Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આટકોટના ખુની હુમલાના કેસમાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૪: આટકોટ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહીતની કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪ તથા જી.પી.એકટ ૧૩૮ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા આરોપીને જસદણ જ્યુ. મેજી સમક્ષ કરતા રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીની ફરીયાદી સંબંધેની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી કાળુભાઇ જળુભાઇ વાઘેલાની દીકરી જ્યોત્સનાબેનના કે જેતા લગ્ન આશરે ૧૩ વર્ષ પહેલા વિંછીયા તાલુકાના ખારચીયા ગામ ખાતે રહેતા કાળુભાઇ ભનાભાઇ સાઢમીયા સાથે થયેલ હતા અને જે લગ્ન જીવનથી તેમને કુલ ત્રણ સંતાનો હતા. અને બનાવથી આશરે ચાર વર્ષ પહેલા ફરીયાદીના જમાઇનું અવસાન થઇ ગયેલ હોય જ્યોત્સનાબેન ફરીયાદી સાથે આટકોટ મુકામે જ રહેતા હતા.

ગત તા. ૧૬/૨/૨૦૨૧ના રોજ ફરીયાદીની દીકરી સાંજના સમયે કોઇને કાઇ કહ્યા વગર કમળાપુરના સંજય ભુંગરા કે જે હાલ ધારાઇ રહે છે તેની પાસે જતી રહેલ હતી. ત્યારે ફરીયાદી દ્વારા તેમની દીકરી જયોત્સનાને સમજાવી ધારાઇ મુકામેથી પોતાના ઘરે આટકોટ મુકામે લઇ આવેલ હતા અને ત્યાં પોતાના પરીવાર તેમજ સગાસંબંધીઓ સાથે ઘરમાં બેઠેલ હતા અને સાંજનો સમય હતો તે દરમિયાન ફરીયાદીનો દીકરો અશોક કાળુભાઇ વાઘેલા બહારથી આવેલ અને જ્યોત્સનાબેનના વાળ પકડી ગાળો આપી માર મારવા લાગેલ અને આરોપીએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીના ઘા જયોત્સનાબેનને મારતા ત્યાં હાજર લોકોએ વચમાં પડી જ્યોત્સનાબેનને છોડાવેલ હતા અને ફરીયાદોનો દીકરો અશોક ત્યાંથી ભાગી ગયેલ અને ફરીયાદીની દીકરી જયોત્સનાબેનને પેટની ડાબી બાજુમાં છરીના ઘા લાગેલ હોય અને લોહી નીકળતુ હોય તેને જસદણ દવાખાને લઇ ગયેલ હતા ત્યાં ડોકટરશ્રીએ તપાસ કરી ઇજા પામનારને રાજકોટ લઇ જવા જણાવેલ હતુ અને ફરીયાદી તેમની દીકરીને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે રાજકોટ મુકામે લઇ આવેલ હતા. અને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ હતા. જે મતલબની ફરીયાદ નોંધાતા આરોપી અશોક કાળુભાઇ વાઘેલાની અટક થયેલ હતી.

ત્યારબાદ આરોપીને જસદણના ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં રજુ કરતા કોર્ટ સમક્ષ આરોપીએ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત થવા માટે અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી રણજીત એમ. પટગીર તેમજ સાહિસ્તાબેન એસ.ખોખર રોકાયેલ હતા.

(4:33 pm IST)