Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

તમામ યાર્ડમાં શાંતિપૂર્ણ રજીસ્ટ્રેશન ચાલે છે : બપોરે ૨ સુધીમાં ૩૦૦નું રજીસ્ટ્રેશન : ખેડૂતોને ૮ દિ'ના ટોકન અપાયા

કોઇ કોઇ સ્થળે સર્વર ધીમુ થયાની ફરિયાદો છે : પણ એ ધસારો હોય સાંજ સુધીમાં સરખુ થશે : ગામડાઓનો પ્રશ્ન પણ સાંજ સુધીમાં ઉકેલાઇ જશે : હવે માત્ર ખેડૂતોએ ત્રણ ડોકયુમેન્ટ જ આપવાના :ખેડૂતો પાસેથી ૮ને બદલે ત્રણ ડોકયુમેન્ટ લેવા સરકારની સૂચના : તલાટીનો દાખલો - ગામ નમૂના નં. ૭ અને બેંક પાસબુકની ઝેરોક્ષ : ડીએસઓ પૂજા બાવડાની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૧ : આજથી રાજકોટ જિલ્લામાં મગયળીની ખરીદી અંગે રજીસ્ટ્રેશન શરૂ થયું તે અંગે બપોરે ૨ વાગ્યે 'અકિલા' સાથેની વાતચીતમાં ડીએસઓ શ્રી પૂજા બાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત દરેક ૧૧ યાર્ડમાં કામગીરી શાંતિપૂર્ણ ચાલી રહી છે, કોઇ ધમાલ કે દેકારો નથી, રાજકોટ જૂના યાર્ડમાં તો રાજકોટ - લોધીકા - પડધરી તાલુકાના ખેડૂતોનું સુપર વ્યવસ્થા સાથે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે, એસડીએમ પોતે સતત હાજર છે. તેમણે જણાવેલ કે કોઇ કોઇ સ્થળે એકીસાથે ધસારાને કારણે નેટધીમુ, સર્વર ધીમુ ચાલતુ હોવાની ફરિયાદો છે, પરંતુ તે પણ પ્રશ્ન સાંજ સુધીમાં ઉકેલાઇ જશે.

તેમણે જણાવેલ કે, રાજકોટ યાર્ડ સહિત દરેક તાલુકામાં ૧૧ યાર્ડમાં ટોકન સિસ્ટમ અપનાવી ખેડૂતોને ટોકન આપી દેવાયા છે, રાજકોટમાં તો ૮ દિવસના ટોકન ખેડૂતોને અપાયા છે, જેથી કરીને જે તે દિવસે ખેડૂતોને આવવાનું રહે અને ભીડ નો થાય, તેમણે ઉમેર્યું હતું કે, ટોકનની આ પ્રકારની સિસ્ટમ દરેક તાલુકામાં કરવા સૂચના અપાઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે, બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં ૧૧ યાર્ડમાં ૩૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, આ વખતે ખેડૂતો પાસેથી ૮ પ્રકારના નહિ પણ ૩ જ ડોકયુમેનટ લેવાની સૂચના અપાઇ હોય, ખેડૂતો પાસેથી તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમૂનો નંબર ૭ અને બેંક પાસબુકની ઝેરોક્ષ જ લેવાઇ રહી છે અને તે પ્રમાણે અપલોડ થઇ રહ્યું છે.

ગામડાઓમાં વીસીઇ મારફત રજીસ્ટ્રેશન અંગે તેમણે જણાવેલ કે, ઓપરેટરોનો પ્રશ્ન સાંજ સુધીમાં ઉકેલાઇ જશે, કાલથી બધુ સરખુ થઇ જશે.

(3:50 pm IST)