Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

આરોગ્ય કેન્દ્રના અધધધ ૧૨ ડોકટરોને કોરોના

નાનામવા આરોગ્ય કેન્દ્રનો ૮૦ ટકા સ્ટાફ કોરોનાની ઝપટે ચડયો મ્યુ.કોર્પોરેશનના ૨૦૦થી વધુ કર્મચારીઓને કોરોનાઃ ભારે ફફડાટ

રાજકોટ તા. ૯ : શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસોને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કોરોના સંક્રમણ દરેક જગ્યાએ પહોંચી ગયું છે ત્યારે મ્યુ. કોર્પોરેશનના ૨૦૦થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડયા છે. કોરોના વોરિયર્સ ગણાતા આરોગ્ય કેન્દ્રનાં ૧૨ ડોકટરો તથા નાના મવા ચોક વિસ્તારના આરોગ્ય કેન્દ્રનાં ૮૦ ટકા સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઇ ગયો છે.

કોરોનાએ સૌને ભરડામાં લઇ લીધા છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ૨૧ આરોગ્ય કેન્દ્રનાં ૧૨ ડોકટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ રહ્યો છે.

આ ઉપરાંત શહેરના નાના મવા ચોક વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનો ૮૦ ટકા સ્ટાફનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ કર્મચારીઓની ઘટ છે બીજી તરફ કર્મચારીઓ - ડોકટરો કોરોના પોઝિટિવ આવ્યા છે.

દરમિયાન છેલ્લા સપ્તાહમાં મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ૨૦૦થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

જેમાં સોલિડ વેસ્ટ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેકટરો, વોર્ડ ઓફિસરો, ઇજનેરો, ડે.કમિશનરો, ફાયરબ્રિગેડ ઓફિસર, મેયર, સેન્ટ્રલ સ્ટોર સહિતના વિભાગોના કર્મચારીઓ - અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી જતા તંત્રની સ્થિતિ પાંગળા જેવી થઇ ગઇ છે.

મ્યુ. કોર્પોરેશન કચેરી, વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્રમાં ફરજ દરમિયાન પણ મુલાકાતીઓ, અરજદારો સાથે સતત સંપર્કમાં આવતા હોવાથી કોરોનાની ઝપટે ચડવાનો ભય કર્મચારીઓમાં ફેલાઇ રહ્યો છે.

(3:17 pm IST)