Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અપહરણ-ખંડણીના ગુનામાં ફરાર ભીસ્તીવાડનો નામચીન શાહરૂખ ઉર્ફ રાજાએ પોલીસને વધુ એક ચકમો આપ્યો

હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી ગત પાંચમીએ બે મિત્રોનું અપહરણ કરી ૧ લાખ માંગ્યા'તા : પોલીસને જોઇ લોકોના ટોળા ભેગા થઇ ગયાઃ ફાયરીંગ થયાની અફવા વહેતી થઇ ગઇ

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર સ્લમ કવાર્ટર ભીસ્તીવાડમાં રહેતો અને નામચીનની છાપ ધરાવતો શાહરૂખ ઉર્ફ રાજા બાબુભાઇ જુણેજા અપહરણ અને ખંડણીના ગુનામાં ફરાર હોઇ તે આજે ભીસ્તીવાડમાં આવ્યાની બાતમી મળતાં પોલીસની ટીમો હથીયાર સાથે પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે એ પહેલા ગંધ આવી જતાં તે નીકળી ગયો હતો.

હત્યાના ગુનામાં સંડોવાયેલો શાહરૂખ ઉર્ફ રાજા પેરોલ જંપ કરી ફરાર થયેલો છે. આ દરમિયાન તેણે ગત તા. ૫/૮ના રોજ જંકશન પ્લોટમાં ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે કામ કરતાં યુવાન અને તેના મિત્રનું અપહરણ કરી કટકા કરી લાશ આજી ડેમમાં ફેંકી દેવાની ધમકી આપી એક લાખની ખંડણી માંગી હતી. યુવાન પાસે પૈસા ન હોઇ તેને અને તેના મિત્રને રાજાના સાગ્રીતોએ ભોમેશ્વરમાં તેના ઘરેથી પૈસા લઇ આવવાનું કહી ત્યાં લઇ જતાં અપહૃતે હિમત કરી પોતાના પિતાને વાત કરતાં શાહરૂખ ઉર્ફ રાજાના સાગ્રીતો ભાગી ગયા હતાં. પ્ર.નગર પોલીસે આ મામલે ગુનો નોંધી તેના ૪ સાગ્રીતોની જે તે વખતે ધરપકડ કરી લીધી હતી. શાહરૂખ ઉર્ફ રાજા ત્યારથી ફરાર હોઇ અને આજે તે તેના ઘરે આવ્યાની માહિતી મળતાં પ્ર.નગર અને ક્રાઇમ બ્રાંચની ટીમો હથીયાર સાથે દોડી ગઇ હતી. પરંતુ એ પહેલા તે ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ વિસ્તારમાં આવતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને ફાયરીંગ થયાની અફવા પણ વહેતી થઇ ગઇ હતી.

(3:36 pm IST)