આ ટીપ્સનું અનુકરણ વર્તમાન સમયમાં શાસકો કરે તો આપણી જનતાનું ભાગ્ય સુધરી શકે છે, પરંતુ અફસોસ – આજના શાસકો રૂપિયા બનાવવા માટે રાજનીતિમાં આવે છે, જાહેર જનતાની તેમને પડી નથી. માધવરાવનો જન્મ કુંભકોણમમાં 1828માં મહારાષ્ટ્રી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગણિત શાસ્ત્રનું ઉચ્ચ જ્ઞાન મદ્રાસમાંથી લીધા પછી તેઓ મદ્રાસ યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકે નિમાયા હતા. થોડાં વર્ષો પછી ત્રાવણકોરના રાજકુંવરોના શિક્ષણની જવાબદારી તેમણે સંભાળી હતી. ઉત્તરોત્તર બઢતી પામતાં 1857માં 30 વર્ષની વયે દીવાન બન્યાં હતા. તેમણે કેસીએસઆઇનો ખિતાબ મેળવ્યો હતો. ત્યારપછીના બે વર્ષ ઇન્દોર રાજ્યના દીવાન અને છેવટે વડોદરા રાજ્યના દીવાન થયા હતા. માધવરાવ 1882માં નિવૃત્ત થયાં અને 1891માં અવસાન પામ્યા હતા.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:28 am IST)