વિવિધ વિભાગ
News of Friday, 20th September 2019

ઝવેરચંદ મેઘાણી સંવાદિત 'રઢિયાળી રાત'ના લોકગીતો-રાસ-ગરબા ગુંજશે

નવરાત્રીના પાવન પર્વમાં સાહિત્ય-સંગીત સંસ્કૃતિની મહામુલી વિરાસતને પરિચિત કરવા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું આયોજન

રાજકોટ, તા.૨૦: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિનાં અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા આધારિત 'રઢિયાળી રાત' કાર્યક્ર્મોનું પ્રેરક આયોજન, સમગ્ર ગુજરાતમાં, સતત ૧૦માં વર્ષે થશે. નવી પેઢી આપણા ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ માટે ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને તેમના દ્વારા સ્થાપિત 'ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન'સવિશેષ પ્રયત્નશીલ છે.

આ વર્ષે પણ ઝવેરચંદ મેદ્યાણીના જીવન-કવન સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્થળો ચોટીલા (જન્મભૂમિ), રાજકોટ (શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (મેટ્રીક), ભાવનગર તથા જૂનાગઢ (કોલેજ-શિક્ષણ), ધંધુકા (અદાલતમાં સ્વરચિત કાવ્ય 'છેલ્લી પ્રાર્થના' ગાયું ત્યારે મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખો આંસુભીની થઈ ગઈ), રાણપુર (કર્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), બગસરા (વડવાઓનું વતન) ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, લીંબડી, કચ્છ ખાતે 'રઢિયાળી રાત' કાર્યક્રમો યોજાશે.

ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પીલૃરિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થશે.

'લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે'તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેદ્યાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. 'ધૂળધોયા'નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેદ્યાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'માં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'નો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. 'રઢિયાળી રાત'નાં ગીતોનું વર્ગીકરણ ૅં દાંપત્યનાં ગીતો, કુટુંબસંસારનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, દેર-ભોજાઈનાં ગીતો, કજોડાંનાં ગીતો, વિનોદ-ગીતો, રસ-ગીતો, હાલરડાં-બાળગીતો, કાન-ગોપીનાં ગીતો, ઋતુ-ગીતો, ઇતિહાસ-ગીતો, ગીતકથાઓ, જ્ઞાન-ગીતો, રમકડાં, નવરાત્રીનાં જોડકણાં, મુસલમાની રાસડા, નાવિકોનાં ગીતો ઝવેરચંદ મેદ્યાણીએ કર્યું છે.

