Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

શહેરમાં દબાણ હટાવવા ખાસ એન્ક્રોચમેન્ટ ઓફીસરની નિમણુંક

નવી જગ્યા ઉભી કરી હંગામી એકસ આર્મીમેન પરબત બારીયાની કરાઇ નિમણુંકઃ નવા નિમણુંક થયેલા ચીફ ફાયર ઓફીસર ઇલેશકુમાર ખેરએ ચાર્જ સંભાળી લીધો

રાજકોટ, તા., ૧૦: શહેરમાં જાહેર માર્ગો કે મ્યુ. કોર્પોરેશનની જગ્યાઓમાં શાક માર્કેટો પાસે વગેરે સ્થળેથી રેકડી-કેબીન કે અન્ય પ્રકારનાં દબાણો દુર કરવા મ્યુ. કોર્પોરેશન દ્વારા ખાસ નવી એન્ક્રોચમેન્ટ ઓફીસની જગ્યા ઉભી કરી અને આ જગ્યાએ એકસ આર્મીમેન પરબતભાઇ બારીયાની એન્ક્રોચ ઓફીસર તરીકે નિમણુંક કરાઇ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે કરેલા હુકમમાં જણાવ્યું છે કે  રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ શાખામાં ધી જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ ની કલમ ૫૩(૩) હેઠળ ૬(છ) માસ માટે તદ્દન હંગામી ધોરણે રાજકોટ શહેરનાં વિસ્તારોમાં અસ્થાયી તથા ટેમ્પરરી દબાણો દુર કરવાની, સંલગ્ન કામગીરીનું ઓવરઓલ સુપરવિઝન અને શાખાધિકારી તરીકેની કામગીરી માટે એન્ક્રોચમેન્ટ ઓફિસર-પુરૂષની જગ્યા વંચાણે-૧ થી ઉપસ્થિત કરવામાં આવેલ, સદરહુ  જગ્યા રૂ. ૪૯૭૦૦/-(અંકે રૂપિયા ઓગણપચાસ હજાર સાતસો પુરા) ના માસિક ફિકસ પગારથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોના તા.૦૫/૦૮/૨૦૨૦ ના રોજ મૌખિક ઈન્ટરવ્યુ  લેવામાં આવેલ જેમાં સ્ટાફ સિલેકશન કમિટીની ભલામણ અનુસાર મોખિક ઈન્ટરવ્યુના પરફોર્મન્સ મુજબ મેરીટના ક્રમાનુસાર આવતા નીચે જણાવેલ ઉમેદવારની નિર્દિષ્ટ શરતોને આધિન એન્ક્રોચમેન્ટ ઓફિસર-પુરૂષ ની જગ્યા ઉપર રૂ. ૪૯૭૦૦/-(અંકે રૂપિયા ઓગણપચાસ હજાર સાતસો પુરા)ના માસિક ફિકસ પગારમાં હાજર થાય તે તારીખથી માર્કેટ શાખામાં ૬(છ) માસ સુધી તદ્દન હંગામી ધોરણે પ્રથમ  પરબતભાઇ જેઠાભાઇ બારીયાની નિમણુંક કરાઇ છે.

હુકમમાં ખાસ નોંધ છે કે  ઉમેદવારએ આ હુકમ મળ્યે દિવસ-૭ (સાત) માં સંબંધિત શાખામાં ફરજ ઉપર હાજર થઈ જવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો તેમનાં પુરતો આ નિમણુંકનો હુકમ આપોઆપ રદ ગણાશે.  ઉમેદવારે હાજર થતી વખતે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત શાખા સાથે ફરજીયાત કરારનામું કરવાનું રહેશે. જેની એક નકલ મહેકમ શાખામાં અચૂકપણે મોકલવાની રહેશે. જો ઉમેદવાર કરારનામું કરવામાં નિષ્ફળ જશે તો આ નિમણુંક હુકમ આપોઆપ રદ્દ ગણાશે. આ જગ્યા ધી જી.પી.એમ.સી.એકટ -૧૯૪૯ ની કલમ-૫૩(૩) હેઠળ ઉપસ્થિત કરવામાં આવેલ હોય, નિમણુંક પામનારે મહતમ ૬(છ) માસ સુધી ઉપર દર્શાવ્યા મુજબના ફિકસ પગારમાં કામગીરી કરવાની રહેશે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સેવામાંથી આપોઆપ છુટ્ટા ગણાશે. નિમણુંક પામનારને ઉપર દર્શાવેલ ફિકસ રકમ ઉચ્ચક ફિકસ પગાર તરીકે આપવામાં આવશે. આ ફિકસ રકમ સિવાય તેના ઉપર કોઇપણ પ્રકારના લાભો કે અન્ય ભથ્થાઓ મળવાપાત્ર રહેશે નહિ.

ચીફ ફાયર ઓફીસરે ચાર્જ લીધો

આ ઉપરાંત તાજેતરમાં જ નિમણુંક પામેલા ચીફ ફાયર ઓફીસર ઇલેશકુમાર ખેર એ ચાર્જ સંભાળી લીધો છે.

ઓફીસર્સ સીલેકશન કમીટીએ તેઓની નિમણુંક કરવામાં આવી છે.

(3:02 pm IST)