Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી ઓટોપ્સી કોઇ તારણ નીકળ્યું નથીઃ ડો. કયાડાની સ્પષ્ટતા

કોરોનાથી જે દર્દીઓનું મૃત્યુ થાય તેમના સ્વજનો ઓટોપ્સી માટે મંજૂરી આપે તેવી વધુ એક વખત અપિલ

રાજકોટ તા. ૧ : રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડો. હેતલ કિયાડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે,રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી.

ફેફસાં પથ્થર જેવા થઇ જવા,લોહીની નળી જામી જવી,ફાઇબ્રસીસ થવું વગેરે જેવાં તારણો કોરોના દર્દીઓની ઓટોપ્સી કરવાથી બહાર આવ્યા હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયેલ છે,જે વજૂદ વગરના છે,કેમ કે હજુ તો કોરોના સંક્રમિત મૃતદેહોની ઓટોપ્સીની કામગીરી પ્રગતિ હેઠળ છે. એટલે ઓટોપ્સીના તારણો વિષે અત્યારે કંઇ પણ કહેવું ખૂબ વહેલું ગણાાશે. હાલ તો ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહયું છે.

આ સમયગાળા બાદ જ કોઇ નિષ્કર્ષ પર આવી શકાશે સંપૂર્ણ સંશોધન પુરૃં થયા બાદ જ તજજ્ઞ ડોકટર્સ કોરોના અંગેની સારવારમાં ઓટોપ્સીના અવલોકનમાંથી તારવેલા તથ્યો કોરોના સંક્રમિ દર્દીઓની સારવાર માટે સૂચવી શકશે.. ઓટોપ્સીના સંશોધનની સમાપ્તિ બાદ જ કોઇ તારણપર આવી શકાશે,તેમ ડો. કિયાડાએ વધુમાં જણાવ્યું હતું. તેમજ કોરોનાના દર્દીનું જો અવસાન થાય તો તેમના મૃતદેહને ઓટોપ્સી માટે સોંપવા સ્વજનો વધુને વધુ આગળ આવે તેવી વધુ એકવાર અપીલ કરવામાં આવી છે.

(1:42 pm IST)