ઢેલીબહેન મેરાણી

પોતાને લોકગીતોની લગની લગાડનાર પોરબંદર બાજુના બરડા પંથકના બગવદર ગામનાં મેરાણી ઢેલીબહેન સાથેની ૧૯૨૪ની મુલાકાતને ઝવેરચંદ મેદ્યાણી લાગણીભેર વાગોળે છે ૅં શ્નલોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી. ગયેલો કથાસાહિત્ય માટે; પણ આંટો નિષ્ફળ લાગ્યો. મેરાણીઓના રાસડા પ્રત્યક્ષ સાંભળવા મન કર્યું.  દ્યણી મહેનત કરી. નાસીપાસ થયો. પછી, અંતે, એક બહેન એવી મળી કે જેણે પોણી રાત જાગીને એ સંભળાવ્યા. એ રાત નહિ ભૂલું. અંધારી રાત હતી. એક મેર દ્યરની ઓસરીમાં ગ્યાસલેટના દીવાની જયોતે બેસી મેં લોકગીતોના મારા સંશોધનનું મંગલાચરણ કર્યું હતું. એ શુકન કરાવનાર ઢેલીબહેન. બહેન ઢેલી અને એના પતિ આખો દિવસ ખેતરનું કામ કરીને થાકીને લોથ થયેલાં.  સૂસવતે શિયાળે મારી પાસે પરોઢ સુધી બેસી રહ્યાં. બહેન ઢેલીએ એક પછી એક ગીતો ગળામાંથી ઠાલવ્યાં. ને હું ટપકાવતો ગયો. એ ગીતોએ લોકગીતોની સૃષ્ટિ પ્રત્યેનું મારું વલણ નક્કી કરી નાખ્યું. એ ગીતો માંહેલું 'વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં' આજે પણ ઘેર ઘેર જાણીતું છે. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતાં એ ગીતો મને ઢેલીબાઈ પાસેથી જડ્યાં. એ બેનને ફરી કદી મેં દીઠી નથી. ઝવેરચંદ મેદ્યાણીએ ઢેલીબહેનનું ઋણ સ્વીકારતાં તેમને શ્નમારા લોકગીતપ્રેમની પ્રાણની જનેતા કહી નવાજયાં અને 'રઢિયાળી રાત'નો ચોથો ભાગ તેમને અર્પણ કર્યો. સાહિત્યકાર-સંશોધક શ્રી નરોત્તમભાઈ પલાણે ૧૯૬૭માં ૯૦ વર્ષનાં ઢેલીબેનની મુલાકાત લીધેલી. ઝવેરચંદ મેદ્યાણી સાથેનાં પોતાનાં અનેક હ્ર દયસ્પર્શી સંસ્મરણો ઢેલીબેને ત્યારે વાગોળ્યા હતા. ઢેલીબેન નીચે બેસીને રોટલા દ્યડતા હતા અને ઝવેરચંદ મેદ્યાણી માટે જમવા સારુ પાટલો ઢાળ્યો. ખૂબ આગ્રહ કર્યો છતા ઝવેરચંદ મેદ્યાણી પાટલા પર ન બેઠા. શ્નરોટલો ઘડનારી નીચે બેસે અને ખાનારો ઉંચે બેસે તે કયાંનો ન્યાય ?લૃ તેમ કહી ધરાર નીચે બેઠા. પાછા જતી વખતે બળદગાડું મંગાવ્યું. તેનો અસ્વીકાર કરતાં ઝવેરચંદ મેદ્યાણીએ કહ્યું: 'હું ગાડામાં નહિ બેસું. એક અબોલ જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું ન બેસાય.' અને તેઓ પગપાળા જ ગયા. 'ઓહોહો ! આવો માણસ મેં કોઈ દી'જોયો નથી.

કયાં-કયાંથી લોકગીતો મળ્યા

ઝવેરચંદ મેદ્યાણીના માતા ધોળીમાએ પોતે યુવા-અવસ્થામાં સાંભળેલાં-ગાયેલાં અનેક પ્રાચીન રાસડા સંભારી-સંભારીને લખાવ્યા હતા. આજે પણ લોકમુખે રમતું 'વેરણ ચાકરી'નું લોકગીત 'ઉભી ઉભી ઉગમણે દરબાર રે કાગળિયા આવ્યા રાજના રે લોલ !' પત્નિ દમયંતીબેનએ પોતાનાં માસી અને જેતપુર સ્થિત રજવાડાના સરકાર-નીમ્યા હાકેમ શિવલાલ ગોસળિયાના ધર્મપત્ની સાંકળીબેન પાસેથી સાંભળીને ટપકાવી લીધું હતું. પોતાના ભાણેજ-જમાઈ ઝવેરચંદ મેદ્યાણીની આમન્યા જાળવવા માસીજીએ તેમની સમક્ષ આ લોકગીત ગાયું ન હતું. વડીલ-મિત્ર અને માર્ગદર્શક એવા હડાળા-બગસરા દરબારશ્રી વાજસુર વાળા પાસેથી મૂલ્યવાન રત્નો સમાન અનેક લોકગીતો પ્રાપ્ત થયા હતા. જાણીતા સાહિત્યકાર રામનારાયણ વિ. પાઠકે પણ પોતાની સ્મૃતિમાંથી સુંદર રાસડા સૂચવ્યા એટલું જ નહિ પણ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના યુવાન વિદ્યાર્થીઓ પાસેથી તેમ જ ઠાકરડા કોમનાં બહેનો પાસેથી લોકગીતો-રાસ-ગરબા સાંભળવાનો સુયોગ કરી આપ્યો હતો. રાજકોટની બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજની વિદ્યાર્થીની-બહેનો અને શિક્ષિકા-બહેનોને વૃંદમાં અસલ કાઠિયાવાડી રાસ રમતાં-ગાતાં જોવા-સાંભળવાનો લ્હાવો ઝવેરચંદ મેદ્યાણીને 'રઢિયાળી રાત'ના સંશોધન દરમિયાન મળ્યો હતો. ભાવનગર સ્થિત કોલેજકાળના મિત્ર  કપિલભાઈ પરમાનંદભાઈ ઠક્કરના દ્યેર જતા ત્યારે ઘંટીએ દળતા તેમના માતા મોંધીબા, પત્નિ ઉજમબેન અને બહેન કંચનબેનના મુખેથી લોકગીતો સાંભળવા મળતા. આજે પણ ઠક્કર પરિવારે આ દ્યંટી સ્મૃતિ રૂપે સાચવીને રાખી છે. રાણપુર સ્થિત 'સૌરાષ્ટ્ર-ફૂલછાબ' પ્રેસનાં કાર્યાલયમાં કામ કરતા મુસ્લિમ બહેન સારબાઈ અને તેમના પાડોશમાં રહેતી વહોરા ખેડૂત અને મજૂર બહેનો પાસેથી ગીતો સાંભળવા મળ્યા હતા. 'હું તો માત્ર નિમિત્ત્। જ બન્યો છું' એવું વિનમ્રભાવે ઝવેરચંદ મેદ્યાણી કહેતા.

