Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગરૂડ ગરબી સહિત ૧૧ મંડળોએ પોલીસને મળીને કહ્યું-અમે ગરબી નહિ યોજીએ

કોરોના મહામારીમાં ગરબી મંડળો દ્વારા લેવાયેલા સમાજના હિતલક્ષી નિર્ણયને બિરદાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ

રાજકોટ તા. ૯: કોરોનાની મહામારીને કારણે નવરાત્રીમાં પ્રાચીન અર્વાચીન ગરબી-રાસોત્સવના આયોજકો જાતે જ સમજીને આ વર્ષે આયોજન બંધ રાખી રહ્યા છે. દરમિયાન ગરબી મંડળના કેટલાક સંચાલકોએ સામેથી પોલીસ સાથે મીટીંગ કરી પોતે ગરબીના આયોજન બંધ રાખશે તેની જાણ કરી છે.

બી-ડિવીઝ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી મિટીંગમાં ગાંધી વસાહત સોસાયટી, નંદનવન સોસાયટી ભગવતીપરા, ઓમ શાંતિ પાર્ક મોરબી રોડ, ભગીરથ સોસાયટી, આરએમસી હુડકો માર્કેટ યાર્ડ, ઓમ શાંતિ સ્કૂલ પાસે ભગવતીપરા, ચામુંડા ગરબી મંડળ બેડીપરા મળી સાત આયોજકોએ સ્વેચ્છાએ આ વખતે પ્રાચીન ગરબાનું આયોજન નહિ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત એ-ડિવીઝન પોલીસ મથક ખાતે ગરૂડ ગરબીના સંદિપભાઇ ડોડીયા, રામનાથપરા-૩ની ગરબીના ધનરાજભાઇ રાઘાણી, ખોજાખાના ચોકના ધર્મેશભાઇ ગધાતરા અને ભવાનીનગર-૫ના ભવાની ગરબીવાળા ભુપતભાઇ મકવાણાએ બેઠક યોજી ગરબીનું આયોજન મુલત્વી રાખવાનો સમાજના હિતલક્ષી નિર્ણય લીધો હતો. ગરૂડની ગરબી ૧૨૫ વર્ષથી યોજાતી આવી છે. જે કોરોનાને કારણે આ વખતે બંધ રહેશે.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલે ગરબી મંડળોના આ નિર્ણયને બિરદાવ્યો હતો. પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીઆઇ સી. જે. જોષીએ આયોજકો સાથે બેઠકો યોજી હતી.

(12:48 pm IST)