Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વેપારી એસોસિએશનને કોરોનાથી બચવા અને તકેદારીના પગલા માટે અપાયું માર્ગદર્શન

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લાના અધિક કલેકટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસીએશનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સ્કુટર પાર્ટ ડીલર એસોસીએશન, મેનેજમેન્ટ એસોસીએશન, ટેકસ કન્સલટન્ટ સોસાયટી, હોલસેલ ટેકસ્ટાઈલ મર્ચન્ટ એસોસીએશન, બેકરી એસોસીએશન, ટુલ્સ ડીલર એસોસીએશન, સૌરાષ્ટ્ર ગોળ મર્ચન્ટ એસોસીએશન સહિતના હોદ્દેદારોને કોરોનાથી બચવા માટેના જરૂરી ઉપાયો જેમ કે, માસ્ક પહેરવાની પધ્ધતિ, સાબુથી હાથ ધોવાની પધ્ધતિ, હાથ સેનેટાઈઝ કરવાની પધ્ધતિ વગેરે બાબતોનો વીડિયો અને પત્રિકાઓ બતાવીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ તકે અધિક કલેકટરશ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, દરેક દુકાનો-ગોડાઉન-ઓફિસમાં કામ કરતાં કામદારો, ઓફિસ સ્ટાફ, માલિકો વગેરેએ ખાસ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર સેનેટાઈઝ અને સાબુથી હાથ ધોવે તે સુનિશ્યિત કરવું. આ ઉપરાંત દરેકનું દૈનિક ધોરણે થર્મલ ગનથી ટેમ્પરેચરની અને પલ્સ ઓકિસમીટરથી ઓકિસજન લેવલની તપાસ કરવાની રહેશે. જો ઓકિસજન લેવલ ૯૫ થી ઓછું આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રોએ તપાસ અર્થે મોકલવાના રહેશે. 

આ તકે આરોગ્ય વિભાગના જિલ્લા કવોલિટી મેડીકલ ઓફિસર ડો.પી.કે.સિંગે જણાવ્યું હતું કે, સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝર (એસ.એમ.એસ.) બધાએ યાદ રાખવું જોઇએ. તેમજ ઉપસ્થિત સૌ સભ્યોને હેન્ડ સેનેટાઈઝેશન અંગે ડેમોન્સ્ટ્રેશન આપી કોરોના અંગે સાચી જાણકારી આપીને લોકોમાં કોરોના અંગે વ્યાપ્ત ભય દૂર કરવા અનુરોધ કર્યો હતો.

(1:24 pm IST)