Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોના થાકયો : સિવિલમાં ૫૦૦ બેડમાંથી ૪૦૦ ખાલી

કોવિડ સેન્ટરના ૫ માળ પૈકી બે માળમાં દર્દીઓ દાખલ : હોસ્પિટલના પ્રાંગણમાં આવેલ ડોમ પણ કાઢી નંખાયો : તંત્રમાં હાશકારો

રાજકોટ તા. ૧૦ : છેલ્લા દસ મહિનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં કોરોના ધીમો પડતા શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આજની સ્થિતિએ કુલ ૫૦૦ બેડમાંથી ૪૦૦ બેડ ખાલી જોવા મળી રહ્યા છે. કોરોના ધીમો પડતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવી રહ્યા છે.

કોરોના દર્દીઓની સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં પાંચ માળના નવા બિલ્ડીંગમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં માત્ર પોઝિટિવ કોરોના દર્દીઓની સારવાર આપવામાં આવતી હતી. છેલ્લા દસ મહિનામાં હાહાકાર મચાવનાર કોરોનાના કેસનો ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો હતો. સમગ્ર આરોગ્ય વિભાગ કોરોના દર્દીઓની સારવાર માટે ઝઝુમી રહ્યું હતું.

શહેરની સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડીંગમાં કુલ પાંચ માળમાં કુલ ૫૦૦ની વધુ બેડની સુવિધાવાળુ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું.

આજની સ્થિતિએ ૫ માળમાંથી માત્ર પહેલા અને બીજા માળે ૧૦૦ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમો માળ ખાલી છે. આ માળમાં આઇ.સી.યુ. સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

આ દરમિયાન સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં કોરોના ટેસ્ટ માટે ડોમની સુવિધા ઉભી કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા ક્રમશઃ ડોમ કાઢી નાંખવામાં આવ્યા છે તેમજ ચૌધરી હાઇસ્કુલમાં હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે તે પણ ક્રમશઃ બંધ કરવામાં આવનાર હોવાનું તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ગત માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. છેલ્લા દસ મહિનામાં કુલ ૧૪ હજાર જેટલા કેસ નોંધાયા છે અને કોરોનાથી ૧૪૪ દર્દીઓના મૃત્યુ થયાનું મ.ન.પા. તંત્ર સત્તાવાર જણાવી રહ્યું છે. હાલમાં ૪૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આમ સિવિલમાં છેલ્લા દસ મહિના બાદ કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા આરોગ્ય વિભાગ હાશકારો અનુભવી રહ્યું છે પરંતુ લોકોને હજુ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.

(2:50 pm IST)