Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પૂરવઠા નિગમના આદેશો બાદ ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરતા એક ડઝન એકમો પર દરોડા : રાજકોટમાં ૧ પાર્ટી ઝપટે

વાપી - સુરત - સુરેન્દ્રનગર - રાજકોટ - આણંદ - અમદાવાદમાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧ : ગઇકાલે સાંજે પુરવઠા નિગમે રાજ્યભરના કલેકટરો - પુરવઠા અધિકારીઓને ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા એકમો - પંપો ઉપર તૂટી પડવા આદેશો કર્યા હતા.

આ દરમિયાન ગત સાંજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજકોટ સહિત રાજ્યભરમાં આવા કુલ ૧૨ જેટલા એકમો ઉપર દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ પેટ્રોલ - ડીઝલમાં ૫ ટકા બાયો ફયુઅલ મીકસ કરવાની છૂટ અપાઇ છે, આ છૂટનો દુરપયોગ થઇ રહ્યાની ફરિયાદો ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસો. દ્વારા કરાઇ હતી, આ ફરિયાદો બાદ ગઇકાલે પુરવઠા નિગમે ખાસ પરીપત્ર દ્વારા ટીમો બનાવી દરોડા પાડવા આદેશો કર્યા હતા, હજુ કલેકટર - પૂરવઠાની ટીમો ત્રાટકે તે પહેલા જીપીસીબીની ટીમોએ વાપી, સુરત, રાજકોટ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગરના આવા બાયોડીઝલના ૧૨ એકમો પર ગત સાંજથી દરોડા પાડી મોડી રાત સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જે એકમો ઉપર દરોડા પડાયા તેમાં ઇશાન ગ્રીનટેક ઇન્ડિયા પ્રા.લી. (પારડી), સત્યમ ઇન્ડસ્ટ્રીઝ (વલસાડ), વિરાગ એન્ડ કાું. (સુરત), એસઆરવી બાયો કેમ. (સચિન), પ્રાંત એન્ટરપ્રાઇઝ (પાંડેસરા), યમુના બાયો એનર્જી (આણંદ), ભગવાન પેટ્રોલીયમ (અમદાવાદ), જય બાયો ફયુઅલ સનલાઇન ઇન્ડસ્ટ્રીઝ (સુરેન્દ્રનગર), ડોંગા બાયો ફયુઅલ (રાજકોટ) અને એમિલન બીલડી (પિરાણા - અમદાવાદ)નો સમાવેશ થાય છે.

જીપીસીબીની ટીમો સાથે અમદાવાદ વેટ કચેરીના અધિકારીઓ પણ જોડાયા હતા, મોટા પાયે ટેકસ ચોરી ઝડપાવા અંગે સૂત્રોએ ઉમેર્યું હતું.

(11:46 am IST)