Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોનાએ આયુર્વેદનું મહત્વ સમજાવ્યું છે, તેનાથી ડર્યા વગર આ ચિકિત્સા અપનાવીએઃ નિતીનભાઇ રાયચુરા

ફર્ન હોટેલ અને આન ઓટોના સંચાલક ગોંડલના સદ્દગુરૂ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરીનો પ્રેરક સંદેશ

રાજકોટ તા. ૯ : ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી અને રાજકોટના જાણીતા બીઝનેસમેન નીતિનભાઈ રાયચુરા કોરોનાની મહામારીનો ગભરાયા વિના સામનો કરી આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોના મહામારીના સમયમાંથી આપણે પસાર થઈ રહયાં છીએ. આનાથી આપણે ગભરાવાની જરૂર નથી. પરંતુ જાગૃતિ વધારવાની જરૂર છે.

કોરોના એક રીતે તો આપણા માટે આશીર્વાદરૂપ બન્યો છે. એણે આપણા આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, અને દેશી ઉપચારોથી શરીરને સાચવવાની પ્રેરણા પુરી પાડી છે. ત્યારે આપણે સૌ તેનાથી ડર્યા વિના આપણી પારંપરિક આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિને અપનાવીને આપણા રોજીંદા જીવનમાં દેશી ઉપચારો જેવા કે, સુદર્શન, સૂંઠ, મધ અને હળદર સહિતના ઔષધોનું નિયમિત સેવન કરીશું તો આપણા જીવનની આજીવન રક્ષા થશે. કોરોના એવી કોઈ વસ્તુ નથી કે જે આવી છે એટલે હવે જશે જ નહીં. આ મહામારી આજે આવી છે તો કાલે અવશ્ય જવાની જ છે.

આપણી ભારતીય પારિવારિક પરંપરા મુજબ આપણે બહાર જઈને ઘરમાં પ્રવેશતાં પહેલા આપણા હાથ-પગ અને મોઢું સ્વચ્છ પાણીથી ધોઈને પછી જ ઘરમાં પ્રવેશતા હતા, તેવી જ રીતે જમવા બેસતી વખતે પણ આપણે આપણા હાથ - પગ ધોઈને પછી જ જમવા બેસતા હતા. આપણી આ પરંપરા આપણે ભૂલ્યા, તેના કારણે આજે આપણે અનેક રોગોનો સામનો કરવો પડી રહયો છે.

આપણા વડીલોએ આપણને જે સંસ્કાર વારસો આપ્યો હતો. તેને પુનૅં જાગૃત કરી આપણે સૌએ નિર્ભયપણે આ મહામારી સામે લડવાનું છે. 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

નીતિનભાઇ રાયચુરા

મો. ૯૮૨૫૧ ૭૫૩૫૩

(1:09 pm IST)