Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના સામે જંગ જીતવા મ.ન.પા. ઉંધા માથે : ૫૦ હરતા ફરતા દવાખાના કાર્યરત

ગઇ કાલે ૩૪૦ આશા બહેનો દ્વારા ૧૧ હજાર ઘરનાં ૪૪ હજાર લોકોનું હેલ્થ ચેક એપ કર્યું : સમરસ હોસ્ટેલ અને હોમ આઇસોલેશન દર્દીઓને વિનામૂલ્યે હોમિયોપેથી દવાની સુવિધા

રાજકોટ,તા. ૨: કોરોના વાઇરસ સામે લડવા શરીરની રોગ પ્રતિકારક શકિત વધારે હોવી ખુબ જ જરૂરી છે. માનવ શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ સેવા કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકાએ લોકોની સેવામાં ૫૦ ધનવંતરી રથ કાર્યરત કર્યા છે. લોકોને પોતાના ઘર આંગણે જ રોગ પ્રતિકારક શકિત વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ આ રથ દ્વારા જો કોઇ વ્યકિતને કોરોના વાઇરસના લક્ષણો જણાય તો તેની પ્રાથમિક નિદાન પ્રક્રિયા જેવી કે, ઓકિસજન ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ સ્થળ પર જ કરી આપવામાં આવે છે, અને જો જે-તે વ્યકિતને વધુ લક્ષણો જણાય તો વધુ સારવાર માટે રીફર પણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ તમામ સેવા સંપૂર્ણ ફ્રી છે, જેનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે તેવી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી છે.

મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૦ ધનવંતરી રથ સાથે ૩૪૦ આશા વર્કરો પણ લોકોના ઘરે ઘરે જઈને હેલ્થ ચેકઅપ કરે છે. શહેરમાં પોઝિટિવ નોધાયેલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યકિતઓના કોન્ટેકટ ટ્રેસિંગ કરી ત્યાં ધનવંતરી રથ દ્વારા હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવે છે, સંપર્કમાં આવેલ વ્યકિતનું નિયમિત ટેમ્પરેચર અને પલ્સ ચકાસણી કરવામાં આવે છે. નાગરિકો કોરોના સામે લડી શકે તે માટે રોગ પ્રતિકારક શકિત વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. ધનવંતરી રથ એક પ્રકારનું હરતું ફરતું દવાખાનું છે, જેમાં કોરોના અંગેના ટેસ્ટ પણ કરવામાં આવે છે અને વધુ ઉંમર લાયક લોકોનું ડાયાબીટીસ અને બ્લડ પ્રેસર પણ ચેકઅપ કરવામાં આવે છે.

દરેક રથમાં 'લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ' ઓડિયો કિલપ દ્વારા સંદેશો પ્રસાર કરવામાં આવે છે. મહાનગરપાલિકા ઓડિયો કિલપના માધ્યમથી લોકોને સંદેશો આપે છે કે, લોકોએ ગભરાવાની જરૂર નથી, મહાનગરપાલિકા આપની સાથે છે, કોરોના અંગેના પ્રાથમિક લક્ષણો જણાયે તુર્ત જ મહાનગરપાલિકાનો સંપર્ક કરો જેનાથી કોરોના ચેઈન તુટશે અને કોરોનાનું સંક્રમણ અટકશે.

૩૪૦ આશા વર્કરો દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર ના રોજ ૧૧૩૭૩ ઘરના ૪૩૯૦૪ વ્યકિતઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ ૫૦ ધનવંતરી રથ ૨૧૫૫૮ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી ૬ લોકોને લક્ષણો જણાતા રીફર કરવામાં આવ્યા હતા. ચકાસણી દરમ્યાન ૭૦૯ વ્યકિતઓના સેમ્પલ લેવામાં આવેલ હતા. રોગ પ્રતિકારક શકિત વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનો ૧૩૫૭૦ લોકોએ અને આયુર્વેદિક દવાનો ૧૦૮૬ લોકોએ લાભ લીધો હતો.

વિનામૂલ્યે હોમિયોપેથી દવાની સુવિધા

વર્તમાન કોરોના મહામારીના સમયમાંઙ્ગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી અનેકવિધ કામગીરીમાં કોરોનાના સામાન્ય લક્ષણને પગલે સમરસ હોસ્ટેલમાં તથા હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને હવે વિનામુલ્યે હોમિયોપેથિક દવાઓ આપવાનું શરૂ કરવામાં આવેલ છે.

'દિવ્ય જીવન સંઘ', રાજકોટના ડો. એન.જે.મેઘાણીએ આગળ આવીને રાજકોટ મહાનગરપાલિકા સાથે હાથ મિલાવી કોરોના સામેના વર્તમાન જંગમાં જાહેર સ્વાસ્થ્યના હિતમાં પોતાનું યોગદાન આપવાની ઉમદા પહેલ કરી છે. ડો. મેઘાણીની આ પહેલને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મુકત કંઠે બિરદાવી છે.

(4:04 pm IST)