Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સિવિલના કોવિડ સેન્ટરમાં ૪ 'રોબોટ નર્સ' ફરજ પર

દર્દીઓને ખોરાક-દવા આપવા ઉપરાંત તાપમાન માપવાનું કામ પણ કરશેઃ ગુજરાત સીએસઆર ઓથોરિટી અંતર્ગત સુવિધા મળી : 'સોના' નામના બે રોબોટ સર્વિસના કામમાં અને બે કોવિડ-૧૯ રોબોટ દર્દીઓની ચકાસણીનું કામ કરશેઃ કોવિડમાં સતત અથાક ફરજ બજાવતાં તબિબો તેમજ નર્સિંગ સ્ટાફને ખુબ જ સહાયરૂપ બનશે આ રોબોટઃ કલેકટર રેમ્યા મોહન

ચાર રોબોટ નર્સ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં તબિબો અને નર્સિંગ સ્ટાફને મદદરૂપ થશે. આ ચાર રોબોટીક નર્સ તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૪: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવે રોબોટ નર્સ પણ સેવા આપશે. દર્દીઓને ભોજન આપવું,  દવા આપવી, સ્ક્રીનીંગ કરવું સહિતના પ્રાથમિક કામોમાં આ રોબોટ નર્સ તબિબો અને નર્સિંગ સ્ટાફને ખુબ મદદરૂપ થશે. કોવિડ-૧૯ના સમયમાં સિવિલ હોસ્પિટલમાં આવી ૪ રોબોટ નર્સની સુવિધા ગુજરાત સરકારની સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી) ઓથોરીટી દ્વારા પુરી પાડવામાં આવી છે. સીએસઆર સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.

ગુજરાત સીએસઆર સંસ્થાનો ઉદ્દેશ રાજ્યમાં સીએસઆર ફંડનું નિયમન અને સંયોજન, દેખરેખ તથા વિભીન્ન સીએસઆર કાર્યોનું ધ્યાન રાખવાનો છે. જીસીએસઆર  એ કંપનીઓ અને જાહેર સાહસોને સીએસઆર અંગેના વાર્ષિક પ્લાન અને કાર્યપધ્ધતિ બનાવવામાં મદદરૂપ થાય છે. તેમજ કંપની અને સરકારી એજન્સી વચ્ચે પ્લેટફોર્મ બનીને પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત સીએસઆર અંગેની તાલિમ પણ તે આપે છે. 

વિશ્વ આખુ હાલ  કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે અને ડોકટરો તથા તેમનો સ્ટાફ આપણને રક્ષણ આપવા અથાક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સીએસઆર ઓથોરિટીએ રાજકોટની સિવિલ હોસ્પિટલને ૪ રોબોટીક નર્સ સોંપવાનું આયોજન કર્યુ છે. જે મુજબ આજે આ ૪ રોબોટ નર્સ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામં આવી છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોઇ તબિબો અને નર્સિંગ સ્ટાફ પર સતત ચોવીસ કલાક કામનું ભારણ રહેતું હોઇ આ તમામની સહાય માટે ૪ રોબોટ નર્સની સુવિધા સિવિલ હોસ્પિટલને ખરા અર્થમાં ખુબ મદદરૂપ થઇ શકે તેમ છે.

આ ચાર રોબોટ નર્સના આગમનથી કોવિડ કેર સેન્ટરના તબિબો અને નર્સિંગ સ્ટાફને પોતાના પ્રાથમિક કામોમાં રોબોટ દ્વારા ખુબ મદદ મળી રહેશે. જે ચાર રોબોટ નર્સ સિવિલ કોવિડ સેન્ટરને ફાળવવામાં આવી છે તેમાં બે રોબોટ સોના-૨.૫ અને સોના ૧.૫ ખોરાક, દવા આપવા સહિતની કામગીરી સંભાળશે. તેમજ અન્ય બે રોબોટ નર્સના નામ કોવિડ-૧૯ સ્ક્રીનીંગ મોડ્યુલ ઇન્ટિગ્રેશન છે, જેનું કામ ચેપ પકડવાનું છે. એટલે કે આ બે રોબોટ દર્દીનું સ્ક્રીનીંગ કરશે, તાપમાન માપશે અને એ સહિતની આરોગ્યને લગતી પ્રાથમિક કામગીરી કરશે.

આ સમગ્ર પ્રોજેકટની કલ્પના અને દેખરેખ ગુજરાત સીએસઆર ઓથોરિટી (જીસીએસઆરએ) કરે છે. આ પ્રોજેકટ માટેની તમામ આર્થિક સહાય એલએન્ડટી કંપની તરફથી મળી છે. કલેકટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે રોબોટ નર્સના આગમનથી કોવિડના સ્ટાફને કામના ભારણમાં ઘણી રાહત મળી શકશે. ગુજરાતમાં પ્રથમ વખત આવી સુવિધા રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરને મળી છે.

આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સતત પાંચ દિવસથી રાજકોટમાં છે અને કોરોના સંક્રમણ ઘટાડવા માટેના તમામ પ્રયાસો અલગ-અલગ તંત્રો સાથે મળીને કરી રહ્યા છે. કોવિડમાં સ્ટાફને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ તેમણે વિગતો મેળવી હતી. એ દરમિયાન સ્ટાફને મદદરૂપ થવા ૪ રોબોટ નર્સની સુવિધા ઉપલબ્ધ થઇ છે.  આજે તેમના હસ્તે રોબોટ નર્સની અર્પણવિધી થવાની હોવાનું જાણવા મળ્યું છે.

(3:11 pm IST)