Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કાગદડીમાં કરીયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ યુનુસ અને સલીમ પકડાયા

કુવાડવા રોડ પોલીસે બંનેને બેડી ગામ પાસેથી ઝડપી લીધા

રાજકોટ તા. ૪ :.. કાગદડી ગામમાં કરિયાણાની દુકાનમાં ત્રણ દિવસ પહેલા થયેલી ચોરીનો કુવાડવા રોડ પોલીસે ભેદ ઉકેલી બે શખ્સોને બેડી ચોકડી પાસેથી પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એસ. આર. ટંડેલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ. સી. વાળના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. પી. મેધલાતર, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. અરવિંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ,  વિરદેવસિંહ, સતીષભાઇ, દેવેન્દ્રસિંહ તથા  મુકેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ હિતેન્દ્રસિંહ, વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે બેડીગામ પાસેથી જીજે-૩-એલપી-૧૬૮૭ નંબરના એકટીવા પર પસાર થતા બે શખ્સોને શંકાના આધારે રોકી એકટીવાના કાગળો લાયસન્સ અને નામ પુછતા બંનેએ પોતાના નામ યુનુસ ઇલ્યાસભાઇ અંબારી (ઉ.૩૪) (રહે. ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટી શેરી નં. ૪) તથા સલીમ ગજુમીયા સૈયદ (ઉ.પ૩) (રહે. નાગલપર કલરવ પાર્ક સોસાયટી બ્લોક નં. ૬૬) આપ્યા હતાં. પોલીસે બંનેની તલાસી લેતા યુનુસ પાસેથી પાંચ હજાર અને સલીમ પાસે પાંચ હજાર મળી આવતા પુછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતાં. બાદ બંનેની આંકરી પુછપરછ કરતા બંનેએ તા. ર૪-૧૧ ના રોજ કાગદડી ગામમાં આવેલી શ્રીરામ પ્રોવીઝન સ્ટોર દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી હતી.

(3:47 pm IST)