Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મ.ન.પા.ને વ્યવસાય વેરામાં ૧૧.૧૫ કરોડનું ગાબડુ

૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ૨૨ હજાર વ્યવસાય ધારકોએ રૂ. ૯.૮૨ કરોડ જમા કરાવ્યા : ગત વર્ષે આ સમયમાં ૧૬ હજાર ધંધાર્થીઓએ રૂ. ૨૦.૯૭ કરોડ તીજોરીમાં ઠાલવ્યા હતા

રાજકોટ તા. ૨ : મ્યુનિ. કોર્પોરેશનને વ્યવસાય વેરામાં આ વર્ષે એટલે કે ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦માં ૨૨ હજાર વ્યવસાય ધારકોએ રૂપિયા ૯.૮૨ કરોડની આવક થવા પામી હતી. ગત વર્ષે એટલે કે ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૧૬ હજાર ધંધાર્થીઓએ રૂ. ૨૦.૯૭ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવ્યા હતા. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં વ્યાજ માફી આપવામાં આવતા અને લોકડાઉનના કારણે આ વર્ષે તંત્રને રૂ. ૧૧.૧૫ કરોડની ઓછી આવક થઇ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વેરા શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કરોડોનો વ્યવસાય વેરો વસુલવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં ૨૨ હજાર વ્યવસાય ધારકોએ કુલ ૯.૮૨ કરોડનો વેરો ભરી દીધો છે. આ ઉપરાંત વ્યવસાય વેરા વિભાગ દ્વારા પણ બાકીદારોને નોટીસો આપવાનું શરૂ કરી દીધું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૯.૮૨ કરોડનો વ્યવસાય વેરો વ્યવસાયિકોએ ભરી દીધો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૧.૧૫ કરોડની ઘટ જોવા મળી હતી. ગત વર્ષે ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૧૬ હજાર ધંધાર્થીઓએ રૂ. ૨૦.૯૭ કરોડ જમા કરાવ્યા હતા. મ.ન.પા.ને વ્યવસાય વેરાની ગત ૨૦૧૯-૨૦ના વર્ષના ૯.૭૧ કરોડની આવક થવા પામી હતી.

(3:56 pm IST)