Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રાજકોટના સ્ટાર્ટ અપ મેઇલર ટેક એલએલપી (કેનેરી મેલ)ને સાઇબર સીકયુરિટી કેટેગરીમાં રનર્સ અપ એવોર્ડ એનાયત કરાયો

ભારતના વાણીજય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ગઈકાલે નેશનલ સ્ટાર્ટ અપ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૦ અંતર્ગત એવોર્ડના વિજેતાઓની ઘોષણા કરાઇ : મેઇલર ટેક એલએલપી (કેનેરી મેલ) એ સૌરાષ્ટ્રભરથી એવોર્ડ મેળવનાર એકમાત્ર સ્ટાર્ટ અપ છે

રાજકોટ, તા.૭: ભારતના વાણીજય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા તા. ૬ ઓકટોબર ૨૦૨૦ના રોજ નેશનલ સ્ટાર્ટ અપ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૦ ના વિજેતાઓની ઘોષણા કરવામાં આવી, જેમા દેશભરમાંથી કુલ ૧૬૪૧ અને ગુજરાતમાંથી ૯૩ સ્ટાર્ટ અપ્સ દ્વારા દાવેદારી કરવામાં આવી હતી, જેમા રાજકોટની મેઇલર ટેક એલએલપી (કેનેરી મેલ)ને સીકયુરિટી કેટેગરીમાં રનર્સ અપ એવોર્ડ હાંસલ થતા, રાજકોટનું નામ રોશન કર્યું છે. આ ખુબ પ્રતિષ્ઠાદાયક એવોર્ડ ૧૨ મુખ્ય કેટેગરી અને ૩ સ્પેશ્યલ કેટેગરીના સ્ટાર્ટ અપને આપવામાં આવે છે, જેમા  સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર મેઇલર ટેક એલએલપીની પસંદગી થવી એ ગૌરવની બાબત છે.

રાજકોટ સ્થીત મેઇલર ટેક એલએલપી દ્વારા નિર્મીત કેનેરી મેલ એ એક કમ્પ્યુટર અને મોબાઇલ એપ છે, જેના દુનિયાભરમાં ચાહકો અને પ્રસંશકો છે. કેનેરી મેલ કોઇપણ ઇમેલ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતા ફિચર્સ કે સુવિધાઓ અને યુઝર્સ એકસ્પીરીયન્સ સાથે સમાધાન કર્યા વિના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે. એન્ક્રિપ્શન અર્થાત માહિતી અથવા ડેટાને કોડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે, જેને ખાસ કરીને અનધિકૃત રીતે વાંચવા કે મેળવનારને રોકવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે. કેનેરી દરેક પ્રકારના વપરાશમાં રહેલા ઇમેલ એકાઉન્ટ, જેમકે જીમેલ, યાહુ, આઉટલુક વગેરે સાથે ઉપયોગમાં લઈ શકાય છે, તેના માટે વપરાશકર્તાએ ઇમેલ પ્રોવાઇડર બદલાવાની જરુર રહેતી નથી. જયારે કોઇ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે, ત્યારે ઇમેલ મોકલનાર અને મેળવનાર સીવાય અન્ય કોઇ આ ઇમેલ વાંચી શકતા નથી, ત્યાં સુધી કે જે-તે ઇમેલ પ્રોવાઇડર પણ નહી. આ સુવિધા કેનેરી મેલને અદ્વિતીય બનાવે છે, અને તે Mac OS અને iOS ઉપકરણો પરના બધા ઇમેઇલ પ્રોવાઇડર માટે સરળ એન્ક્રિપ્શન પ્રદાન કરતી વિશ્વની એકમાત્ર ઇમેઇલ એપ્લિકેશન છે. કેનેરીને વૈશ્વિક સરાહના પ્રાપ્ત થઈ છે અને એપલ દ્વારા વિશ્વભરમાં તેને એપ સ્ટોર પર નિયમિતપણે 'અ એપ વી લવ' તરીકે દર્શાવવામાં આવે છે, જે તેનુ મહત્વ અને લોકપ્રીયતા સુચવે છે. અમેરીકાની નેકસ્ટ વેબના એડિટર બ્રયાન કલર્ક એ કેનેરીને 'બેસ્ટ ઇમેલ એપ ઇન માર્કેટ' નો ખીતાબ આપ્યો છે.

