Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના સે ઝુકેંગે નહીં... રૂકેંગે નહી : 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નું સૂત્ર સાર્થક કરતા વિજયભાઇ રૂપાણીનું આહ્વાન

રાજ્યના ૧૦૦૧ આંગણવાડી લગત ભવનોનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

રાજ્યમાં ૧૦૦૧ જેટલા આંગણવાડી ભવનોનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ થયું તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજરોજ ગુજરાતભરમાં ૮૩૫ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફીસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન તથા NITA (નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લીકેશન)નું લોન્ચિંગ, જીલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨-ઓકટોબર રાષ્ટ્રીય સ્વછતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, ૨ જી ઓકટોબર સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધી જન્મજયંતી પ્રસંગે ઉજવીએ છીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને 'રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ગાંધીજી કહેતા કે, જો આઝાદી અને સ્વચ્છતા એ બે માંથી જો કોઈની પ્રથમ પસંદગી કરવાની થાય તો હું સ્વચ્છતાને પ્રથમ પસંદ કરીશ. તેઓ કહેતા કે, સ્વચ્છતામાં ઈશ્વરનો વાસ છે અને ઈશ્વર એટલે કલ્યાણ. સ્વચ્છતામાં જ સર્વનું કલ્યાણ રહેલું છે. ભારત દેશએ ગરીબ, ભિખારીઓ અને ગંદકીથી ભરેલો દેશ નહિ પરંતુ, સુખી સંપન્ન લોકોનો સ્વચ્છ દેશ છે. વડાપ્રધાનશ્રીએ આંગણવાડીના બાળકોને કાનુડાની ઉપમા આપી છે અને તેની સારસંભાળ લેનાર બહેનોને માતા યશોદા કહેલ છે. આજે આપણે તેમનું સન્માન કરવાના છીએ. સમગ્ર વિશ્વ જયારે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે આપણે તેનાથી ડરતા નથી પરંતુ, જીવને કેમ બચાવી શકાય તેવી વ્યવસ્થા સ્થાપી રહ્યા છીએ. હાલ, કોરોના મહામારી સામે ગુજરાતનો રિકવરી રેઈટ ૬૮્રુ થી વધારે અને મૃત્યુ દર ૨.૫% જેટલો નીચો છે. 'કોરોના સે ઝુકેંગે નહિ, રૂકેંગે નહિ.' વિકાસની હરણફાળને આ કોરોનાના સમયમાં પણ અવિરત આગળ વધારી રહ્યા છીએ.

સરકાર દ્વારા આજે NITA લોન્ચ કરવામાં આવી છે. તેનાથી રાજયભરની આંગણવાડીઓનું મોનીટરીંગ ખુબ સારી રીતે થશે સાથોસાથ આ આંગણવાડીને લગતી જરૂરી વિગતો પણ સહેલીથી ઉપલબ્ધ બનશે. આ આંગણવાડીબહેનોને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. તેઓ કાયમ 'ફ્રન્ટ લાઈન વોરિયર્સ' રહી છે.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવેલ કે, પૂજય બાપુની ૧૫૧ની જન્મજયંતી આખું વિશ્વ માનવી રહ્યું છે ત્યારે આજે પૂજય બાપુની ધરતી ઉપરથી આપ સૌને શુભકામના પાઠવું છું. પૂજય બાપુ કહેતા હતા કે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' સ્વચ્છતા એ સ્વત્રંત જેટલી જ મહત્વની છે. ત્યારે પૂજય બાપુના સ્વચ્છતાના મંત્રને ગુજરાત રાજયના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન મારફતે સામાજિક વ્યાપક અભિયાનનું સ્વરૂપ આપ્યું છે અને તેઓ દ્વારા ૨ જી ઓકટોબરને 'રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ' તરીકે વર્ષ ૨૦૧૪માં જાહેર કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં આ વિરાટ અભિયાન સાકાર બન્યું છે.

આ કાર્યક્રમમાં મેયર બિનાબેન આચાર્ય અને સ્ટે. કમિટિ ચેરમેન ઉદય કાનગડે સરકારના વિવિધ કાર્યોની માહિતી આપી હતી.

રાજય કક્ષાના આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે સ્વાગત પ્રવચન મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ મનીષા ચંદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે આભાર દર્શન ICDS વિભાગના નિયામક અશોક શર્માએ કરેલ હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને પોષણ અંગેના શપથ લેવડાવવામાં આવેલ.

રાજકોટ ખાતે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતું. જયારે પ્રાસંગિક ઉદબોધન જીલ્લા વિકાસ અધિકારી અને ઇ.ચા કલેકટર અનિલ રાણાવસિયાએ કરેલ હતું.

ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે બહેનોને કીટ વિતરણ તથા સહભાગી પ્રમાણપત્ર વિતરણ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ તથા પુરસ્કારના ચેક અર્પણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉદઘાટક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, શહેરના ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજના કમિટીના ચેરમેન રૂપાબેન શીલુ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરો દેવુબેન જાદવ, દુર્ગાબા જાડેજા, વિજયાબેન વાછાણી, નીતિનભાઈ રામાણી, પ્રીતીબેન પનારા, હિરલબેન મહેતા, ડો. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, દેવરાજભાઈ મકવાણા, અશ્વિનભાઈ ભોરણીયા, અનીતાબેન ગોસ્વામી, શિલ્પાબેન જાવિયા, જયાબેન ડાંગર, જયોત્સનાબેન ટીલાળા, મનીષભાઈ રાડીયા, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા તથા સ્થાનિક હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:54 pm IST)