મહાત્મા ગાંધી ઝવેરચંદ મેદ્યાણી પાસેથી લોકગીતો સાંભળીને રાજી થયા હતા. 

૧૯૪૪માં મુંબઈમાં જુહૂ ખાતે ગાંધીજીનો મુકામ હતો ત્યારે, એમની પૂર્વ-અનુમતિ મેળવી, ઝવેરચંદ મેદ્યાણી પોતાના નવપરિણિત પુત્ર મહેન્દ્રભાઈ અને પુત્રવધુ નિર્મળાબેનને એમના આશીર્વાદ અપાવવા ત્યાં લઈ ગયા. ગાંધીજીનો તે મૌનનો દિવસ હોવાથી કાગળ પર લખીને શ્નવાતલૃ એમણે કરવાની હતી.ગીતો સાંભળવાની ઇચ્છા ગાંધીજીએ દર્શાવી તેના જવાબમાં, સ્વાભાવિક, દેશભકિતનાં ગીતો મેદ્યાણીએ એમને સંભળાવ્યાં પછી સહેજે પૂછ્યું :'બીજું કશું સાંભળવાની આપને ઇચ્છા ખરી ?' 'લગ્નગીતો સંભળાવો.' લાગલો જ ઉત્તર મળ્યો ! શ્નમને લાગે છે કે આપણે રાણપુરમાં મળ્યા હતા ત્યાર બાદ નથી મળ્યા. આજ પેટ ભરીને તમારાં ગીત સાંભળ્યાં એથી રાજી થયો. મારું પેટ તો ઝટ ખાલી થઈ જાય છે એટલે મારું પેટ ભરાઈ જવાનો ડર ન રાખશો. ઉલટાવેલ પરબીડિયા પરની કોરી જગાનો ઉપયોગ કરીને ગાંધીજીએ એ મૌન-દિવસે ઝવેરચંદ મેદ્યાણી સાથે આ રીતે 'વાત કરી'હતી.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર સાથે મેળાપ

