Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

૧૩ દિ' પહેલા બાઇક સ્લીપ થતાં ઘાયલ થયેલા જંગલેશ્વરના આફતાબ દલનું મોત

વરસાદમાં અકસ્માત નડ્યો'તોઃ કારખાનામાં મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતોઃ આધારસ્તંભના મોતથી માતમ

રાજકોટ તા. ૨: તેર દિવસ પર ચાલુ વરસાદમાં ગોંડલ રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં જંગલેશ્વર-૧૩ના આફતાબ અશરફભાઇ દલ (ઉ.વ.૧૭)ને માથામાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. અહિ ગત સાંજે તેણે દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

આફતાબ કારખાનામાં મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. તેના પિતા પણ કારખાનામાં મજૂરી કરે છે. પરિવારજનોએ ઘરની આર્થિક પરિસ્થિતિ એકદમ નબળી હોઇ છતા લાડકવાયાને બચાવવા ઘરમાં રહેલા દાગીના વેંચ્યા હતાં અને સગા સંબંધીઓ પાસેથી હાથઉછીના પૈસા લઇ પ્રયાસો કર્યા હતાં. પરંતુ આફતાબે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ મારફત ભકિતનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ ધાંધલ્યા અને મયુરસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:59 pm IST)