Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જિલ્લા પંચાયત શાસક પાંખ અને સંગઠન વચ્ચે સુમેળ : ખાટરિયા કોટડાથી ઝંપલાવશે

ચૂંટણી નજીક આવતા બંને જુથોને પાર્ટીનું હિત યાદ આવ્યું !

રાજકોટ તા. ૬ : કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના શાસક જુથ અને સંગઠન પાંખ વચ્ચે ગઇકાલે સુમેળ થઇ ગયાના વાવડ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા તથા જિલ્લા પંચાયતનો હવાલો સંભાળી રહેલા પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા વચ્ચે પાર્ટીના અમુક આગેવાનોએ ગઇકાલે પ્રમુખના બંગલે બેઠક કરાવેલ. જેમાં બંને જુથ તરફની પેટછૂટી વાતો બાદ પાર્ટીના હિતમાં સમાધાનનો સૂર નીકળેલ. બંને આગેવાનો વચ્ચે રાજકીય સબંધો લાંબા સમયથી વણસેલા હતા તે જગજાહેર છે.

જાણવા મળ્યા મુજબ હિતેષ વોરા જિલ્લા પંચાયતની શાપર - વેરાવળ બેઠકની જવાબદારી સંભાળશે. જ્યારે અર્જુન ખાટરિયા કોટડાસાંગાણી બેઠક પરથી ચૂંટણી લડશે. અન્ય અમૂક બેઠકો બાબતે પણ ચર્ચા થઇ હતી. જિલ્લા પ્રમુખે કોટડામાં પસંદગીના ઉમેદવારનો આગ્રહ જતો કરી પાર્ટી ખાટરિયાને લડાવે તો સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. બંને જુથ એકબીજાને સહયોગી બને તેવું નક્કી થયું છે. સુમેળનું ભવિષ્ય કેવું છે ? તે ટુંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.

(12:48 pm IST)