૧૯૩૩ના અંતમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર મુંબઈ આવેલા. એમના અંતરંગ સાથી અને ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝે ઝવેરચંદ મેદ્યાણીની ગીત-પ્રસાદી ચાખીને કવિવરને ભલામણ કરી કે તેઓ મેદ્યાણીને મળે. સવારના ૭.૩૦ વાગે ટાગોરના ઉતારે સર દોરાબજી તાતા પેલેસ ખાતે મુલાકાત ગોઠવાઈ. અડધા કલાકનો સમય ફળવાયો હતો. શૌર્ય-શૃંગાર રસે છલકતા ગુજરાતના લોકસાહિત્યની રસપ્રદ વાતો ઉપરાંત લોકગીતો ઝવેરચંદ મેદ્યાણી પાસેથી સાંભળીને ટાગોરના મુખ પર પ્રસન્નતા છવાઈ. ગુજરાતનાં અને બંગાળનાં લોકગીતોના ઝવેરચંદ મેદ્યાણીએ રજૂ કરેલ તુલનાત્મક સમન્વયથી ટાગોર ઝૂમી ઊઠ્યા. નિર્ધારિત સમય તો કયાંય રહ્યો — તેનાથી ત્રણ ગણો સમય ટાગોરે ઝવેરચંદ મેદ્યાણીને માણતાં ખુશી ખુશી સાથે વિતાવ્યો !  એક નાજુક વાદ્યની પેઠે પ્રત્યેક ભાવ ઝીલ્યો.'ના છડિયાં હથિયાર'ગાયું ત્યારે ટાગોર અને નંદલાલ બોઝ બન્નેએ કહ્યું કે, અમારે ત્યાં આવું નથી ! કવિવરે ઝવેરચંદ મેદ્યાણીને શાંતિનિકેતન આવવા નિમંત્રણ આપ્યું. માર્ચ ૧૯૪૧માં શાંતિનિકેતન જઈને લોકસાહિત્ય વિષે અંગ્રેજીમાં ચાર શ્રેણીબદ્ઘ વ્યાખ્યાનો આપીને ઝવેરચંદ મેદ્યાણીએ ત્યાં ઉપસ્થિત દેશવિદેશના સેંકડો વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા. 'મેદ્યાણીજી દિલ કે તાર હિલા ગયે !'.આખા શાંતિનિકેતનનું વાતાવરણ લોકગીતોના વિષય વડે છવાઈ ગયું. સહુ શ્રોતાઓએ પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું 'અમારા કાન પર તમારા આ લોકસ્વરો એ જાણે અમારા પોતાના હોય, ને અમારી ભૂમિનાં પડમાંથી જાણે અમે સદા સાંભળ્યા કર્યા  હોય, તેવા લાગે છે; સ્વરો સાથે રચનાઓ, મરોડો, ભાવસ્પંદનો, ભાષામર્મો ને ચિત્રોના પ્રકારો — બધું જ અમારું લાગે છે.' માનપત્ર પણ અર્પણ થયું, તેનો નમ્રભાવે સ્વીકાર કરતી વેળાના 'આ તો પ્રેમપત્ર છે' એવા  હૃદયસ્પર્શી, સ્વયંસ્ફૂર્ત ઉદ્ગાર થકી સહુનાં દિલ જીતી લીધાં.

રણજિતરામ સુવર્ણચંદ્રક

અમદાવાદ-શાહીબાગ સ્થિત સર ચિનુભાઈ બેરોનેટના બંગલા 'શાંતિકુંજ' ખાતે ૧૬-૧૭ માર્ચ ૧૯૨૯ને રોજ યોજાયેલગુજરાત સાહિત્ય સભાના રજત-મહોત્સવ કાર્યક્ર્મ દરમિયાન ઝવેરચંદ મેદ્યાણીને લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન બદલ ૧૯૨૮ના સહુપ્રથમ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત થયો હતો. કેશવલાલ ધ્રુવ, ડો. હરિપ્રસાદ દેસાઈ, રામનારાયણ પાઠક, ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ'સહિત અનેક વિદ્વાન સાક્ષરો ઉપસ્થિત હતા. સાહિત્યજગતમાં પોતાનું હજુ સાત જ વર્ષનું શિખાઉ શૈશવ ચાલી રહ્યું છે તેમ ઝવેરચંદ મેદ્યાણીએ વિનમ્રપણે જણાવ્યું હતું.

આલેખનઃ પિનાકી નાનકભાઇ મેઘાણી,  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦૨૧૨૭૩)

(3:49 pm IST)