Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

'કોરોના'ને લગતાં 'ક્રાઇમ'માં ત્રણ દિવસમાં ૧૦ આરોપીઓ બન્યા ક્રાઇમ બ્રાંચના 'મહેમાન'

થોડા દિવસ પહેલા આ બધા પોતપોતાની મોજમાં હતાં...કાયદો તોડતાં 'લોકઅપ' જોવી પડી : રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં પાંચ, બોગસ બિલમાં બે અને ગેરકાયદેસર રીતે કોરોના પેશન્ટની સારવાર કરી ઇન્જેશન વેંચવામાં ત્રણ આરોપીની પુછતાછઃ એકને તો કોરોના લાગુ પડ્યો : બોગસ બિલીંગમાં બે એજન્સીના પરવાના રદઃ બીએચએમએસ ડોકટરનું લાયસન્સ રદ કરવા રિપોર્ટઃ તેના સહિત બે તથા ઇન્જેકશનના કાળા બજારમાં પકડાયેલા પાંચને કોર્ટહવાલે કરવા તજવીજ

રાજકોટ તા. ૧: કોરોનાની સારવારને લગતાં અલગ-અલગ ક્રાઇમ બદલ કુલ ૧૦ આરોપીઓ હાલમાં ક્રાઇમ બ્રાંચના 'મહેમાન' બન્યા છે. આ તમામની પોલીસ વિશીષ્ટ ઢબે પુછતાછ કરી હતી. તમામના રિમાન્ડ પણ મળ્યા હોઇ અગાઉ જાહેર થયેલી વિગતો સિવાયની નવી માહિતીઓ ઓકાવવા પ્રયાસો થયો છે. થોડા દિવસ પહેલા આ બધા પોતપોતાની રીતે મોજમાં હતાં. પણ લાલચને કારણે કાયદાનો ભંગ કરી બેસતાં લોકઅપની હવા ખાવાની વેળા આવી ગઇ હતી.

દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં રિમાન્ડ પર રહેલા પાંચ આરોપીઓની વિશેષ પુછતાછ યથાવત રાખવામાં આવી છે. આ દરમિયાન સિવિલના બ્રધર હિમત ચાવડા પાસેથી રોકડા રૂ. ૮૫૦૦ કબ્જે લેવાયા છે. જે તેણે ઇન્જેકશન વેંચીને મેળવ્યા હતાં. આ ઉપરાંત કોવિડના ઇન્જેકશનના વેદાંત અને શુભમ્ હોસ્પિટલના ખોટા બીલ બનાવનાર વેપારી અને એમ.આર.ના ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હોઇ વિશેષ પુછતાછ શરૂ થઇ છે. જ્યારે  બીએચએમએસ ડોકટરે નિયમ વિરૂધ્ધ કોરોનાની સારવાર કરી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કર્યા હોઇ તેના પણ રિમાન્ડ મળતાં તેની અને અન્ય કર્મચારીની પુછતાછ થઇ રહી છે. આ ગુનામાં એક આરોપી કોરોના પોઝિટિવ નીકળતાં દાખલ કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજારમાં દેવ્યાની જીતેન્દ્રભાઇ ચાવડા, વિશાલ ભુપતભાઇ ગોહેલ, અંકિત મનોજભાઇ રાઠોડ, જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ અને હિમત કાળુભાઇ ચાવડાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતાં. વિશેષ તપાસમાં હિમતે સિવિલમાંથી જે ઇન્જેકશન વેંચ્યા હતાં તેના થકી કમાયેલા રૂ. ૮૫૦૦ કબ્જે લેવાયા છે. આજે બપોરે આ પાંચેયના રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ છે.

જ્યારે વેદાંત અને શુભમ્ હોસ્પિટલના નામે કોવિડની સારવારના ૨૦૬ ઇન્જેકશનના ખોટા બીલ બનાવનાર થિઓસ ફાર્માસ્યુટિકલ પેઢીના સંચાલક સચીન હરેશભાઇ પટેલ (ઉ.વ.૩૦) તથા મવડી બાયપાસ સંસ્કાર એવન્યુ એ-૧૦૪માં રહેતાં ઝાયડસ કેડિલા કંપનીના સોૈરાષ્ટ્રના એમ. આર.  રજનીકાંત પરષોત્તમભાઇ ફળદુ (પટેલ) (ઉ.વ.૨૯)ની ધરપકડ કરવામાં આવી હતી. તેના પણ ત્રણ દિવસના રિમાન્ડ મળતાં તપાસ આગળ ધપાવાઇ છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ તપાસમાં જોડાઇ થિઓસ ફાર્માસ્યુટિકલ્સ તથા ન્યુ આઇડિયલ ફાર્માના પરવાના રદ કરવા કાર્યવાહી કરી છે.

નાણાવટી ચોકના શુભમ્ કલીનિકવાળા બીએચએમએસ ડો. દિપક ગઢીયા પોતે કોરોનાના દર્દીની સારવાર કરી શકે નહિ તેવું જાણવા છતાં કોવિડના દર્દીઓની સારવાર કરી વધુ ફી લીધી હોઇ તેમજ રેમડેસિવિર ઇન્જેકશનના પણ કાળાબજાર કર્યા હોઇ તેની તથા નિલકંઠ કોવિડના મેડિકલ સુપરવાઇઝર મુકેશ ભીખુભાઇ રાઠોડ અને મેડિકલ સ્ટોરના કર્મચારી પંકજ દોમડીયા સામે પણ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. કોવિડ ટેસ્ટ થતાં મુકેશ રાઠોડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને દાખલ કરાયો છે. ડો. ગઢીયા અને દોમડીયાના એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં. જે આજે પુરા થતાં હોઇ બંનેને કોર્ટ હવાલે કરવા તજવીજ થશે. આ ડોકટરનું લાયસન્સ રદ કરવા પણ પોલીસ રિપોર્ટ કરશે.

કોર્ટના આદેશ પહેલા જ ઇન્જેકશન સિવિલમાં જમા કરાવી દેવાયા

નોંધનીય છે કે સામાન્ય રીતે મુદ્દામાલ તરીકે ગુનાના કામે કબ્જે થયેલી કોઇપણ ચીજવસ્તુઓ કોર્ટના આદેશ બાદ જ મુકત કરવાની હોય છે. પરંતુ હાલમાં કોરોનાની સારવારના ઇન્જેકશનની શોર્ટેજ હોઇ આ કેસમાં કબ્જે થયેલા ઇન્જેકશન પોલીસ કમિશનરશ્રી અગ્રવાલના આદેશથી સિવિલ હોસ્પિટલમાં તુર્ત જ જમા કરાવી દેવામાં આવ્યા છે.

(12:58 pm IST)