Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પાનખરે વસંત જેવું મનોબળઃ ઢોલરા વૃધ્ધાશ્રમના છ વૃધ્ધા સહિત ૭ વડિલોએ હરાવ્યો કોરોનાને

રાજકોટ : 'મજબૂત રહીએ અને જરા પણ ડર્યા વગર સીધા જ હોસ્પિટલે પહોંચી જઈએ તો કોરોનાથી સાજા થઇ શકાય છે. અમે વૃદ્ઘાશ્રમના સાત વડીલો ૬૦થી ૭૦ વર્ષની ઉંમરના છીએ. કોરોના થયો અને સરકારી હોસ્પિટલમાં ઘર જેવી સેવા ચાકરી અને ઉત્ત્।મ સારવારના રાજીપા સાથે આજે અમારી સંસ્થામાં પરત ફરી રહ્યા છીએ. રાજકોટની સમરસ હોસ્ટેલ અમારા માટે દીકરાના ઘર સમાન છે.' આ શબ્દો છે ૬૮ વર્ષના વૃધ્ધા રસીલાબેન આડેસરાના ..આજે રાજકોટના સમરસ કોવીઙ કેર સેન્ટરમાં તબીબો અને નર્સ બહેનોએ સાત વડીલોને માતા-પિતાની જેમ સાચવીને સારવાર કરીને સંસ્થામાં જવા વિદાય આપી ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતા.

રાજકોટ નજીકના ઢોલરાના 'દીકરાનું ઘર' સંસ્થામાં ઘણા સમયથી રહેતા અમૃતલાલ અંબાસણા ઉ.વ.૭૦, હીરાબેન ગોરધનભાઈ ચોવટીયા ઉ.વ.૬૦, ઉજીબેન જાવિયા ઉંમર ૭૦, અનસુયાબેન મકવાણા ઉમર ૬૧, રસીલાબેન જાવિયા ઉમર ૬૮, પ્રભાબેન વાજીયા ઉમર ૬૩, અને ભાવનાબેન આડેસરા ઉ.વ. ૬૫ એક સાથે કોરોના સંક્રમિત થયા હતા. તેમને સંસ્થા દ્વારા શરદી તાવ હોવાથી જાગૃતિ દાખવી સીધા જ સરકારી દવાખાને તપાસ માટે લવાયા હતા. આ સાત વડીલોમાંથી અમૃતલાલ ભાઈને ડાયાબિટીસ અને બીપીની બીમારી તેમજ હીરાબેનને ડાયાબિટીસ અને અન્ય પાંચ વડીલોને ઉંમરને કારણે નાની મોટી તકલીફ છતાં સમયસર સારવાર, મજબૂત મનોબળ અને રોગ પ્રતિકારક શકિત વધારવા આયુર્વેદિક ઉપચાર સાથે અદ્યતન સારવાર મળી જતા,સાજા થઈ જતા આ તમામ વડીલોને આજે સમરસ હોસ્ટેલ કોવીડ કેર સેન્ટરના તબીબી સ્ટાફે પારિવારિક માહોલમાં રજા આપી હતી.

સમરસ હોસ્ટેલ કેર સેન્ટરના ડો. ગૌરવ ગોહિલ, ડો. મોહિની શાહ, ડો. રીધ્ધિ ગાજીપરા સહિતના તબીબોએ તેમજ નર્સિંગ સ્ટાફે વડીલોને સારવારમાં, શુશ્રુષામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે કાળજી લીધી હતી. આમ સમરસ હોસ્ટેલ રાજય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની મહેનતને લીધે કોરોના દર્દીઓ માટે સારવાર અર્થે આશીર્વાદ સમાન બની છે.

(1:45 pm IST)