Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પિસ્તોલ-તમંચા-કાર્ટીસ સાથે બે શખ્સને દબોચતી ક્રાઇમ બ્રાંચઃ ૧૦ દિવસમાં ૦૫ હથીયાર પકડ્યા

દૂધની ડેરી પાસે ભગવતી સોસાયટીમાં રહેતાં રહિમ સાંધને પિસ્તોલ-કાર્ટીસ સાથે કોઠારીયા સોલવન્ટ પાસેથી અને કુચીયાદડના વિનોદ ઉર્ફ ટીનો ઝાપડીયાને તેના ગામના બસ સ્ટેશન પાસેથી તમંચા સાથે પકડાયો : એસીપી ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીઃ પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમઃ મયુરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા, અમિતભાઇ, નગીનભાઇની બાતમી

રાજકોટ તા. ૩: શહેર ક્રાઇમ બ્રાંચે છેલ્લા બાર કલાકમાં ગેરકાયદે હથીયાર દેશી પિસ્તોલ-તમંચા-કાર્ટીસ સાથે રાજકોટ અને કુચીયાદડના બે શખ્સને પકડી લીધા છે. આ બંને અગાઉ અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. આ સાથે ક્રાઇમ બ્રાંચે ૧૦ દિવસમાં પાંચ ગેરકાયદે હથીયારો અને કાર્ટીસ કબ્જે કર્યા છે.

મિલ્કત તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને ગેરકાયદે હથીયારો શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમો પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે દૂધની ડેરી પાસે સિદ્દીકી મસ્જીદ પાસે ભગવતી સોસાયટી-૪માં રહેતો રહિમ સિદ્દીકભાઇ સાંધ (સંધી) (ઉ.વ.૩૯) કોઠારીયા સોલવન્ટ રસુલપરા શકિત સોસાયટી નજીક આવેલા ડેલા પાસે ગેરકાયદે હથીયાર સાથે ઉભો છે. આ માહિતી પરથી પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે ત્યાં પહોચી હતી અને રહિમને સકંજામાં લઇ તલાશી લેતાં નેફામાંથી દેશી બનાવટની પિસ્તોલ અને ૩ જીવતા કાર્ટીસ મળતાં ધરપકડ કરાઇ હતી.

આ શખ્સ હોટેલમાં પણ કામ કરે છે. તેને અગાઉ મારામારી થઇ હોઇ અને અનેક લોકો સાથે દુશ્મની ચાલતી હોઇ પિસ્તોલ સાથે રાખ્યાનું તે કહે છે. આ શખ્સ અગાઉ બી-ડિવીઝનમાં લૂંટ-મારામારી અને ધમકીના બે ગુના, લૂંટનો અન્ય એક ગુનો, જુનાગઢ સીટીમાં હથીયારનો ગુનો અને થોરાળામાં મારામારીમાં સંડોવાયો હતો. બી-ડિવીઝન પોલીસે પાસા પણ કર્યા હતાં.

જ્યારે બીજા દરોડામાં કુચીયાદડમાં રહેતો મુળ ગારીડાનો શખ્સ વિનોદ ઉર્ફ ટીનો વશરામભાઇ ઝાપડીયા (કોળી) (ઉ.વ.૨૭) પણ દેશી તમંચો સાથે રાખતો હોવાની બાતમી મળતાં તેને તેના ગામના બસ સ્ટેશન પાસેથી પકડી લેવાયો હતો. ૧૦ હજારનો તમંચો તેની પાસેથી કબ્જે લેવાયો હતો. તેને ગામમાં ઝઘડો થયો હોઇ તેમજ શોખ હોઇ તમંચો સાથે રાખતો હોવાનું રટણ કરે છે. અગાઉ કુવાડવા જીઆઇડીસીની ચોરીમાં પણ તે સંડોવાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ કામગીરી પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરી સહિતે કરી હતી. બાતમી મયુરભાઇ પાલરીયા, કુલદીપસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત અને નગીનભાઇને મળી હતી.

નોંધનીય છે કે છેલ્લા દસ દિવસમાં ક્રાઇમ બ્રાંચે ૪ પિસ્તોલ, ૧ રિવોલ્વર, ૧ પિસ્તોલનું મેગ્જીન અને અલગ-અલગ ૧૭ કાર્ટીસ સાથે રૂ. ૧,૦૧,૭૫૦ના હથીયારો સાથે પાંચ શખ્સોને પકડ્યા છે.  જેમાં મુળ અમરેલી નાના લીલીયાના ચંપુ બાબાબાભાઇ વીછીયાને પિસ્તોલ, રિવોલ્વર કાર્ટીસ સાથે, પોપટપરાના ભરત રઘુભાઇ કુગશીયાને પિસ્તોલ-મેગ્ઝીન સાથે, વિનાયક વાટીકાના રામદેવ લક્ષમણભાઇ ડાંગરને જીવતા ૦૮ કાર્ટીસ અને એક પિસ્તોલ સાથે અગાઉ પકડી લેવાયા હતાં. હવે છેલ્લા બાર કલાકમાં વધુ બે શખ્સને બે હથીયાર-કાર્ટીસ સાથે પકડવામાં આવ્યા છે.

(2:49 pm IST)