Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રેલનગર ફાયર સ્ટેશનથી સાધુવાસવાણીને જોડતા રસ્તામાં ભ્રષ્ટાચારના ગાબડા : ગાયત્રીબા

આ રોડને નવીનિકરણ કરવા કોંગી કોર્પોરેટર દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત

રાજકોટ, તા. ૧૦ : વોર્ડ નં.૩માં આવેલ ફાયર સ્ટેશનથી સાધુ વાસવાણી રોડને જોડતા રોડનું નવીનિકરણ કરવા વોર્ડ નં. ૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.૩ના વિસ્તારમાં આવેલ રોડનું કામ પ્રથમથી જ ગુણવત્તાની દૃષ્ટિએ ખૂબજ નબળુ હતું. હાલમાં આ રોડ ઉપર આવાસ પામેલી સોસાયટીનો મુખ્ય રસ્તો બની ગયેલ છે આ રોડ ઉપરથી પસાર થઇ રેલનગર અંડર બ્રીજ અને સાધુવાસવાણી કુંજ રોડ તેમજ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર જઇ શકાય છે જેથી આ વિકસતા વિસ્તારમાં બની રહેલા નવા બાંધકામો માટે મટીરિયલ લઇને આવતા હેવી વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે અને તેમાય ખાસ કરીને આ વર્ષે અતિથી અતિભારે વરસાદના કારણે રોડની હાલત ખૂબજ ખરાબ થઇ જવા પામેલ છે અને પ્રથમથી જ નબળી ગુણવત્તાના કારણે આ રોડ ઉપર ઠેર-ઠેર ગાબડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ અકસ્માતનું ભોગ બનવું પડે છે.

ત્યારે ઉપરોકત વિષયે રેલનગર સંપ હાઉસથી સાધુવાસવાણી કુંજ રોડને જોડતા આ રોડનું નવેસરથી ખોદાણ કરી આધુનિક ટેકનોલોજી મુજબ રોડની ડિઝાઇન તૈયાર કરાવી આખા રોડનું નવીનિકરણ કરવામાં આવે તો જ આ પ્રશ્નનું કાયમી નિરાકરણ થઇ શકે તેમ છે જે બાબતે લઇ તાત્કાલીક ધોરણે આ રોડમાં નવીનિકરણની કામગીરી હાથ ધરવામાંગ કરવામાં આવી છે.

(3:05 pm IST)