Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભૂગર્ભ ગટર સફાઇના મજૂરોને સુરક્ષા આપવામાં તંત્ર નિષ્ફળ : વશરામ સાગઠિયા

ભગવતીપરામાં મજૂરો ગટરની કુંડીમાં પડી ગયા બાદ ગુંગળાઇ ગયા કેમકે તેઓને સેફટી કીટ અપાઇ ન હતી : વિપક્ષી નેતા

રાજકોટ તા. ૧૦ : ભૂગર્ભ ગટરની સફાઇ કરતા મજૂરોને સુરક્ષા પુરી પાડવામાં મ.ન.પા.નું તંત્ર નિષ્ફળ જઇ રહ્યાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ કર્યો છે.

આ અંગે શ્રી સાગઠિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં વોર્ડ નં.૪ ભગવતી પરા વિસ્તારમાં મોર્ડન વિદ્યાલય નજીક આવેલ વિનાયક ફલેટ પાસે વોર્ડ નં.૪ના નાયબ ઈજનેર વાય.કે.ગૌસ્વામીએ જણાવ્યા મુજબ વિસ્તારમાં પાણી ચોકઅપ થવાની ફરિયાદ હતી અને મેનહોલની બાજુમાં ૧૦-૧૫ ફૂટ ઊંડો ખાડો ખોદી લાઈનનું કામ કરતા હતા ત્યારે એક માણસને ૨૫ ફૂટ ઊંડા મેનહોલમાં ઉતાર્યો હતો અને જે ગેસ ગળી ગયો હતો તેને બચાવવા બીજા બે કામદારોને ડ્રેનેજ મેનહોલમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ આ ત્રણેય કામદારો ગેસ ગળી જતા હાલત ગંભીર બનેલ છે.

આ વિસ્તારમાંથી વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને સ્થાનિક આગેવાન અને સામાજિક કાર્યકર મહેશભાઈ ભુપતભાઈ મહિપાલ દ્વારા આખી આંખો દેખી ઘટનાનો અહેવાલ કહેતા ઈજનેરો અને કોન્ટ્રકટર ની ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો.

સ્થાનિક લોકોએ મળીને પોતાની ૩-૪ ફોરવ્હીલમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને પાછળથી ફાયરબ્રિગેડ અને ૧૦૮ પહોંચ્યા હતા માટે મનપાનું તંત્ર ખોટા જશ ન ખાટે તેવી તાકીદ પણ કરી હતી આ તકે વિસ્તારમાંથી લાલાભાઈ, વિરેન્દ્રભાઈ રાજુભાઈ વ્યાસ સહીત અનેક સ્થાનિકો મદદ કરવા પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે એકપણ કામદારની પાસે સેફટીકીટ પહેરેલી ન હતી માથામાં હેલ્મેટ હતી તેમજ સેફટી શુઝ પણ નહોતા પહેર્યા.

આ ઘટનાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા સિવિલ હોસ્પિટલ ખાતે સત્વરે પહોંચ્યા હતા અને બનાવની વિગતો તેમજ પ્રાથમિક માહિતી મેળવી હતી, આ સ્થળે બાબુભાઈ આજુભાઈ ધરેજીયા ઉ.વર્ષ ૪૦, નાગજીરામ ધનજીરામ ધરેજીયા ઉ.વર્ષ ૪૮, રામભાઈ તખાભાઈ લાલાણી ઉ.વર્ષ ૨૦ને સ્થળ પર ગંભીર હાલત હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટરો અને હાજર સ્ટાફને ગંભીરતાથી સારવાર લેવા અને ટ્રીટમેન્ટ આપવા આદેશો આપ્યા હતા અને આ સ્થળે કોંગ્રેસના વોર્ડ નં.૪ના કોર્પોરેટરના પતી ઠાકરશીભાઈ ગજેરા અને અનિલભાઈ જાદવ તેમજ નરેશભાઈ પરમાર, ચંદ્રેશ રાઠોડ અને હીરાભાઈ ચાવડા પણ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

(4:06 pm IST)