(લીંકઃ https://thenextweb.com/apple/2018/03/14/i-still-hate-email-but-i-love-canary/)

કેનેરી મેલ એપ રાજકોટના જાણીતા એઇસ સોફટવેરના સ્થાપક શ્રી વિક્રમભાઇ સંઘાણીના પુત્રોની જોડી દેવ અને સોહેલ સંઘાણી દ્વારા બનાવામાં આવી છે. દેવ સંઘાણી કેલીફોર્નીયાની કેલટેક યુનિવર્સીટીમાંથી અભ્યાસ કરી અને જાણીતી પોકેટ જેમ્સ ગેમીંગ કંપનીનો અનુભવ ધરાવે છે, જયારે સોહેલ વોશીંગ્ટનની જોન હોપકિન્સ સ્કૂલ ઓફ એડવાન્સ સ્ટડીસમાં અભ્યાસ કરી અને જાણીતી બ્રિજવોટર એસોસીએટ કંપનીમાં કામનો અનુભવ ધરાવે છે. બન્ને સંઘાણી ભાઇઓ અમેરીકાની ટોપ યુનિવર્સીટીમાંથી સ્નાતાકની પદવી મેળવી અમેરીકામાં સારી કારકિર્દીની તકો જતી કરી ભારતમાં કેનેરી મેલની સ્થાપના કરવાના ઇરાદે પાછા ફર્યા હતા અને આજે આ સ્ટાર્ટ અપને મળેલ સન્માન અને ઓળખ તેમની મહેનત અને તેમના વિશ્વાસની જીત સમાન છે. કેનેરી એપમાં શાનદાર ટ્રેકશન હોવાથી તેને એક અગ્રણી સાયબર સીકયુરિટી વેન્ચર કેપીટલે નોંધપાત્ર મૂલ્યાંકન પર ટર્મશીટ આપવા તત્પરતા દાખવી છે, જયારે એક અગ્રણી સુરક્ષિત ઇમેઇલ સેવાએ કેનેરીને એકવાયર કરવાની તૈયારી દેખાડી છે, અને ફોર્ચ્યુન ૫૦૦ કંપનીના સ્થાપકની સંસ્થાએ તેને ગ્રાન્ટ આપી છે. આ બાબતો આ સ્ટાર્ટ અપનો શું મહિમા છે અને કેવી માંગ છે, તે સુચવે છે.

જે ભારત સરકારની સંસ્થા દ્વારા આ એવોર્ડ એનાયત થયો છે, તે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' એ સ્ટાર્ટ અપ સંસ્કૃતિને ઉત્પન્ન કરવા અને દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા માટે એક મજબૂત અને સમાવિષ્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટે ભારત સરકારની એક આગવી પહેલ છે. જાન્યુઆરી, ૨૦૧૬ માં આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રજવલીત કરવામાં આવેલા સ્ટાર્ટઅપ જુવાળે દેશભરમાં ઉદ્યોગસાહસિકોની ભાવનાઓને અને કૌશલ્યોને વેગ આપ્યો છે. આ જુવાળને લીધે આજે ભારત વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ્સ માટે ત્રીજો સૌથી મોટી ઇકોસિસ્ટમ આપતો દેશ છે. દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા નેશનલ સ્ટાર્ટ અપ એવોર્ડની શરુઆત કરવામાં આવી છે.

આ નેશનલ એવોર્ડની ઘોષણા કરતી વખતે, જાહેર કરાયુ હતુ કે વિજેતાઓ અને ચાર રનર્સ અપને બીજી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટ અપ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં ભાગ લેવામાં સહાયતા કરવા ઉપરાંત આ તમામ સ્ટાર્ટ અપ્સને તેમના દ્વારા શોધાયેલા ઉકેલ રુપી પ્રોજેકટસને જાહેર સરકારી અધિકારીઓ અને કોર્પોરેટ ગ્રુપ સમક્ષ પ્રસ્તુત કરવા માટે તક આપવામાં આવશે, જે મેઇલર ટેક એલએલપી જેવા સ્ટાર્ટ અપને વધુ પ્રગતી અને વેગ આપશે.

(11:35 am IST)