Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કાલાવડ રોડ પર સુર્યોદય સોસાયટીમાં ત્રણ-ત્રણ કોવિડ હોસ્પીટલોથી રહેવાસીઓ પર જોખમઃ કલેકટરને વાંધા અરજી

રાજકોટ તા.૩૦ : શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ સુર્યોદય સોસાયટીની એકજ શેરીમાં ત્રણ-ત્રણ કોવિડ હોસ્પીટલો બનાવવાથી રહેવાસીઓ પર જોખમ હોવાની વાંધા અરજી ૮૦ થી વધુ લોકોએ સહી સાથે કલેકટરશ્રીને વાંધા અરજી કરી છે.

આ વાંધા અરજીમાં જણાવાયું છે કે સુર્યોદય સોસાયટી શેરી નં.૩માં રહેતા તમામ કુટુંબો ફેમિલીઓ તંત્રનો આભાર માનીએ છીએ કે હાલમાં વિશ્વ મહામારી રોગ કોવિડ ૧૯ માં આપની રાત-દિવસની ખુબજ મહેનતથી પ્રજાને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડેલ છે અને તંત્ર દ્વારા આપવામાં આવેલ માર્ગ દર્શન અમોનેખૂબજ ઉપયોગી થયેલ છે.

અમારી સોસાયટી આશરે રપ વર્ષથી બનેલ છે તથા તેમાં સૂર્યોદય સોસાયટી-શેરી નં.૩માં મધ્યમ કુટુંબીઓ રહીએ છીએ હાલમાં સોસાયટીમાં ૧ વર્ષથી માંડીને ૭૦ વર્ષ સુધીના સભ્યો રહે છે. આ શેરીમાં મંગલ મૂર્તિ ટેનામેન્ટ્સ કલરવ એપાર્ટમેન્ટ, આંગન એપાર્ટમેન્ટ સ્કુલ, અખંડ રામધુન પ્રેમ ભિક્ષુ મંદિર કેસરિયા મહાજન વાડી અને બોય હોસ્ટેલો આવેલ છે.

દરમિયાન સોસાયટીમાં આવેલ મંગલમ હોસ્પિટલને કોવિડ-૧૯ ફેરવેલ છે. તથા સોસાયટીમાં આવેલ એક બોય હોસ્ટેલને આયુષી કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફેરવેલ છે અને તદ્દ ઉપરાંત લોન્જ બોય હોસ્ટેલને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવે છે.

આમ સુર્યોદય સોસાયટીમાં રહેતા કુટુંબીનો કોઇપણ જાતનો વિચાર કર્યા વગર હોસ્ટેલોને કોવીડ-૧૯ની હોસ્પિટલમાં ફેરવેલ છે. આથી વિનંતી કરવાની કે અમારી શેરી નં.-૩માં હાલમાં ત્રણ-ત્રણ કોવિડ-૧૯ ની હોસ્પિટલને કારણે અહી રહેતા તમામ કુટુંબોના સભ્યોની જીંદગી જોખમમાં મુકાઇ છે.આથી યોગ્ય તપાસ કરાવીને અહી રહેતા કુટુંબોને બચાવવા વિનંતી છે.

દેશના દરેક નાગરિકને કોઇપણ જાતના ભેદભાવ વગર જે મદદ કરી છે જેની અમો આપની પ્રસંશા કરીએ તેટલી ઓછી છે તો આ બાબતને ધ્યાને લેશો અને અમો તમામ કુટુંબોને તંત્ર પર વિશ્વાસ છે. કે ઉપરોકત મુશ્કેલીને ગંભીરતાથી લઇ તંત્ર મદદ કરશે.

(3:22 pm IST)