Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અઢી લાખ લાભાર્થીઓને રૂ.૧૯.૭૨ કરોડની સહાયની ચુકવણી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજનાનો લાભ લ્યો : કેન્દ્ર દ્વારા લાભાર્થીને રૂ.૨૦૦ અને રાજય સરકાર દ્વારા રૂ. ૫૫૦ની સહાય ચુકવાય છે

રાજકોટઃ  ઉંમરની ઢળતી વેળાએ વૃધ્ધજનોને કોઈ પાસે હાથ લંબાવવો ન પડે તેવા શુભ આશયથી વૃધ્ધોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા 'ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના' અમલમાં છે. જે અન્વયે ભારત સરકાર દ્વારા રૂ. ૨૦૦ અને રાજય સરકાર દ્વારા રૂ. ૫૫૦ની સહાય સાથે લાભાર્થીને કુલ રૂપિયા ૭૫૦ની ઉચ્ચક સહાય ચુકવવામાં આવે છે.

નાયબ મામલતદારશ્રી જે.જે.પંડ્યાના જણાવ્યાનુસાર, રાજકોટ જિલ્લામાં ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના અન્વયે નાણાકીય વર્ષ-૨૦૧૯-૨૦૨૦માં કુલ ૨,૫૦,૦૨૮ લાભાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ૭૫૦ લેખે અને ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થીઓને ૧૦૦૦ રૂપિયા લેખે કુલ ૧૯,૭૨,૯૮,૯૦૦ની માતબર રકમની સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી છે.

  આ યોજનાનો લાભ મેળવવા માટે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સ્ત્રી કે પુરૂષ અરજદારો સંબંધિત મામલતદાર કચેરી કે તાલુકા મામલતદાર કચેરીમાંથી અરજી કરી શકે છે. તેમજ લાભ મેળવવા માટે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ શહેરી વિસ્તારમાં બી.પી.એલ. પ્રમાણપત્ર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રવર્તમાન બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોરમાં અરજદારનું નામ નોંધાયેલ હોવું જોઈએ. તેમ યાદીમાં જણાવાયું છે.

(2:39 pm IST)