Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોના થતાં પ્રારંભે રેણુકાબેને કહ્યું-સિવિલ હોસ્પિટલમાં સારવાર નથી જ લેવી, પણ પછી કર્યા બેમોઢે વખાણ

૫૮ વર્ષના મહિલાએ કહ્યું-હું ખોટી ગભરાતી હતીઃ સાત દિવસ સિવિલમાં રહી ત્યારે સતત સારવાર અને આરોગ્ય કર્મીઓ તરફથી પરિવાર જેવી હુંફ મળી ને હું સાજી થઇ

રાજકોટ : ભય અને શંકા જયારે મનુષ્યના વિચારો પર હાવિ થઈ જાય છે, ત્યારે તે કોઈ પણ વાત અને વસ્તુ પર વિશ્વાસ મુકી શકતો નથી. આવા જ અસમંજસ અને અવિશ્વાસમાં ફસાયા હતા રાજકોટના હસનવાડી વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય રેણુકાબેન પારેખ.

 

રેણુકાબેનના પુત્ર અને પુત્રવધુ કોરોનાથી સંક્રમિત થયા હતાં પરંતુ થોડા સમય બાદ તેમને પણ શરદી, ઉધરસ અને તાવના લક્ષણો સામે આવ્યા. કોરોનાનો ટેસ્ટ કરાવતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. સાથો સાથ ડાયાબીટીસ, બી.પી. અને થાઈરોઇડની બીમારી ધરાવતા રેણુકાબેનનું ઓકિસજન લેવલ પણ ઓછું હતું. તેમનું સ્વાસ્થ્ય વધુ ન બગડે તે માટે ડોકટરે હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું. પરંતુ ભય અને શંકાના કારણે રેણુકાબેનએ સિવિલમાં સારવાર લેવાની ચોખ્ખી મનાઈ કરી દીધી.

પરિવાર અને ડોકટરની વાત કમને માનીને રેણુકાબેન સારવાર અર્થે સિવિલમાં દાખલ થયાં. પરંતુ સારવાર બાદ ત્યાં થયેલ સારા અનુભવ વિશે જણાવતા કહ્યું હતું કે, 'ઓકિસજન લેવલ ઓછું હોવાથી ફરિજયાતપણે હોસ્પિટલમાં દાખલ થવાની પરિસ્થિત ઉદભવી હતી. મનમાં નક્કી કર્યું હતું કે સિવિલમાં તો નહીં જ જાઉ. પણ જયારે સારવાર માટે ગઈ ત્યારે સમજાયું કે હું ખોટી ગભરાતી હતી.

૭ દિવસ રહી સિવિલમાં અને ત્યાંના આરોગ્ય કર્મીઓએ પરિવારની જેમ મારું ધ્યાન રાખ્યું. ફોન હતો એટલે રોજ ઘરના લોકો જોડે વાત કરી લેતી. ઘરે પરત ફરી ત્યારે સૌથી પહેલા પરિવારના લોકોને કહ્યું કે, સાચે જ સિવિલમાં મને સારી સારવાર મળી છે. ભોજનની સુવિધા પણ સારી હતી. આજે સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી શકી છું તો આરોગ્ય કર્મીઓનાં પ્રેમ અને હુંફને કારણે.' ઔદાર્ય દાખવીને દર્દીઓની સુશ્રુષા કરતાં આરોગ્ય કર્મીઓના સ્નેહે રેણુકાબેનની જેમ અનેક લોકોના સિવિલ પ્રત્યેના વલણો ફેરવ્યા છે. જેઓ આજે બીજા લોકોને સિવિલમાં જ સારવાર લેવાની પ્રેરણા આપી રહ્યા છે અને અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.

(1:16 pm IST)