Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગામડાઓમાં ઓપરેટરો હડતાલ પર ઉતરતા મગફળીનું રજીસ્ટ્રેશન ઠપ્પ

આમ છતાં દરેક સ્થળે તલાટીઓ મારફત ખેડૂતો પાસેથી તમામ ડોકયુમેન્ટ લઇ લેવાયા : ખેડૂતોમાં દેકારો : રાજકોટ સહિત ૧૧ યાર્ડોમાં પ્રથમ બે કલાકમાં ૫૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન : એસડીએમ દ્વારા સતત મોનીટરીંગ

આજે સવારે રાજકોટ યાર્ડ ખાતે મગફળીના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો ઉમટી પડયા તે તસ્વીરમા નજરે પડે છે

રાજકોટ તા. ૧ : આજથી મગફળીનું રાજકોટ શહેર - જિલ્લા સહિત રાજ્યભરમાં જે તે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા શરૂ થયું છે, પરંતુ દશેરાએ જ ઘોડુ ન દોડે તેમ ૫૯૫ ગામડાઓમાં જે વીસીઇ મારફત રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગોઠવાઇ છે તેમાં જબરો અંતરાય આવી ગયો છે.

વિગતો મુજબ ગામડાઓના કોમ્પ્યુટર ઓપરેટરોએ કમીશનની રકમ અને અન્ય પડતર પ્રશ્નો અંગે આજથી હડતાલનું એલાન કરી હડતાલ ઉપર ઉતરી જતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે, અને રાજકોટ જિલ્લાના એકપણ ગામમાં મગફળીનું બપોરે ૧ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન નહી થતા અને અમુક ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોના ટોળા થતાં દેકારો મચી ગયો છે.

દરમિયાન ડીએસઓ શ્રી પૂજા બાવડાનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા'ને જણાવ્યું હતું કે હાલ ગ્રામ્ય વિસ્તારમાં વીસીઇ મારફત રજીસ્ટ્રેશન થયું નથી, પરંતુ તલાટીઓ દ્વારા કાર્યવાહી કરી ખેડૂતો પાસેથી આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, બેંકનો  કેન્સલ ચેક, ગામ નમૂના નં. ૭/૧૨ તથા ૮-અ નો ઉતારો તથા તલાટીનો વાવેતરનો દાખલો વિગેરે ડોકયુમેન્ટ અમે લઇ રહ્યા છીએ અને ગામડા લેવલે હાલ જે વીસીઇ મારફત રજીસ્ટ્રેશન અટકયું છે તે અંગે કલેકટરશ્રી પોતે સરકારમાં કો-ઓર્ડીનેટ કરી રહ્યા છે.

ડીએસઓ શ્રી પૂજા બાવડાએ જણાવેલ કે, રાજકોટ સહિત કુલ ૧૧ યાર્ડમાં પ્રથમ બે કલાકમાં ૫૦થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, જે તે ડે.કલેકટર - પ્રાંત દ્વારા ખાસ મોનીટરીંગ થઇ રહ્યું છે, માસ્ક - સેનેટાઇઝર - સોશ્યલ ડીસ્ટન્સ, પુરવઠાનો સ્ટાફ, યાર્ડનો સ્ટાફ, પોલીસ, સીસીટીવી કેમેરા સહિતની વ્યવહાર ગોઠવાઇ છે.

(3:18 pm IST)